શ્રી રાજયોગી નરેન્દ્રજી

પૂજ્ય રાજયોગી નરેન્દ્રજી

“હું છું ને તું છે, હું દ્રશ્યમાં તું અદ્રશ્યમાં,
હું માં અંશ તારો, પ્રતિબિંબ તારું જ ભાસે.”

આ શબ્દો છે પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજીના. તેઓ અનંત અને વ્યાપ્ત આદિ શક્તિના નિરાકાર પાપણામાંથી જ ઉદ્દભવેલુ સગુણ સાકાર સર્જન છે. આજથી(7.09.2021) બરાબર 90 વર્ષ પૂર્વે આ અનંતનો અંશ અવતાર બ્રહ્માંડમાંથી વસુંધરાને પ્રાપ્ત થયો હતો. 

વિશાળ વસુંધરામાં ભારતદેશમાં ગુજરાતના ખેડા જિલ્લાના બીરપુર નગરમાં રાજવૈધ તરીકે બહુશ્રુત શ્રી બાપુલાલ દવે અને તેમના શિવભક્તિ પારાયણ ધર્મ પત્ની શ્રીમતી પરસનબેન નું દિવ્ય દામ્પત્ય પરમશક્તિ નો દિવ્ય અંશ ને પુત્ર રૂપે પ્રગટ કરવાનું પવિત્ર માધ્યમ હતું.

ઇ.સ. 1932 ના સપ્ટેમ્બર મહીનાની 7મી તારીખે, ભાદ્રપદ શુકલ અષ્ટમી એટલે કે રાધાષ્ટમીની પવિત્ર તિથિએ ગોધરા મુકામે પરસનબેને પોતાની પવિત્ર કુખેથી આ પુત્ર રત્નને પ્રકટ કર્યો ત્યારે પરમશક્તિના એ અંશે સુંદર માનવ દેહ ધારણ કરીને જન્મ લીધો હતો અને નરેન્દ્ર નામ ધારણ કર્યું.

જગતજનનીને પોતાનો એ માનવ રૂપમાં અવતરેલો અંશ એટલો પ્રિય હતો કે ચાર માસ ની શૈશવ અવસ્થામાં એ અંશને સ્વયમ જગતજનની એ વારંવાર પોતાના હ્રદયનું અમૃતપાન એટલે કે સ્તનપાન પણ કરાવ્યું હતું.

પરમેશ્વરીના અંશનું સતત પાંગરતું અને ખીલતું જતું સ્વરૂપ પ્રકૃતિ નિહાળી અને સંકોરી રહી હતી.

જેમ, પર્મેશ્વરીએ (પોતાના અંશના) જન્મ કાજે શિવભકિતપરાયણ પરસેનબેનનું ચયન કર્યું હતું, તેવી જ રીતે મા પરમશકિતએ એના દામ્પત્ય બાબતની વ્યવસ્થા પણ અગાઉથી જ કરી દીધી હતી.

તારીખ 5-5-1950 ને વૈશાખ વદપંચમી એ નરેન્દ્રભાઇ કલ્યાણા ગામના પ્રતિષ્ઠિત ભૂદેવ જેઓ પ્રાથમિક શાળાના શિક્ષક હતા. એવા શ્રી લક્ષ્મીશંકર શુકલ અને જશોદાબેનની સંસ્કારી સુપુત્રી કુસુમગૈારી સાથે લગ્નગ્રંથિથી જોડ઼ાઇ ગયા. 

એમના સંસારરૂપી બાગમાં સમયાંતરે ત્રણ સંતાનોરૂપી સુંદર પુષ્પો ખીલ્યાં અને મ્હોરી ઉઠયાં પુત્ર યોગેશ અને બે પુત્રીઓ મિતા અને પ્રજ્ઞા.

આગળ જતા માંનો આ અંશ નરેન્દ્રભાઇ બાપુલાલ દવેમાંથી શાસ્ત્રીજી અને પછી પરમ પૂજ્ય રાજયોગીજીના ઉચ્ચત્તમ આધ્યાત્મિક પદને પાપ્ત કરી જગતના સદગુરુ સ્વરૂપે પૂજાવા લાગ્યા.

