વ્હાલા શિવ બાળકો,
આજે શિવરાત્રીના પાવન પ્રસંગે આપ સર્વેનું જીવન શિવમય બની રહે તેવા આશીર્વાદ. શિવ પરમાત્માના સત્યમ્, શિવમ્, સુંદરમ્ સ્વરૂપને આપણે આપણી જીવનયાત્રા દરમિયાન આત્મસાત્ કરવાનું છે.
આપણે શિવમય બનવું હોય, પરમના પ્યારા બનવું હોય તો આપણા જીવનમાં શિવરાત્રી પર્વ પ્રતિપળે ઉજવાવવું જોઈએ. આપણા વાણી, વર્તન, વ્યવહારમાં સાત્વિકતાનો, સકારાત્મકતાનો, કલ્યાણની ભાવનાનો આવિર્ભાવ થતો રહેવો જોઈએ.
વિવિધ ઉપકરણોથી થતી શિવલિંગની પૂજા અર્ચના નામસ્મરણ આપણી શ્રધ્ધાને બળવત્તર બનાવે છે આપણી ચેતનાને પ્રજજવલિત કરે છે. શિવત્વની આપણી શ્રધ્ધાને, ચેતનાને જવલંત રાખવા માટે સત્યમ્ શિવમ સુંદરમ્ ના ત્રિવેણી સંગમમાં સદાય ડૂબકી મારતા રહેવું પડે.
આપણા દૈનિક જીવન વ્યવહાર દ્વારા બધા જ પ્રત્યે સમતાભાવ, સદ્ભાવ રાખીએ સાત્વિક ગુણો આપણું શિવકવચ બની રહેવું જોઈએ.
જ્ઞાનની ગંગાને વિવેકના વહેણથી જ વહાવવી. જેથી જ્ઞાનની ગરિમા સચવાઈ રહે. સંયમ, સહનશીલતા અને ક્ષમાના ગુણોથી જીવનની વિષમતાને હળવી કરી શકાય.
આપણું આંતરિક સૌંદર્ય સદાય સદ્ગુણોથી સુશોભિત બની રહેવું જોઈએ.
આપણા ધાર્મિક ઉત્સવોની ઉજવણી વ્રત, જપ, પૂજા, અર્ચનાથી જ સીમિત ન બની રહે પરંતુ પરમાત્માના દિવ્યગુણોને દિવ્ય સંકેતોને સમજીએ અને આત્મસાત કરીએ. તો જ ઉત્સવની ઉજવણીની સાર્થકતા માણી શકાય.
૧૯૭૨ના શિવરાત્રીના દિવસે મોતીની માળા આરોપણ કરાવીને મા ભગવતીએ મને સેવાના સીમાડા વિસ્તારવાનો સંકેત કર્યો.
ત્રિદલ બિલ્વપત્ર સમ ત્રિવિધ તાપ- આધિ, વ્યાધિ, ઉપાધિના શમન માટે માતાજીની પ્રેરણાથી હું સેવાની સરિતાને વહાવતો રહું છું. ત્રિવિધ તાપને બુઝાવવા, હળવા કરવા પ્રત્યન કરું છું.
આપ સર્વે પણ આપની સૂઝ, સમજ, ક્ષમતા અનુસાર અન્યના ત્રિવિધ તાપને હળવા કરવાનો પ્રયત્ન કરતા રહેજો.
આજના શુભ પ્રસંગે જીવનને આધ્યાત્મિક વહેણમાં વહાવી શિવમિલન કરવા માટે જીવન વ્યવહારમાં અઢાર તત્વોને અપનાવી જીવનને ધન્ય બનાવશો તેવા આર્શીવાદ સહ ૐ મા ૐ.
આ રહ્યા અઢાર તત્વો
મન, વચન, કર્મની પવિત્રતા ૩ તત્વો.
નવ સિધ્ધાંતો ૯ તત્વો.
પ્રેમમાર્ગ, જ્ઞાનમાર્ગ, સહનમાર્ગ, ક્ષમામાર્ગ ૪ તત્વો.
ઉપાસના અને સત્સંગ ર તત્વો.
૧૮ તત્વો.