ભક્તિ – પ્રેમ – સેવા એજ પરમની પૂજા

વ્હાલા આત્મિયજનો,

ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે આપ સર્વે ભાવિકોને મારા આશીર્વાદ છે. મનુષ્યજીવનમાં માતાપિતા પ્રથમ ગુરૂ છે. પરમાત્માનું એ તો વ્યક્ત સ્વરૂપ છે. આપે આપના જનકજનનીના ચરણવંદન કરી, તેમની સેવા કરી આશીર્વાદ મેળવ્યાજ હશે. મારા આદેશને અનુસરીને આપના માતાપિતા અને ઘરના વડીલોને પ્રેમ, હૂંફ આપી સેવા કરવાનો નિયમ ચાલુ જ રાખજો. માતાપિતા અને સદગુરૂની સેવા અને આપણા ઇષ્ટદેવની ભક્તિ કરવી એ આપણું પ્રથમ કર્તવ્ય છે, આપણી આર્યસંસ્કૃતિની શીખ છે.

આજે પણ દેશ વિદેશમાં અમુક પરિવારોમાં દીકરા, દીકરીઓ, પુત્રવધુઓ માતાપિતા અને વડીલોની સેવા કરતાં, પ્રેમ હૂંફ આપતાં આદર કરતાં જોઉં છું ત્યારે મને આનંદ થાય છે. ઘરના પૂજારૂમમાં ભગવાનની મૂર્તિ સામે મસ્તક નમાવે છે પરંતુ ભક્તિની રીત, મર્મ, હાર્દ નહિ સમજાતાં રસ-રૂચિ દાખવી શકતાં નથી; વળી વ્યસ્ત જીવન અને બાહ્ય દુનિયાના આકર્ષણો ભક્તિના રસને પોષવા દેતાં નથી.

ભક્તિનો મર્મ છે પરમાત્માના સ્વરૂપને પ્રેમ કરવો પરમાત્માને પ્રેમ કરવો, પરમાત્માને પ્રેમ કરવા માટે પરમાત્માના અસ્તિત્વનો સ્વીકાર કરવો પડે. પરમાત્મામાં અતૂટ શ્રધ્ધા હોવી જોઈએ. આપણા પ્રેમને અભિવ્યક્ત કરવા માટે આપણામાં સમ્પૂર્ણ શરણાગત – સમર્પણભાવ હોવો જોઈએ.

પરમાત્મતત્વ આ સૃષ્ટિમાં બે સ્વરૂપે વિલસી રહ્યું છે. એક છે પરમાત્માનું અવ્યક્ત સ્વરૂપ જે આપણે મંદિરોમાં, આપણા ઘરના દેવસ્થાનમાં મૂર્તિ સ્વરૂપે પૂજીએ છીએ. પરમાત્માનું બીજું વ્યક્ત સ્વરૂપ છે જે પરમાત્માનું સૃષ્ટિ સર્જનરૂપ છે. સૃષ્ટિમાં વિલસી રહેલાં માનવો, પશુપંખી, જીવજંતુ, ઝાડ, પાન, વેલા, જેની આપણે યથાશક્તિ સેવા કરીએ છીએ. પરમાત્માના વ્યક્ત સ્વરૂપમાં આપણા માતાપિતા અને સદગુરૂદેવ પરમાત્માનું સાક્ષાત સ્વરૂપ છે.

સામાન્ય રીતે પરમાત્માના અવ્યક્ત સ્વરૂપની સ્થાપના મૂર્તિ સ્વરૂપે કે વિશિષ્ટ આકૃતિ સ્વરૂપે ઘરના દેવસ્થાનમાં, મંદિરો, ગુરૂદ્વારા, ચર્ચ, મસ્જીદો વિગેરે સ્થળોએ, તીર્થસ્થાનોમાં કરેલી હોય છે. દરેક વ્યક્તિ પોતાની આસ્થા, સંસ્કાર અને સમ્પ્રદાય અનુસાર વિવિધ રીતે પોતાના ઈષ્ટદેવની ભક્તિ કરતી હોય છે.  

દીવો, અગરબત્તી, માળા, મંત્રજાપ, નામસ્મરણ, ભજન, કીર્તન, અનુષ્ઠાન, યજ્ઞ, કથા વાર્તા, વ્રત, તપ, ઉપવાસ, તીર્થાટન, નમસ્કાર, સાષ્ટાંગ દંડવત, મૂર્તિપૂજામાં વિવિધ ઉપકરણોનો ઉપયોગ-દૂધ, જળ પંચામૃત, બીલીપત્ર, ફૂલ-હાર વિગેરેનો વિશિષ્ટ રૂપે અભિષેક કરવો વિગેરે ભક્તિના-પૂજાના વિવિધ પ્રકારો છે, વિવિધ રીતો છે. વિવિધ કર્મકાંડો, મંત્રોચ્ચાર કરવામાં આવે છે. પરમાત્માની ભક્તિના વિવિધ પ્રકારો, ઉત્સવો, પાછળ કોઈક વૈજ્ઞાનિક તથ્ય છુપાયેલું છે. આપણા પૂર્વજો, ઋષિમુનિઓ વૈજ્ઞાનિક હતા. આ સ્થૂળ ક્રિયાઓ પાછળ વૈજ્ઞાનિક તથ્ય છે.

વ્હાલા બાળકો, આપણા દરેકના હૃદયમાં ભક્તિનું, પ્રેમનું બીજ જન્મની સાથે જ પડેલું છે. ભક્તિ એટલે હૃદયનો ભાવ, હૃદયનો પ્રેમ. દરેક મનુષ્યમાં જન્મજન્માંતરથી તેના પ્રારબ્ધ કર્મની સાથે સાથે તેના મન, બુધ્ધિ, ચિત્ત અને અહંકાર જોડાયેલાં જ છે. સમયાંતરે યોગ્ય અને વિશિષ્ટ વાતાવરણમાં તે પ્રદર્શિત થાય છે, વિકસે છે. આપણામાં વિશિષ્ટ જ્ઞાન, કળા, રૂચિ, સૂઝ, પ્રેમ-ભક્તિના બીજ સાનુકૂળ વાતાવરણમાં ઉદ્દિપન થાય છે, વિકસે છે. ભક્તિની ઉપર દર્શાવેલ વિવિધ રીતો, વિવિધ પ્રકારો આપણામાં રહેલાં ભક્તિના બીજને પોષવામાં, અંકુરિત થવામાં મદદ કરે છે, સાંપ્રત સમયમાં ભક્તિને પોષવામાં, અંકુરિત થવામાં મદદ કરે છે. સાંપ્રત સમયમાં ભક્તિનો વૈજ્ઞાનિક મર્મ ભૂલાઈ ગયો છે. આપણી શ્રધ્ધાને અંધશ્રધ્ધાના જાળાં બાઝી ગયાં છે.

આપણા ભક્તિભાવના ઝરણાંને અવિરત વહેતું રાખવા માટે શરૂઆતમાં ભક્તિની વિવિધ પધ્ધતિમાંથી પોતાને અનુકૂળ હોય તે પધ્ધતિ પોતાની ક્ષમતા અને રૂચી અનુસાર નિયમિતપણે ચાલુ રાખવી જોઈએ. મંત્રજાપ અને પ્રાર્થનાનો નિયમ અવશ્ય બનાવવો જોઈએ. ભક્તિની આ સ્થૂળ ક્રિયાઓ આપણા ભક્તિના બીજને પુષ્ટ કરશે અને સમયાંતરે આપણી સૂક્ષ્મ સમજનો, સૂક્ષ્મ ક્રિયાઓનો વિકાસ કરશે.

પરમાત્માના અવ્યક્ત સ્વરૂપની આપણા ઈષ્ટદેવના સ્વરૂપમાં આપણે પૂજા, અર્ચના કરી ભક્તિ કરવાનો નિયમ બનાવીએ છીએ તેવીજ રીતે પરમાત્માના વ્યક્ત સ્વરૂપની સમજ કેળવી ભક્તિના રૂપમાં સેવા કરવાની છે.

પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ :-

૧. આપણાં માતાપિતા

૨. આપણા સદગુરૂદેવ

૩. પરમાત્માની સર્જેલી સૃષ્ટિ જેમાં મનુષ્યો, પશુપંખી, કીટ પતંગ, જીવજંતુઓ, ઝાડ પાન, વૃક્ષ-વેલા વિગેરે. મારા નવસિધ્ધાન્તોમાં પ્રથમ સિધ્ધાંત- “ઇષ્ટમાં સમ્પૂર્ણ શ્રધ્ધા અને શરણાગતિ રાખવી” એ પરમાત્માના અવ્યક્ત સ્વરૂપની ભક્તિ છે. બાકીના આઠ સિધ્ધાંતો :-

(૧) “નિ:સહાયને સહાય કરવી

(૨) દુ:ખિયોના દિલનાં આંસુડા લૂંછવા

(૩) કોઈની ઈર્ષ્યા કરવી નહિં

(૪) કોઈની સાથે વિશ્વાસઘાત કરવો નહિં

(૫) પરનિંદાથી દૂર રહેવું

(૬) પુરૂષાર્થને અગ્રતા આપી સતત કાર્યશીલ રહેવું

(૭) નિ:સ્વાર્થ સેવા કરવી

(૮) અહમનો ત્યાગ કરવો”

  પરમાત્માના વ્યક્ત સ્વરૂપની ભક્તિ છે.

પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ આપણા માતાપિતા છે. માતાપિતા આપણને જીવન આપે છે. આપણું અસ્તિત્વ તેમને આભારી છે. આપણામાં સંસ્કારોનું સિંચન કરે છે. વાત્સલ્ય વરસાવી આપણા પ્રેમબીજને પુષ્ટ કરે છે. યુવાવસ્થામાં પગભર થતા પહેલા, પ્રેમથી જતન કરી આપણું પાલન પોષણ કરી, સંસારના સુખ ભોગવવાની તેમજ સાચા માનવ બનવાની શિક્ષા, સંસ્કાર આપે છે. પોતે અગવડ વેઠી આપણી સગવડ સાચવે છે.

આપણા માતાપિતાની ઉત્તરાવસ્થામાં – વૃધ્ધાવસ્થામાં કે અસહાય દશામાં તેમને પ્રેમ, હૂંફ આપી, તન, મન, ધનથી ન્યોછાવર થઇ તેમની સેવા કરવી તે જ પરમાત્માના વ્યક્ત સ્વરૂપની ભક્તિ છે. માતાપિતાની વૃધ્ધાવસ્થામાં દીકરા, દીકરી, પુત્રવધુએ આપણા વડીલજનો કે જેઓનું શરીર સ્વાસ્થ્ય કથળેલું કે રોગગ્રસ્ત હોય, બાળસહજ વૃત્તિઓ, ચેષ્ટાઓ થઇ ગઈ હોય તેમના ભાવયુક્ત માતાપિતા બનવાની જરૂર છે. માતાપિતાનું લાલન પાલન, પ્રેમ, હૂંફ તેમના જીવનનું સંભારણું બની રહેશે. માતાપિતા અને વડીલજનોના અંતરના આશીર્વાદ પરમાત્માની કૃપાશિષની પુષ્ટિ કરશે.

પરમાત્માનું બીજું વ્યક્ત સ્વરૂપ સદગુરુદેવ છે. સદગુરૂ આપણું જીવન બનાવે છે. જીવનયાત્રાનું લક્ષ્ય “પરમપ્રાપ્તિનો સરળ, સહજ રાજમાર્ગ બતાવે છે. સંસારયાત્રાને સુપેરે માણવાનો તેમજ સંસારની ફરજોને, સંસારના કર્તવ્યને પૂરી નિષ્ઠાથી પરમની પૂજા સમજીને અદા કરવાની શીખ સમજ આપે છે. સંસારની ફરજો, પોતાનું કર્તવ્ય અને પરમાત્માની ભક્તિનું સમતોલપણું સચવાઈ રહે તેવું માર્ગદર્શન આપે છે. આપણી અંદર બીજ રૂપે રહેલા ભક્તિ, શક્તિ, પ્રેમ તેમજ વિવિધ જ્ઞાન અને કળાઓનો વિકાસ થાય તેવી પ્રેરણા અને માર્ગદર્શન આપે છે. સત્સંગ દ્વારા આપણી આત્મિક શક્તિઓનો વિકાસ કરે છે. આપણે સાચા, સંનિષ્ઠ શિષ્ય-સેવક બની તન, મન, ધનથી આપણી શક્તિ અને ક્ષમતા અનુસાર આપણા સદગુરૂજીની અને તેમના સેવાયજ્ઞની પૂરી નિષ્ઠાથી સેવા કરવી જોઈએ.” તેમના આદેશો અને આદર્શોનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું જોઈએ. આપણી વિનમ્ર સેવા એજ સદગુરૂના રૂપમાં પરમાત્માના વ્યક્ત સ્વરૂપની ભક્તિ છે.

પરમાત્માનું ત્રીજું વ્યક્ત સ્વરૂપ પરમાત્માની જડ ચેતન સૃષ્ટિ છે. જડ સૃષ્ટિ વૃક્ષ, વેલાઓ, જંગલો, બાગબગીચાઓનું જતન કરવું, સંવર્ધન કરવું, સૂર્ય, ચંદ્ર, તારાઓ, ગ્રહો, નક્ષત્રો, સરોવરો, પહાડો, નદી, ઝરણા, સાગરના ઐશ્વર્યને માણવું, તેનો આદર કરવો, દુર્વ્યય થતો અટકાવવો તેમજ તેના સૌંદર્યને, તેના ઐશ્વર્યને જાળવવા પ્રયત્ન કરવો.

પશુ પંખી, જીવ, જંતુ, કીટ, પતંગ આ સૃષ્ટિના અવિભાજ્ય અંગ છે. તેમનું વિવેકયુક્ત જતન કરવું.