પૂજ્ય શ્રી નું બચપણ અને યુવાની તેમજ અભ્યાસ બાદની નોકરીના શરૂઆતના વર્ષો ગોધરા ગામે સુપેરે વીત્યા. આ સમગ્ર કાળ દરમ્યાન પરમ શક્તિ અજ્ઞાત સ્વરૂપે સતત તેમની સાંબળ લેતી અને એમના જીવનને સંકોરતી હતી.

વિશ્વેશ્વરી વેદજનની મા ગાયત્રી ના સ્વપ્નાવસ્થામાં પ્રાપ્ત આદેશને એક સમર્પિત શિસ્તબધ્ધ સૈનિકની જેમ મસ્તકે ચડાવી ગોધરાથી સહપરિવાર અમદાવાદ આવીને શ્રી નરેન્દ્રભાઇ બાપુલાલ દવેએ અહીં મેટ્રન – ક્વાટર્સમાં સ્થાઈ થયા. પરમેશ્વરી પોતાના બાળઅંશ નરેન્દ્રભાઈ દવે ને સહકુટુંબ રહેઠાણની પણ આ રીતે વ્યવસ્થા પહેલેથી જ કરી દીધી હતી. 

પછી તો શ્રીગણેશ થયા, નિસ્વાર્થ માનવસેવાકાર્યના અને અગોચરમાંથી પ્રાપ્ત થતાં પરમેશ્વરીના દિવ્ય સંકેત – આદેશ તથા માર્ગદર્શક સંદેશાઓના.

અમદાવાદના દૈનિક વર્તમાનપત્ર ‘સંદેશમાં’ – ‘અગોચર મનની અજાયબી’ એવા શીર્ષક હેઠળ અવાર- નવાર પ્રગટ થતાં શ્રી નરેન્દ્રભાઇ દવેના આધ્યાત્મિક અનુભવો ના પ્રસંગો અને ઘટનાઓથી પ્રેરિત ડો. કાંતિભાઈ રામી દ્રારા શ્રી નરેન્દ્રભાઇ દવેને શાસ્ત્રીજી નું સન્માનજનક ઉપનામ આપ્યું. 

તા. 5મી સપ્ટેમ્બર 1976ની રઢિયાળી રાતે પૂજ્ય શાસ્ત્રીજીને થયેલો મા ભગવતીનો પ્રથમ સાક્ષાત્કાર થયો.

પોતાના જ અંશ અને પરમ વાત્સલ્યના અધિકારી એવા પૂજ્ય શાસ્ત્રીજીને બ્રહ્માંડવિહારિણી ભગવતી મા ગાયત્રીએ સાક્ષાત દર્શન આપી વરદાન માંગવા આગ્રહ કર્યો, કાંઇ નહિ તો પોતાના માટે મોક્ષ તો માંગ એવા એવા સૂચનો પર શાસ્ત્રીજી એ કેવળ જન્મોજન્મ જગતજનની ની ભક્તિ સાથે દીન દુખી માનવબંઘુઓની સેવા તેમજ માનવ બંધુઓની સુશ્રુષા ના વરદાન માગ્યા.

પરમ શક્તિ માતજીએ પણ કહ્યું , “તું સર્વે પરીક્ષામાંથી પાસ ઉતર્યો છે અને હવે નોકરીની ચિંતા કરીશ નહિ.”

મા- બાળના એ પ્રથમ પ્રત્યક્ષ મિલન બાદ પૂજ્ય શાસ્ત્રીજી ના સેવાયજ્ઞ ના પ્રારંભિક સોપાનો જેવા કે જીવનજળ – શકિતપ્રદાન સારવાર – વ્યકિતગત મુલાકાત દ્વારા દીન દુ:ખી લોકોની સમસ્યાઓનું નિવારણ વગેરે લોક કલ્યાણના કર્યો શરુ થયા.

આગવી ખુમારીથી સરકારી નોકરીનો ત્યાગ કરી પોતાના પરમ આરાધ્ય મા ગાયત્રીએ પ્રેરેલા દીન – દુખી અને પીડિત માનવબંધુઓની નિસ્વાર્થ સેવાના કાર્યયજ્ઞને પોતાના જીવનકાર્ય તરીકે શિરોધાર્ય કરીને ‘આગે કદમ’ માંડી રહેલા એ અલગારી શકિત ઉપાસક નરેન્દ્રભાઇની માતચરણે પૂર્ણ ન્યોચ્છાવરી હતી.

