પ્રેમ ગંગોત્રી

પ્રેમ એ માનવ જીવનનું અમૃત છે. માનવજીવનના બધા જ સદ્ગુણોની ગંગોત્રી છે. પરમાત્મા પ્રેમ સ્વરૂપ છે. જીવાત્માનો મૂળ સ્વભાવ પ્રેમ જ છે. પરંતુ વાતાવરણની વિકૃતિઓ તેના પ્રેમાળ સ્વભાવમાં અવરોધો ઉભા કરે છે. આત્મા એ પરમાત્માનો અંશ છે એટલે પરમની સૃષ્ટિના પ્રત્યેક જીવાત્માને પ્રેમ કરવાનો છે.

પરમનું પવિત્ર ઝરણું

મુજ હૈયામાં વહ્યા કરે

શુભ થાઓ આ સકળ વિશ્વનું

એવી ભાવના નિત્ય રહો.

પ્રેમ પ્રગટ કરવાનો સરળ માર્ગ છે – ” આપવું.” તન, મન, ધન, હૂંફ, વાત્સલ્યથી અનાસક્ત ભાવે અન્યના જીવનમાં શાંતિ પ્રદાન કરે છે. પ્રેમ એ દાનની નિક (નહેર) છે.

આત્માની અનંત શક્તિને ઉજાગર કરવા માટે, વિકસાવવા માટે પ્રેમની અમી ધારાનું સિંચન કરતા રહેવું પડે. વિશ્વ બંધુત્વની ભાવના કેળવવી, પ્રેમનું આદાન પ્રદાન કરતા રહીએ અને દરેકના જીવનમાં સ્વર્ગીય વાતાવરણનું નિર્માણ કરી શકીએ. જીવનમાં આધ્યાત્મિક વિકાસ કરવા માટે પરમાત્મામય બનવા માટે સકારાત્મકતા, શિસ્ત, સંયમ, સદ્ભાવ, દયા, દાનથી પ્રેમ ગંગોત્રીના વહેણને અવિરત વહેતુ રાખીએ.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી