વ્હાલા આત્મીયજનો,
આજે રામનવમી છે, રામજીનાં મંદિરમાં “રામ લક્ષ્મણ જાનકી, જય બોલો હનુમાન કી” ના ભાવસભર નાદથી ભાવિકો શ્રી રામજીના દર્શન કરવા ઉમટશે. શ્રી રામજીની મૂર્તિની સાથે સાથે મા જાનકીજી, શ્રી લક્ષ્મણજી અને શ્રી હનુમાનજી સેવક સ્વરૂપે ચરણમાં બેઠેલા છે. શ્રી રામજી સ્વયમ્ પરબ્રહ્મ પરમાત્માનું સાકાર સ્વરૂપ છે. શ્રી જાનકીજી શક્તિ સ્વરૂપા સતી છે, શ્રી લક્ષ્મણજી પરબ્રહ્મ પરમાત્મા શ્રી રામજીનું અભિન્ન અંગ છે. શ્રી હનુમાનજી અનન્ય શરણાગતિ સ્વીકારેલ ઉત્કૃષ્ટ સેવક છે.
પરમાત્માના પ્રીતિપાત્ર બનવા માટે પરમનું સતત સાનિધ્ય સેવવા માટે પરમાત્માને આપણા રોમેરોમમાં વહાવવા જોઈએ. પરમના અભિન્ન અંગ અને અનન્ય સેવક બનવું પડે. શ્રી રામજીનું સાકાર સ્વરૂપ મર્યાદા પુરુષોત્તમ તરીકે નૈતિક મૂલ્યોનું પ્રતિવાદન કરતું માનવમનમાં અંકિત થઈ ગયું છે. શ્રી રામજીએ એક આદર્શ પુત્ર, પતિ, પિતા, ભાઈ, શિષ્ય અને રાજાના રૂપમાં, વ્યક્તિ, કુટુંબ, સમાજ અને રાષ્ટ્રને એક મહાન આદર્શ પૂરો પાડ્યો છે. યુગો વીત્યા છતાં આજે પણ શ્રી રામજી લોકહૃદયમાં વિલસી રહ્યાં છે. રામનામનો મહિમા લોકહૃદયને શાતા અર્પી રહ્યો છે.
રામ શબ્દમાં ર + આ + મ અક્ષર છે.
‘ર’ બ્રહ્મા સ્વરૂપ, ‘આ’ વિષ્ણુ સ્વરૂપ અને ‘મ’ શિવસ્વરૂપ છે; એટલે રામ નામ ‘ૐ’ કાર સ્વરૂપ છે, જે સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનાર છે.
રામજીના ચરણ સ્પર્શ માત્રથી જડમાં ચેતન પ્રગટે છે, સતી અહલ્યાજી શાપમુક્ત થઈ ગયા. રામનામના સ્પર્શ માત્રથી જડ પથ્થરોએ પોતાનું જડત્વ ત્યજી દીધું, હળવા બની પાણીમાં તરવા લાગ્યા, રામનામ જાપથી વાલિયો લૂંટારો વાલ્મિકી ઋષિમાં પરિવર્તિત થઈ ગયા. રામજીના સાનિધ્ય, સત્સંગ અને રામનામ સ્મરણથી વાનરોમાં શક્તિનો સ્ત્રોત વહેવા લાગ્યો હતો.
આપણે રામાયણને કથારૂપે સાંભળીએ, કંઠસ્થ કરીએ, પરંતુ જ્યાં સુધી રામરસને આપણા ભાવરસમાં મિલાવીને આપણા સમસ્ત અસ્તિત્વને રામમય ન બનાવીએ ત્યાં સુધી રામ સ્વરૂપને કે રામનામના હાર્દને પામી શકીએ નહીં.
મંથરા જેવી હલકી છળકપટ વૃત્તિ, કૈકેયી જેવો રાગદ્વેષયુક્ત સ્વભાવ, ધોબી જેવી નિંદાવૃત્તિ, રાવણ જેવો અહંકાર, વાલી જેવી કામવાસનાને વિદારવા માટે રામનામ સ્મરણ જ એક માત્ર શસ્ત્ર છે, રામરસ જ એક માત્ર ઔષધ છે.
ભરત, હનુમાન, કેવટ, શબરી, વિભીષણ, ઉર્મિલા જેવાં અનન્ય સેવા, ત્યાગ અને સમર્પણભાવથી આપણા વ્યક્તિત્વને ઉજળીએ અને રામમય બની જઈએ. તો જ રામજીની કૃપાના આશિષના અધિકારી બની શકીએ.
શ્રી રામજીએ ઋષિમુનિઓના યજ્ઞકાર્યમાં અવરોધ કરતાં અને રંજાડતા અસુરોનો નાશ કરી ૠષિમુનિઓને ભયમુક્ત કર્યા હતા.
અર્વાચીન યુગમાં આસુરી તત્વોનો ઉપદ્રવ અને પ્રેતાત્માઓના રંજાડથી, ભયથી કેટલાય નિર્દોષ માણસો, રાહદારીઓ, વાહનચાલકો હેરાન-પરેશાન થાય છે. અકસ્માતનો ભોગ બને છે. વૈશ્વિક સેવાકાર્યના એક ભાગરૂપે મા ગાયત્રીના આદેશ, માર્ગદર્શન અને કૃપાથી શ્રી રાજયોગી નરેન્દ્રજી આસુરી તત્વોનો નાશ કરીને, પ્રેતાત્માઓને શાંતિ મુક્તિ આપીને રાહદારીઓને અને અકસ્માતયુક્ત માર્ગોને ભયમુક્ત કરી રહ્યાં છે.
પરમાત્મા તેના નિર્દોષ બાળકો, સજ્જનો અને સાત્વિક આત્માઓના રક્ષણ માટે યુગે યુગે કોઈપણ સ્વરૂપે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહાય કરતાં જ રહે છે, કરાવતાં જ રહે છે.