સાથોસાથ પવિત્ર અને મંત્રમય વાતાવરણમાં અદ્રશ્યરૂપે રહીને પરમેશ્વરી પોતાના બાળ પર વ્હાલપના અમીછાંટણા કરી દિવ્ય અનુભવો કરાવતી રહી, ઘટનાઓ સર્જી જતી અને જગજનનીની સુરભિત – સુગંધિત ઉપસ્થિતિને તે સમયના અલ્પસંખ્યક ભકતોએ પણ અનુભવી.

શારદીય નવરાત્રોત્સવ દરમ્યાન અષ્ટમીની રાત્રિએ અગોચરમાં – આકાશમાં રહીને મા વેદજનની પોતાના બાળ સંગે અહી ગરબે પણ ઘૂમતાં.

પૂજય શાસ્ત્રીજીના જન્મદિન 7મી સપ્ટેમ્બર અને પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના જન્માષ્ટમી મહોત્સવનું એક સંગે આવીને એક સાવ અનોખા અદ્વૈતને સાધવું અને એ રીતે સહુ ભકતોના ભાવ વિભોર હ્રદય-મનને પરમ આનંદના ગોરસ અને રાસની રસલ્હાણમાં તરબોળ કરી જતી.

સમય જતાં સિવિલ કુટીરના પ્રાંગણમાંથી પ્રગટેલી સેવા – ભાગિરથી અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ પુષ્પકુંજ સોસાયટીના બંસીધર બંગલે થઇને પછીથી મા પરમશકિતએ નિશ્ચિત કરેલા સેવાતીર્થ એવા અમદાવાદના ગુલબાઇ ટેકરા પર અડીખમ ઊભેલા નિલોષા સુધી પહોંચી ચૂકી હતી

આ સમગ્ર સેવાયાત્રામાં પૂજય શાસ્ત્રીજીના કાર્યયજ્ઞનું સુવ્યવસ્થિત, સુંદર અને સફળ સંચાલન કરીને શકય એટલી સેવાસુવાસ વધુ પ્રસરે એ બાબતનું બરાબર ધ્યાન સૂત્રધાર પૂ. કૈલાસબ્હેને રાખ્યુ હતું. સિવિલ કુટિરથી નિલોષા સેવાતીર્થ સુધી પહોંચેલી સેવા સરિતાના મુખ્ય સંચાલક અને સંવાહક પૂ.બ્હેનજીની વ્યવસ્થાશકિત – સંચાલનશકિત અને કાર્યકુશળતાને અભિનંદન અને અભિવંદન આપવાં ઘટે.

નીલોષા બંગલો (તીર્થસ્થાન) પર માનવ સેવા યજ્ઞ ના શ્રી ગણેશ ચોથી સપ્ટેમ્બર, 1979 ના રોજ પરમશકિતના લાડલા એક પ્રેમી પરમહંસ પૂજ્ય શ્રી રાજયોગીજીની અગોચર પણ પ્રજ્વલિત મશાલ દ્વારા થઈ હતી. અહીં મા પરમેશ્વરીના અનુગ્રહથી દુ:ખની પાનખરોને સુખની વસંતમાં પલટાવી દેવાનું સામર્થ્ય ધરાવતા એ મહા તપસ્વી પૂજ્ય શ્રી રાજયોગી નો માનવ સેવા યજ્ઞ અવિરત ચાલુ થયો.

પૂજ્ય શ્રી રાજયોગીજીનું નિવાસ સ્થાન, અમદાવાદના સુખી અને સમૃધ્ધ વિસ્તાર વાસણાની યોગેશ્વરનગર સોસાયટીમાં ‘શ્રધ્ધા’ નામક આ બંગલો સહજિક જ શ્રધ્ધા-કુટિર તરીકે સ્થાપિત થયો અને સમય જતાં એક માતૃપીઠ અને રાજપીઠ તરીકે પ.પૂ. રાજયોગીજીના વિશ્વવ્યાપી વિશાળ ભકતસમુદાયની શ્રધ્ધાનું કેન્દ્ર બની રહ્યો.