આપણા કુટુંબ, પડોશી અને સમાજની વ્યક્તિઓ સાથે સુમેળભર્યો પ્રેમસભર વ્યવહાર દાખવવો. આપણી શક્તિ અને ક્ષમતા અનુસાર તન, મન, ધનથી જરૂરિયાતવાળી વ્યક્તિઓની વિવેકયુક્ત મદદ કરવી, સેવા કરવી, સહાય કરવી.

આપણી અંદર બીજરૂપે રહેલા ભક્તિના – પ્રેમના બીજને ઉદ્દીપન કરવા માટે આપણે વૈજ્ઞાનિક પધ્ધતિ અપનાવીએ તો યુવામાનસમાં સાત્વિક, સમજદારી પૂર્વકનો ભક્તિનો, પ્રેમનો, પરમાત્માના ઐશ્વર્યનો ભાવ જગાવી શકીશું. ભક્તિના પ્રેમના બીજને અંકુરિત કરવા માટે ખેતરમાં વાવેલા પધ્ધતિસરના અનાજના બીજને જેમ યોગ્ય રીતે ખાતર, પાણી, પ્રકાશ, હવા, યોગ્ય માવજત અને રક્ષણ આપી અંકુરિત થવા દઈએ. છોડ બને ત્યાં સુધી તેની સંભાળ લેવી પડે, નકામા ઘાસ, છોડ અને “વીડસ”ને કાઢવા પડે. છોડમાંથી વૃક્ષ થયા પછી તેની બહુ માવજત કરવી પડતી નથી તેવીજ રીતે ભક્તિના બીજને ખેડ ખાતર પાણીની જેમ આપણી સ્થૂળ ભક્તિની પધ્ધતિથી અંકુરિત થવા દેવું પડે. ભક્તિનો રસ ઉદ્દીપન થાય પછી તેનું સંવર્ધન કરવા માટે સત્સંગ, સ્વાધ્યાય, મંત્રજાપ – નામસ્મરણ, સેવા, પ્રાર્થના, ધ્યાન, શ્રધ્ધા અને શરણાગતિ જરૂરી છે. ભાવગમ્ય ભક્તિના બીજને વિરાટવૃક્ષમાં પરિવર્તિત કરવા માટે શિસ્ત, સંયમ, ધીરજ અને નિયમિતતા અતિ આવશ્યક છે.

વ્હાલા બાળકો, ભક્તિનું-પ્રેમનું મૂળ લક્ષ્ય છે પરમાત્માને અને તેની જડચેતન સૃષ્ટિને નિર્વિકાર, નિર્મળ પ્રેમ કરવો, સેવા કરવી, આપણે આપણા કર્મને પણ ભક્તિ બનાવી શકીએ. આપણે કોઈપણ ક્ષેત્રમાં કામ કરતા હોઈએ તે કામને આપણી ફરજ, આપણો ધર્મ, પરમની પૂજા સમજીને પૂરી નિષ્ઠાથી કરીશું તો આપણું કામ દીપી ઉઠશે. આપણું કર્મ કર્મયોગ બની જશે. આપણા કાર્યક્ષેત્રમાં આવતા અનિષ્ટ તત્વો ઈર્ષ્યા, નિંદા, લોભ, લાલચ, અહમ, અન્યાય, જેવા દુષણોમાં ફસાઈ ન જવાય કે આપણા કામમાં અડચણરૂપ ન બને તેની સાવચેતી રાખવી જોઈએ. તેને મહત્વ આપવું જોઈએ નહીં. “પરમાત્મા મારી સાથે જ છે હું એકલો નથી” એવા આત્મવિશ્વાસ સાથે કર્મ કરવાથી પરમાત્માની મદદ, પ્રેરણા અને માર્ગદર્શન મળી રહે છે. કર્મયોગ પણ ભક્તિ જ છે. પરમાત્માને પ્રાપ્ત કરવાનો સરળ માર્ગ છે. સામાન્ય વ્યક્તિને કર્મમાર્ગ અતિસુલભ છે. કર્મને યોગ સાથે જોડી દેવો અને પરમના પ્યારા બની જવું તે આપણા હાથની, આપણા મનની વાત છે. “પરમાત્મા માટે જ અને પરમાત્મા થકીજ મને સોંપાયેલું કાર્ય હું મારી જાતને એક સાધન માત્ર સમજીને કરી રહ્યો છું.” તેવો ભાવ મનમાં રાખવો જરૂરી છે. પરમનું સ્મરણ આપણા શ્વાચ્છોશ્વાસમાં ચાલુ રાખવાથી આપણી આસપાસ સાત્વિક કવચ-લક્ષ્મણ રેખા દોરાઈ જશે જે આપણું સદા, સર્વદા, સર્વત્ર રક્ષણ કરતું રહેશે.

મારા આપ સર્વેને આશીર્વાદ છે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી