વ્હાલા આત્મીયજનો,
આજે સાતમી સપ્ટેમ્બર, માનવતા દિન. માતાજીના બાળ મયુરરાજ-રાજયોગીજીનું ધરા પર અવતરણ થયે આજે જીવનના એકાણું વર્ષ પૂર્ણ થયા, બાણુંમા વર્ષનો શુભારંભ થયો.
૧૯૩૨ સપ્ટેમ્બર થી ૧૯૭૬ સપ્ટેમ્બર સુધીમા મા ગાયત્રીની આધ્યાત્મિક પાઠશાળામા માતાજીએ મને ભણાવ્યો. દિવ્ય ચૈતન્ય શક્તિનું સિંચન કરી તન, મન અને આત્મિક શક્તિથી આ રાજબાળને સજાવ્યો, દિવ્ય શક્તિઓનું સિંચન કર્યું, અન્ય સહચૈતન્ય શક્તિઓ સાથે પરામર્શ કરી વિશિષ્ટ શક્તિ પ્રદાન કરાવ્યું.
કર્મના સિદ્ધાંત અનુસાર જિંદગીના ચૂંમાલીસ વર્ષ સંસાર યાત્રામાં સફળતાની શિક્ષા મેળવી. છ સપ્ટેમ્બર ૧૯૭૬ ની મધ્યરાત્રિએ પ્રગટ થઇ, આશીર્વાદ આપી, માનવ સેવાના કાર્યમા પ્રવૃત્ત થવાનો આદેશ આપ્યો.
આધ્યાત્મિકતાનું બીજારોપણ તો મારા જીન્સમાં માતા-પિતાના સુસંસ્કારથી થયેલું જ હતું. ગાયત્રી મંત્રની ઉપાસનાથી તેને પોષણ મળતું રહ્યું. આજે માતાજીના દિવ્ય ચૈતન્ય શક્તિના સહવાસથી એક આધ્યાત્મિક વટવૃક્ષ બની રહ્યું છે અને જગતના જીવોનું વાત્સલ્યધામ બની રહ્યું છે.
વ્હાલા આત્મીયજનો, મારી અંતરની ઈચ્છા છે કે આપ સર્વે પરમાત્માની દિવ્ય ચૈતન્ય શક્તિ સાથે જોડાઈ જાઓ, અનુભવ કરો અને જીવનમાં ધન્યતા અનુભવો.
આપની તૈયારી હશે તો આપને પ્રેરણા મળતી રહેશે. શારીરિક, માનસિક અને આત્મિક ક્ષમતા અને શકિત તો તમારે કેળવવી જ પડશે.
શિસ્ત, સંયમ અને સહનશીલતા સાથે આત્મિક શક્તિના દ્વાર ખુલ્લા રાખી આધ્યાત્મિક શિખરનું આરોહણ શરૂ કરીએ.
૧. પરમાત્મા સર્વવ્યાપી અને સર્વ સત્તાધીશ છે. આપણા જીવનનું સર્જન, સંવર્ધન અને નિયંત્રણ પરમની દિવ્ય ચૈતન્ય શક્તિ દ્વારા જ થઇ રહ્યું છે. પરમની રાજી અને મરજીમાં જ મારુ હિત સમાયેલું છે તેવો દ્રઢ વિશ્વાસ.
૨. પરમાત્મા સાથે આપણે ઐક્યતા અનુભવીશું, ત્યારે પરમની દિવ્યતા આપણામાં અનુભવાશે.
૩. પરમાત્માના દિવ્ય ચૈતન્ય સાગરમાં આપણે ભીંજાતા જઈશું ત્યારે જ દિવ્ય સાગરના ગુણ રત્નો આપણે મેળવી રહીશું.
૪. પરમાત્મા સાથેની સભાન એકતાનો અનુભવ-અહેસાસ આપણા અંતરઆત્માને પરમની દિવ્ય પ્રેરણા અને પ્રકાશના પરિઘમાં લાવી દે છે. અંતરાયો દૂર થઇ જાય છે.
આપણે જ્યારે આવા આધ્યાત્મિક અનુભૂતિના ઉચ્ચ શિખરો પર પહોંચીએ ત્યારે આપણામાં એક તટસ્થ વૃત્તિ આવી જાય છે. પ્રેમ, દયા, કરુણા અને સકારાત્મતાથી વ્યક્તિત્વ ખીલી ઉઠે છે.
મારા આપ સર્વેને આશીર્વાદ છે.