શિવપરમાત્માના વ્હાલા બાળકો,
આજે શિવરાત્રી છે, અંધકારને પ્રકાશિત કરનારી કલ્યાણ રાત્રિ પર્વ છે. માનવ જીવનમાં વ્યાપેલા અજ્ઞાન, અંધશ્રધ્ધા અને અવગુણો જેવા અંધકારને શિવતત્વના પરમ પ્રકાશમાં પરિવર્તિત કરવાનો પાવન પર્વ છે.
શિવજી “ૐ કાર” સ્વરૂપ છે. સકળ સૃષ્ટિનો ધ્વનિ ૐકારના વિવિધ શબ્દોમાં ગુંજતો રહે છે. જડચેતન સૃષ્ટિના બધાજ શબ્દો, વાણી અને ધ્વનિ ૐ નું પ્રતિક છે. ૐકાર સ્વરૂપ શિવપરમાત્મા બ્રહ્માંડના માતાપિતા છે.
આજે શિવાલયમાં શિવલિંગની પૂજા અર્ચના થશે. “ૐ નમઃ શિવાય” ના નાદથી શિવાલય ગુંજી ઉઠશે. દુર્વા, દૂધ, પાણી, ચંદન અને બિલ્વપત્રથી શિવલિંગ વિભૂષિત થઈ જશે.
આપણું શરીર એક પીંડ છે. “યથા પીંડે તથા બ્રહ્માડે” અનુસાર જે પંચમહાભૂત તત્વો પૃથ્વિ, જળ, તેજ, વાયુ અને આકાશ બ્રહ્માંડમાં છે તે જ પીંડમાં પણ છે. એટલે આ શરીરના માતાપિતા પણ શિવપરમાત્મા સ્વયમ્ છે.
આપણા શરીરરૂપી શિવાલયમાં શિવતત્વ પ્રકાશરૂપે, આત્મારૂપે વિલસી રહ્યું છે. સત્વગુણોથી સભર થઈને આપણે દરરોજ શિવરાત્રી ઉજવીએ તો કેવું ? આજનું શિવરાત્રી પર્વ તો આપણી શિથિલ થઈ ગયેલી ચેતનાને, ઉત્સાહને પુષ્ટ કરનારું પર્વ છે. આપણે તો શિવ-જીવનું મિલન થતું અનુભવવું છે. માયાથી લિપ્ત થયેલ જીવને શિવમય બનાવવાનું છે.
આપણા શરીરમાં દૂંટી-નાભિથી નીચેનો ભાગ બ્રહ્માસ્વરૂપ છે. જે ઉત્પત્તિ અને રચના કરનાર છે. નાભિથી છાતી સુધીનો ભાગ વિષ્ણુસ્વરૂપ છે. જે શરીરનું પોષણ કરતા છે. છાતીથી મસ્તક સુધીનો ભાગ શિવસ્વરૂપ છે. જે જ્ઞાનનો દ્યોતક છે.
માનવજીવન સત્વ, રજસ અને તમસ્ ગુણોથી ઘેરાયેલું છે.
સત્વગુણનું પ્રાધાન્ય આધ્યાત્મિક અને ધર્મમય જીવનમાં પ્રવૃત રહે છે. રસ ધરાવે છે.
રજોગુણનું પ્રાધાન્ય સ્વકેન્દ્રિત, ભૌતિક પદાર્થોમાં અને માયાવી રસમાં પ્રવૃત્ત રહે છે.
તમોગુણનું પ્રાધાન્ય નિષેધાત્મક, ખંડનાત્મક, આસુરી અને તમસ પ્રવૃતિથી લિપ્ત રહેવામાં આનંદ અનુભવે છે.
આપણા જીવનને શિવમય બનાવવા માટે સત્વગુણને વધારીએ, સત્સંગ, સ્વાધ્યાય, સદ્ ગુણ , સદાચાર અને સેવાના આભૂષણોથી આપણા જીવનને સજાવીએ. નિયમિત ઉપાસના, પ્રાર્થના, ધ્યાન અને મંત્રજાપથી આંતરબાહ્ય વાતાવરણને પવિત્ર બનાવીએ. ત્યાગની ભાવના કેળવી માયાના આવરણથી મુક્ત રહીએ.
“ૐ કાર” શિવશક્તિનું પ્રતિક છે, આપણા શરીરમાં બે ભ્રમરની વચમાં જ્ઞાનચક્ર આવેલું છે, આ જ્ઞાનચક્ર શિવશક્તિનું કેન્દ્ર છે. આ દિવ્ય કેન્દ્ર સાથે આપણે હંમેશા જોડાયેલા રહેવાનું છે.
શિવશક્તિ સ્વરૂપ દિવ્ય માતાપિતાનું સાનિધ્ય અહર્નિશ અનુભવીએ અને આશીર્વાદના અધિકારી બનીએ.