માનવતાને મહેકાવીએ

કવિ  નરસિંહ મહેતાનું ભજન 

વૈષ્ણવ જન તો તેને કહીએ
જે પીડ પરાઈ જાણે રે,
પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે…..

માનવમાં માનવતા પ્રસરાવવાનું આ ઉતકૃષ્ટ ઉદાહરણ છે. માનવ યોનિમાં અને પશુ કે ઈતર યોનિમાં પરમાત્માએ થોડો ભેદ રાખ્યો છે. માનવ યોનિમાં મનની શક્તિ, મનના સદ્ગુણો , મનનો વિવેક તેને ઈતર યોનિઓથી શ્રેષ્ઠ પુરવાર કરે છે.

આહાર, નિંદ્રા, ભય, મૈથુન આ બધી જ યોનિઓમાં સહજ વૃત્તિ હોય છે. પરંતુ મનુષ્યમાં વિવેક, સંયમ, સદ્ભાવ,દયા,ક્ષમા,ધીરજ, સહનશીલતા જેવા સદ્ગુણોનું પ્રેરક બળ હોય છે. જેને કારણે માનવમાં માનવતાનો આવિર્ભાવ થતો રહે છે. માનવતાનો ગુણ વિકસતો રહે છે.

શ્રી વિવેકાનંદના મંતવ્ય મુજબ,

” માનવ બનો, માનવ બનાવો,
નીતિમાન બનો, શૂરવીર બનો,
ઉદાર બનો, પરિશ્રમી બનો, પવિત્ર બનો,
સહૃદયી  બનો, દ્રઢ નિશ્ચયી બનો,
માનવતાનો સંદેશ પ્રસરાવો,

સદ્ગુણો માનવતાનું ઐશ્વર્ય છે, માનવમનની સુવાસ છે. જે માનવતાની મહેકને પ્રસરાવે છે.

 1. માનવતા સભર વ્યક્તિ તન, મન, ધન અને સહૃદયતાથી અન્ય વ્યક્તિના સુખ, દુઃખ માં પોતાનું નિઃસ્વાર્થભાવે યોગદાન આપે છે.

2. જેઓ ફક્ત સ્વાર્થભાવથી પોતાના માટે જ પુરુષાર્થ કરે છે, જીવે છે તે વ્યક્તિમાં પશુતાનો ગુણ હોય છે.

3. જેઓ બીજાને ત્રાસ આપવાનો, બીજાનું ઝૂંટવીને પોતે મસ્તીથી આનંદમાં રહે છે તે દાનવ છે. દાનવતાનો ગુણ ધરાવે છે.

પરોપકારને પોતાનો જીવન મંત્ર બનાવનાર વ્યક્તિ જ માનવતાનો પ્રખર ઉપાસક ગણાય. માનવતાને આત્મસાત કરનાર વ્યક્તિનું વ્યક્તિત્વ હંમેશા નિર્મળ, નિરહંકારી, સરળ અને પવિત્ર હોય. વિનમ્રતા, નૈતિકતા અને સમદર્શિતા હોય. માનવ ધર્મના સિદ્ધાંતોનું પાલન કરવા કૃતનિશ્ચયી હોય છે. માનવતાના આદર્શોને જેઓ જીવનમાં અપનાવે છે તેઓ પરમાત્માના પ્યારા બાળકો – પયગંબરો બની જાય છે. માનવ જાતિના ઉધ્ધારક બની જાય છે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી