શ્રી રાજયોગી નરેન્દ્રજી

પૂજ્ય રાજયોગી નરેન્દ્રજી

“હું છું ને તું છે, હું દ્રશ્યમાં તું અદ્રશ્યમાં,
હું માં અંશ તારો, પ્રતિબિંબ તારું જ ભાસે.”

આ શબ્દો છે પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજીના. તેઓ અનંત અને વ્યાપ્ત આદિ શક્તિના નિરાકાર પાપણામાંથી જ ઉદ્દભવેલુ સગુણ સાકાર સર્જન છે. આજથી (7.09.2021) બરાબર 90 વર્ષ પૂર્વે આ અનંતનો અંશ અવતાર બ્રહ્માંડમાંથી વસુંધરાને પ્રાપ્ત થયો હતો. 

વિશાળ વસુંધરામાં ભારતદેશમાં ગુજરાતના ખેડા જિલ્લાના બીરપુર નગરમાં રાજવૈધ તરીકે બહુશ્રુત શ્રી બાપુલાલ દવે અને તેમના શિવભક્તિ પારાયણ ધર્મ પત્ની શ્રીમતી પરસનબેન નું દિવ્ય દામ્પત્ય પરમશક્તિ નો દિવ્ય અંશ ને પુત્ર રૂપે પ્રગટ કરવાનું પવિત્ર માધ્યમ હતું. Read More…

શ્રી રાજયોગી નરેન્દ્રજી

નવ સૂત્રો

નવસૂત્રો એ પરમની કૃપા દ્વારા દર્શાવેલ આદેશોનું સંકલન છે. આ નવસૂત્રોનું આચરણ, નિ:સ્વાર્થ સેવા અને આદેશોનું અક્ષરસઃ પાલન કરવાથી વ્યક્તિ જીવનમાં રાહત અનુભવે છે, સફળતા પ્રાપ્ત કરે છે.

ગીતાજીના સારરૂપ નવસિધ્ધાંતોનું આચરણ સંસારસાગરમાં તરવાની, પાર ઉતરવાની નાવ છે.

મા ભગવતીને કે આપના ઈષ્ટદેવને આપની જીવન નાવના ખેવૈયા – નાવિક બનાવજો, અર્જુનની જેમ પ્રેરણા, આદેશ અને માર્ગદર્શનનું અક્ષરસઃ પાલન કરજો.

ઇષ્ટમાં સમ્પૂર્ણ શ્રદ્ધા અને શરણાગતિ
નિ:સહાયને સહાય કરવી.
દુ:ખિયોના દિલનાં આંસુડા લૂંછવા.
કોઈની ઈર્ષ્યા કરવી નહિં.
કોઈની સાથે વિશ્વાસઘાત કરવો નહિં.
પરનિંદાથી દૂર રહેવું.
પુરૂષાર્થને અગ્રતા આપી સતત કાર્યશીલ રહેવું.
નિ:સ્વાર્થ સેવા કરવી.
અહમનો ત્યાગ કરવો.
શ્રી રાજયોગી નરેન્દ્રજી

ચાર માસ્ટર કી

આજના કલુષિત સમાજ અને કુટુંબનું નવસર્જન કરવા માટે અને આર્યસંસ્ક્રુતિને પુનર્જિવિત કરવા માટે આપે કટિબદ્ધ થવું જોઈએ.

કેવી રીતે થવું? શું કરવું? કેવી રીતે પૂજ્ય શ્રીના નવ્સર્જનમાં ભાગીદાર થઈએ?
આ માટે પૂજ્ય શ્રી નું સૂચન છે, ” આજથીજ તમે સહુ સાચા અર્થમાં માનવ બનવા માટે માનવીય ગુણો કેળવવા માટે માનવતાના મૂલ્યોને અપનાવવા પડે.

આપણો સંસારતો પરમાત્માનું સાકાર સ્વરૂપ છે. તેના મૂળમાં દેવત્વ રહેલું છે. સંસારની પ્રત્યેક વ્યક્તિ, માતા, પિતા, ભાઈ, બહેન, પતિ, પત્ની સમાજના નજીકના અને દૂરના સાગા, મિત્રો, સહકાર્યકર્તાઓ વિગેરેની સાથે પ્રેમભાવ રાખીએ, સહૃદયતા કેળવીએ. સંસારની પ્રત્યેક વસ્તુ પરમાત્મામય છે તેમ સમજી તેની સાથે પ્રેમાળ,મૃદુ વર્તાવ કરો અને પછી તમે જાતેજ અનુભવશો કે તમારા માટે બધાજ આત્મિય છે અને તમે બધાના આત્મિયજન છો. તમારા માટે બધાંને મન અને પ્રેમ ઉદ્ભવશે, તમારી પ્રેમમય ભાવનાની ભવ્યતાને લીધે તમારી ઉપસ્થિતિથી જ સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટશે.

આવો પ્રેમાળ સ્વભાવ અને જીવન ઘડતર મારો પ્રત્યેક શિષ્ય કેળવે અને આચરણમાં મૂકે તો જીવનમાં સાચી માનવતા પ્રગટે, મારે તો સંસારને સરળતા, સહૃદયતા, સહકાર અને સંભાવથી તરવા માટે ” માસ્ટર કી” આપવી છે. 

આપ કોઈ પણ ” માસ્ટર કી” અપનાવો અને આપણી માનવતા મહેંકી ઉઠશે.

પ્રેમ માર્ગ (પ્રેમાળ વર્તન)

તમારા સંપર્ક માં આવતી પ્રત્યેક વ્યક્તિને નિઃસ્વાર્થ, નિર્મળ,નિર્દોષ પ્રેમથી સભર કરી દો. બદલામાં તમને પ્રેમ જ મળશે. થોડી રાહ જોવી પડે તો ધીરજ રાખજો, નાસીપાસ ન થશો.

જ્ઞાન માર્ગ (સમજણભર્યું વર્તન)

તમે જો પ્રેમાળ વર્તન દાખવી શકતા ન હો, પ્રેમ કરવાનું તમને પરવડે તેમ ન હોય તો સામી વ્યક્તિ કે જે તમારા સંપર્કમાં આવે તેના વાણી,વર્તન, વ્યહવારને સમજવાનો પ્રયત્ન કરો. તેના દ્રષ્ટિકોણને સમજો. તેના ભાવને સમજવાનો પ્રયત્ન કરો. તમારી સાચી અને રાગદ્વેષ શક્તિની સમજણથી વાતાવરણમાં ક્લુષિતતા પ્રવેશતી અટકી જશે. તમારી સમજણથી સબંધો સંધાઈ જશે, વિખરાઈ જતા, તૂટી જતા અટકી જશે.

સહન માર્ગ (સહનશીલતાભર્યું વર્તન)

આપ આપના સાંસારિક અને દુન્યવી સંબંધોમાં સમજણનો માર્ગ પણ ન અપનાવી શકતા હો તો તમારે સહનશીલ બનવું પડે. સંપર્કમાં આવતી પ્રત્યેક વ્યક્તિઓની તમને લગતી કે સ્પર્શતી હકીકતોને સહન કરતા શીખો. આવા પ્રસંગે શબ્દોની સોદાબાજી, વાણીનો વિલાસ કે ભાષાની ભવાઈ કરવાને બદલે મૌન રહેવાનું પસંદ કરો. મૌન રહી, ઇન્દ્રેને આંતર્મુખ કરી માનસિક મંત્ર જાપ, ભાગવત સ્મરણમાં તે સમયને પસાર કરો. સામે કોઈ પ્રતિકાર ન કરો. બને તો વાતાવરણને બદલી નાખો. એકપક્ષીય કટુ વ્યવહારની અવધિ બહુ જ ઓછી હોય છે.

ક્ષમા માર્ગ (ક્ષમાશીલ વર્તન)

તમારા કુટુંબીજનો કે સંપર્કમા આવતી અમુક વ્યક્તિઓના અશિષ્ટ વાણી, વર્તન અને વ્યવહારને મૌન રહીને સહન કરવાની ક્ષમતા પણ ન ધરાવતા હો તો તમે તેની હરકતોને અવગણી માફ કરી દો. " ક્ષમા વિરસ્ય ભૂષણમ" એ ઉક્તિ અનુસાર તમે ક્ષમાનો ગુણ કેળવી લો. સંસારની કોઈ પણ સમસ્યાઓને ઉકેલવા માટે કોઈ એક કે વધુ " માસ્ટર કી" નો ઉપયોગ કરો. માનવતા પ્રગટાવવા અને પ્રસરાવવા માટે જીવનમાં પ્રત્યેક પાળે અને પ્રસંગે " માસ્ટર કી" નો ઉપયોગ કરો.

શ્રી રાજયોગી નરેન્દ્રજી

નિત્યદર્શન

પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજી ના  દરરોજના આશીર્વાદ આપતા હસ્તમુદ્રાવાળા ફોટોગ્રાફ દરરોજ વોટ્સએપ દ્વારા મોકલવામાં આવે છે.

આ નિત્યદર્શન મેળવવા માટે અહીં નોંધણી(રજીસ્ટ્રેશન) કરાવો.