મા જગતજનનીના અનુગ્રહ – માર્ગદર્શન – કૃપા – સુરક્ષા – પ્રેરણા – આદેશ – સંકેત અને સાનિધ્યના અસીમ બળ અને સામર્થ્યના પ્રભાવે માનવસેવાના અભિયાનને જીવનજળ જેવા માધ્યમથી શરુ કરનાર રાજયોગીજીએ હવે વામનમાંથી વિરાટ થવા સમગ્ર વિશ્વની પડકારજનક આપત્તિઓને પણ દૂર કરવા સમગ્ર વિશ્વ પર મીટ માંડી હતી.

પ્રેતાત્મામુકિત, ભૂકંપશમન, ત્સુનામી (સમુદ્રીભૂકંપ) નિવારણ વિધિ, રાષ્ટ્ર સીમા સુરક્ષા… વાવાઝોડાનું મંત્ર દ્વારા શમન…જેવા કુદરતી ઉપદ્રવો ઉપરાંત આંતકવાદ જેવા માવનસર્જિત ઉપદ્રવો સામે તપ, મંત્રબળ અને આધ્યાત્મિક શસ્ત્રોનો પ્રયોગ અને તે દ્વારા તેને પ્રતિકાર… મંદિર સુરક્ષા અભિયાન.. ન્યુયોર્ક વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા ભયંકર આતંકવાદી હુમલામાં બંને ઇમારતોમાં માર્યા ગયેલા કુલ 6932 આત્માઓની મુકિત અને ગતિ માટે પ્રેતાત્મામુકિત વિધિ… લંડનમાં જયારે પશુઓમાં જીવલેણ રોજચાળો ફૂટ એન્ડ માઉથ ફાટી નીકળ્યો ત્યારે અસંખ્ય પશુઓની કતલ કરવામાં આવી ત્યારે લેઇક ડીસ્ટ્રીકટ, ન્યુ ઓરેગોન વિલેજ ઇગ્લેન્ડ ખાતે તે મુંગા પશુઓના આત્માની શાંતિ અને મુકિત માટે પ્રેતાત્મામુકિતવિધિ… આમ, પૂ.રાજયોગીજીના વિરાટ કદમો વિશ્વસેવાર્થે મંડાઇ ચૂકયા હતા…

આ સિવાય અકસ્માત નિવારણ અને મેલી વિદ્યાથી રક્ષણ મેળવવા ત્રિપદા ગાયત્રીમંત્રના પ્રયોગો, શત્રુઓથી રક્ષણ મેળવવા માટે રક્ષામંત્ર, વરસાદ લાવવા માટેનો વર્ષામંત્ર વગેરે માતાજી દ્વારા દર્શાવાયેલા મંત્રપ્રયોગો પણ શ્રધ્ધા કુટીરના પ્રાંગણથી જ પ્રસિધ્ધ થયા હતા..

ઉપરાંત કેન્સર, હ્રદયરોગ, ડાયાબિટીસ, એઇડઝ, બ્લડપ્રેશર, પથરી અને મસા-પાઇલ્સ જેવા અત્યંત દુખકર શારિરીક રોગોના ઇલાજ માટે વિવિધ દિવ્ય ચૂર્ણ અને ઔષધીઓ.

મા ભગવતીની અનન્ય ઉપાસનાથી અનેક દિવ્ય ઉપલબ્ધિઓ જગતને કરાવનાર પૂજ્ય રાજયોગીના અધ્યાત્મ અને ધર્મના ક્ષેત્રે અત્યંત મહત્વના ક્રાંતિકારી પગલાં તરીકે મૂલવીએ તો તે છે પરમશકિતમંત્રનું દર્શન અને પ્રદાન.

