શિવ પરમાત્માના વ્હાલા બાળકો,
આજે શિવરાત્રી છે. જીવનમાં પ્રેમની, જ્ઞાનની, સમજણની જ્યોતને પ્રગટાવવાનો પાવન દિવસ છે. માનવજીવનમાં અને સમાજમાં વ્યાપી રહેલા અંધશ્રધ્ધા, અજ્ઞાનતા, અશ્રધ્ધા અને અશુભ તત્વોને વિદારવાનો સંકલ્પ કરવાનો પ્રેરણા દિવસ છે.
આજે શરીર રૂપી શિવાલયને “ૐ નમ: શિવાય” ના મંત્રજાપથી આંદોલિત કરી દઈએ. અંતર્મુખ થઈ જ્યોતિ સ્વરૂપ શિવ પરમાત્માના દર્શન કરીએ, શિવત્વને જગાવીએ, સજાવીએ અને જીવનને ધન્ય બનાવીએ.
શિવ પરમાત્માના પ્રીતિપાત્ર બનવા માટે આપણે શું કરવું જોઈએ ?
આપણી કોઈપણ પૂજા પરમાત્મા પ્રત્યે પ્રેમ અર્પણ કરવાની ભાવના છે. સરિતાના અવિરત વહેતા પ્રવાહની જેમ આપણા હૃદયમાંથી ભાવ સરિતાને શિવ પરમાત્મા તરફ અવિરત અને અસ્ખલિત વહેતી રાખવી જોઈએ. નામ સ્મરણ, મંત્રજાપ, પ્રાર્થના, ધ્યાનના કોઈપણ માધ્યમથી પ્રેમ સરિતાના ભાવ પ્રવાહને અવિરત વહેતો રાખી શકાય.
પ્રેમ સરિતાના પ્રવાહને જીવનમાં સદાય નિર્મળ અને અસ્ખલિત વહેતો રાખવા માટે :-
(૧) આપણા મન અને બુધ્ધિને સત્સંગ અને સાત્વિકતાના રંગથી રંગવી જોઈએ.
(૨) કુસંગ, કુવિચાર, અશુભ અસાત્વિક આચાર-વિચાર, આહાર-વિહારને ઓળખી લેવા જોઈએ, છોડી દેવા જોઈએ અને સદાય સજાગ રહી સતર્કતા દાખવવી જોઈએ.
(૩) પરમની સૃષ્ટિના પ્રત્યેક જડ ચેતન સર્જન પ્રત્યે સદભાવ, સહયોગ અને સમતા ભાવ રાખવો જોઈએ. પરમાત્માની દિવ્ય ચેતના સર્વમાં વિલસી રહી છે. તેવો ભાવ કેળવી સર્વ જીવો પ્રત્યે આત્મીયભાવ કેળવવો જોઈએ.
(૪) નિ:સ્વાર્થભાવે, સહૃદયતાથી સુપથ પર ચાલનાર વ્યક્તિના જીવનના સહયોગી, બનવા પ્રયત્ન કરવો જોઈએ.
(૫) માર્ગ ભૂલેલા, દિશાશૂન્ય વ્યક્તિના જીવનના પથપ્રદર્શક બનવા પ્રયત્ન કરવો જોઈએ.
(૬) જીવનમાં હંમેશા શિવ-કલ્યાણને જ અનુસરો અને આચરો.
(૭) દયાનો સ્ત્રોત જીવનમાં અવિરતપણે વહેતો રાખો.
(૮) ક્ષમાશીલ બની રહો, સંતોષી બની રહો.
(૯) ફૂલ જેવા કોમળ, પ્રેમાળ અને સુવાસિત બનો.
(૧૦) એષણાઓ, અહમ્ ને નિયંત્રણમાં રાખો.
(૧૧) બધી જ પરિસ્થિતિમાં અનુકૂળ થઈ જાઓ.
આવા સદગુણો આત્મસાત્ કરનાર વ્યક્તિ પરમાત્માની વધુ નજીક રહી શકે છે. પરમાત્માના પ્રેમના, કૃપાશિષના અધિકારી બની શકે છે. આપ સર્વે આપનાં જીવનમાં શિવત્વને જાગૃત રાખો અને શિવ પરમાત્માનાં પ્રીતિપાત્ર બની રહો તેવી શુભેચ્છાસહ્ આશીર્વાદ.