વ્હાલા આત્મીયજનો,
આજે રામનવમી છે. રામજીના જીવનનું અને કાર્યનું ચિંતન કરી આપણી વ્યક્તિગત ક્ષમતા અનુસાર તેને અપનાવવાનો, આત્મસાત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. રામરસનો પ્યાલો દરરોજ પીવો જોઈએ.
રામજીના જીવનનો એક પ્રસંગ છે. રામજીના બાણથી ધવાઈને રાવણ હણાયો અને રણમેદાનમાં જીવનના છેલ્લા શ્વાસ ઘૂંટવા લાગ્યો ત્યારે રામજીની આંખમાં આંસુ આવી ગયા. રામજીની અશ્રુભીની આંખડી જોતાં લક્ષ્મણજી ગદગદિત થઈ ગયા અને પૂછ્યું કે, “ભૈયા, શત્રુ હણાયાનો આનંદ થવાને બદલે આંખડી કેમ ભીંજાય છે?”
રામજી કહે, ભાઈ દુઃખ એટલા માટે છે કે દુનિયાનો એક વેદવિશારદ, સંગીત વિશારદ, યુદ્ધ વિશારદ, શક્તિશાળી યોધ્ધો આજે દુનિયામાંથી ઓછો થાય છે, એનું મને દુઃખ છે. એની પાસે ઘણા નીતિ સૂત્રો છે, પરંતુ તેના મૃત્યુ પછી આ બધું કાયમ માટે અંધારામાં રહી જશે, માટે એની પાસે જઈને તું નીતિ સૂત્રો સમજી આવ. લક્ષ્મણ રાવણ પાસે આવીને કહે છે કે, “લંકાપતિ, મારા મોટાભાઈ શ્રી રામજી આપની વિદાય વેળાઈ વ્યથિત થયા છે. તેઓશ્રી ઈચ્છે છે કે આપની પાસે જે જે અગત્યના નીતિસૂત્રો છે તે અંધકારમાં જ રહી ન જાય માટે આપ તેની સમજ મને આપો જેથી લોકકલ્યાણ અર્થે તેનો ઉપયોગ કરી શકાય.”
ભગવાન રામજીની કરુણા જોઈ રાવણની આંખ અશ્રુભીની થઈ ગઈ અને બોલ્યા કે, “લક્ષ્મણ, મેં સમજી વિચારીને જ આ યુદ્ધ નોતર્યું છે. ભગવાન રામજીના હાથે જ મારે મરવું હતું. અનંતકોટી બ્રહ્માંડનો નાથ કયા નીતિસૂત્રોથી અજાણ છે! મને લાગે છે કે, મેં જીવનમાં, જીવન જીવવામાં મોટી ભૂલ કરી છે.
વાણીનો ખોટો વ્યય- બડબડાટ કરવામાં મેં જીવન વેડફી નાખ્યું છે. સત્તા, સમૃદ્ધિ અને બાહુબળના નશામાં મેં મારુ જીવન સમાપ્ત કરી નાખ્યું છે. મારી પાસે સુંદર વિચારો હતા. સરસ આયોજન હતું. ભરપૂર શક્તિ હતી. આ બધું હોવા છતાં હું તેને આચરણમાં મૂકી શક્યો નહીં. કાર્યાન્વિત કરી શક્યો નહીં, જીવનના અંતિમ શ્વાસે હું પસ્તાઈ રહ્યો છું.”
રાવણની જેમ જીવનની સંધ્યાએ પસ્તાવાનો વારો ન આવે એટલા માટે મનમાં જે શુભ વિચાર આવે તેનો તરત જ વિવેકના ગરણે ગાળીને આચરણમાં મૂકી દો. વિચાર તો વાયુ જેવો છે વહેવા લાગી જશે. શુભ વિચારને સંકલ્પશક્તિનું બળ પૂરું પાડો, આચરણમાં મુકો અને શુભ પરિણામનો આસ્વાદ માણો.
વિચાર એ કાર્યનું બીજ છે. વિચારરૂપી બીજ પવિત્ર છે, કીમતી છે, પરંતુ તેને અંકુરિત થવા માટે યોગ્ય આચરણ જરૂરી છે. વિચાર જ્યારે કાર્યાન્વિત થતો નથી ત્યારે તે વિચાર તરંગ બની જાય છે. આવા વિચારોના તરંગોમાં રાચનાર વ્યક્તિ માનસિક સ્વસ્થતા ગુમાવે છે.
વિચારમાંથી નિશ્ચય થાય, સંકલ્પ થાય અને પછી જ અમલમાં મુકાય ત્યારે જ વિચાર કાર્યાન્વિત થાય, પ્રગતિ કરી શકે.
જીવનમાં આગળ વધવું હોય તો, જાગો, ઉઠો, મહેનત કરો અને ધ્યેય સિદ્ધ થાય ત્યાં સુધી સતત કાર્ય કરો.
સંતો, મહામાનવો અને સામાન્ય માનવ વચ્ચે જો કોઈ ફરક હોય તો એટલો જ છે કે સંતો, મહામાનવો જેવું વિચારે છે, તેવું જ બોલે છે અને તેવું જ આચરે છે. જ્યારે સામાન્ય માણસ વિચારે છે કંઈક, બોલે છે વધુ અને આચરણમાં શૂન્ય કે નહિવત હોય છે. વાણી અને વર્તનની અસમાનતા સજ્જનને શોભા આપતી નથી.
મન, વાણી અને કર્મમાં-વર્તનમાં એકસૂત્રતા જાળવી શકાય એ જ વ્યક્તિ મહાત્મા બની શકે. આપણે આપણામાં રહેલા રાવણ તત્વને વિદારીને રામતત્વનો વિકાસ કરવાનો, આત્મસાત કરવાનો, પ્રયાસ કરીએ.