પૂજ્ય શ્રી પાસે આવનારા ભકતોમાંથી કેટલાંક ઓછું ભણેલા કે તદ્દન નિરક્ષર ઉપરાંત વિદેશમાં જઇ વસેલા ને સંસ્કૃત ભાષાથી અપરિચિત એવા ભકતોને શુધ્ધ ઉચ્ચાર સાથે ગાયત્રીમંત્ર બોલવામાં ઘણી મુશ્કેલી પડતી હતી. તેમની આ સમસ્યાના નિવારણ માટે પૂ. રાજયોગીજીએ કરૂણાસાગર મા વેદજનનીના પુનિતચરણે આજીજીપૂર્વકની પ્રાર્થનાઓ કરી ત્યારે માવડીએ સ્વયં માત્ર ત્રણ જ અક્ષર પરમશકિતમંત્ર – ‘ૐ મા ૐ’ નું પૂજ્ય રાજ્યોગીજીને દર્શન કરાવીને પોતાની પ્રસન્ન્તા પૂર્વકની સંમતિની મહોર પણ તેના પર મારી દીધી.

તા 13/7/1992 ના દિવસે ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે સદ્દગુરૂ સ્થાનેથી જયારે પૂજ્ય રાજયોગીજીએ આ મંત્ર ભકતો સમક્ષ પ્રસ્તુત કર્યો ત્યારે ભકતોના સમગ્ર સમુદાયે ખૂબ જ હર્ષોલ્લાસથી આ નૂતન સંક્ષિપ્ત ને સરળ મંત્રને વધાવી લીધો.

પૂ.રાજયોગીજીના એવા જ એક અન્ય આવકારદાયક તથા વર્તમાન વિશ્વ માટે અત્યંત મહત્વના ગણી શકાય એવા નવતર પગલાં તરીકે તા. 5/7/2001 ને ગૂરૂપૂર્ણિમા ના પવિત્ર દિને તેમણે પ્રેરેલા તુલસીપત્રની દાંડી તથા નવસૂત્રોના સિંચનના પ્રયોગ ગણી શકાય. 

ખરેખર, પૂજ્ય રાજયોગીજીએ પ્રદાન કરેલા આ પ્રયોગને યોગ્ય રીતે પ્રયોજવામાં આવે તો એક સુંદર – સંસ્કારી ને સુશીલ માનવસૃષ્ટિનું નવનિર્માણ થઇ શકે એમાં કોઇ સંદેહ નથી.

પરમેશ્વરીએ પોતાના અનેકાનેક જગતહિતનાં કર્યો કરવા સંસારમાં મોકલેલા પોતાના દિવ્ય અંશ પૂ.રાજયોગીજીએ પરમેશ્વરી અને પ્રકૃતિ – કિરતાર અને સંસાર જગદીશ અને જગત સાથે સંતુલન સાધવાની આ કળાને બરાબર આત્મસાત્ કરી છે. 

બાલ્યાવસ્થામાં માતા-પિતાની આજ્ઞામાં જ રહેનારો નરેન્દ્ર યુવાવસ્થામાં પણ લગ્ન જેવા જીવનના અતિમહત્વના નિર્ણયમાં પણ માતા – પિતાની જ પ્રસન્નતા અને આજ્ઞાને જ કેન્દ્રસ્થાને રાખે છે.

એ જ નરેન્દ્ર, પૂજ્ય રાજયોગીજી તરીકે જગતના સદ્દગુરૂપદને પામ્યા પછી તા. 9/12/1998 ના દિને મા પરસનબાની શતાબ્દીનો ઉત્સવ ધામધૂમથી ઉજવી ભકતોના સમુદાય વચ્ચે અતિ વિનમ્ર ભાવે માતૃઋણ અદા કરે છે, તદ્ઉપરાંત પિતાના પવિત્ર સ્મરણાર્થે 1999 ના વર્ષમાં માદરે વતન ગોધરામાં બ્રાહ્મણોની ચોર્યાસી કરીને પિતૃભકિતના દર્શન કરાવ્યા.

શ્રી રાજયોગી નરેન્દ્રજી

નિત્યદર્શન

પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજી ના  દરરોજના આશીર્વાદ આપતા હસ્તમુદ્રાવાળા ફોટોગ્રાફ દરરોજ વોટ્સએપ દ્વારા મોકલવામાં આવે છે.

આ નિત્યદર્શન મેળવવા માટે અહીં નોંધણી(રજીસ્ટ્રેશન) કરાવો.