વ્હાલા વ્રજવાસીઓ,
વ્રજભૂમિ સમ શ્રદ્ધામાં આપનું સ્વાગત છે. આજે મારા પ્રિય સખા શ્રીકૃષ્ણનો જન્મદિવસ છે. આજે પણ લોકહૃદયમાં અદકેરું સ્થાન પ્રાપ્ત કરનાર આ યુગપુરૂષે જીવનમાં અસહ્ય દુ:ખ, અપમાન અને આક્ષેપો સહન કર્યા છે, અને છતાંય કોઈનું અહિત કર્યું નથી, વિરોધીઓને પ્રેમ હૂંફ અને મુક્તિ જ બક્ષ્યા છે.
જેલમાં જન્મ થયો, જન્મદાતા માતા પિતાને છોડીને પાલક માતાપિતાને ઘરે ગોકુળમાં ઉછેર થયો. અસુરોનો ત્રાસ, રાજસત્તાનો અન્યાય, દેવોનું અભિમાન, ચોરીનો આરોપ, શિશુપાલની ગાળોનો વરસાદ વગેરે.. પરિસ્થિતિનો સ્વબળે, સ્વપ્રયત્ને બચાવ કરી, અન્યાય સામે લડીને, સહન કરીને જીવનને સુરીલું રાખ્યું, ધબકતું રાખ્યું. સ્થિતપ્રજ્ઞ રહીને, સર્વના હિતચિંતક બનીને, પ્રેમનું સામ્રાજ્ય સ્થાપનાર શ્રીકૃષ્ણને કોટિ કોટિ વંદન.. દર વર્ષે ઉજવતા જન્મોત્સવ જન્માષ્ટમી મહોત્સવ વેળાએ શ્રીકૃષ્ણના જીવનમાંથી કંઈક શીખવાનો, અપનાવવાનો પ્રયત્ન કરતા રહીએ, તો આપણું જીવન પણ કૃષ્ણમય અને કૃષ્ણમય બની જાય. આ વર્ષે આપણે કૃષ્ણના જીવનમાંથી સહનશીલતાનો ગુણ અપનાવીએ…
સહનશીલતાને આધ્યાત્મિક પંથનું પ્રથમ સોપાન ગણવામાં આવે છે. અવતારી પુરૂષો, સંતો, મહામાનવોએ તેમના જીવનકાળ દરમિયાન ઘણું સહન કર્યું છે. સહન કર્યા વગર, તપ્યા વગર, વ્યક્તિ ઉન્નતિના શિખરો સર કરી શકતી જ નથી. મહાન બનવાની અને સહન કરી લોકહૃદયને શાતા આપવાની ગુરૂચાવી પાણીયારા પર શોભતું માટીનું માટલું આપી જાય છે. માટીમાંથી અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થઈ, નિભાડામાં તપીને, શરીર પર ટકોરા વાગ્યા પછી જ તેનું મૂલ્ય અંકાય છે. અપનાવાય છે. માનવ હૃદયમાં સ્થાન અંકિત કરવું હોય તો, મહામાનવ બનવું હોય તો જીવનના ધ્યેયને સિધ્ધ કરવો હોય તો, તપવાની, દુઃખો સહન કરવાની તૈયારી, સાત્વિક પુરષાર્થ કરવાની તૈયારી રાખવી જોઈએ, સહનશીલ અને ઉદ્યમી બનવું જોઈએ.
કૌટુંબિક અને સામાજિક જીવનમાં પણ ઘરના સભ્યોનો, કુટુંબના વડીલનો, સહનશીલ, પ્રેમાળ સ્વભાવ, કુટુંબમાં સુખ-શાંતિ અને પ્રેમનું વાતાવરણ સર્જી શકે છે. ઘરગૃહસ્થીમાં દરેક વ્યક્તિના સ્વભાવ રૂચિ, વિચારો એકસરખા હોતા નથી. કોઈક ક્રોધી, કોઈક લોભી, કોઈક સ્વાર્થી, કોઈક ઉદ્ધત તો વળી કોઈક નમ્ર અને નરમ, કુટુંબની એકતા જાળવવા માટે કુટુંબના વડીલે, મોભીએ, સહનશીલ અને વિવેકી બનીને આ બધા સ્વભાવને સમજવા પડે, સહન કરવા પડે અને સંપ જાળવી રાખવો પડે. દરેક વ્યક્તિમાં વિચારભેદ, મતભેદ તો રહેવાનો જ. પરંતુ વિચારભેદને, મતભેદને સમજવાનો અને સુલઝાવવાનો પ્રયાસ કરીને મનભેદ થતો અટકાવવો જોઈએ. સહનશીલતા એ સુખી સંસારની ચાવી છે.
સંયુક્ત કુટુંબમાં જેમ વિવિધ વિચાર અને સ્વભાવ ધરાવતી વ્યક્તિઓ હોય છે તેમ સમાજમાં પણ વિવિધ સ્વભાવના માણસો વસી રહ્યા છે. વિચાર કે કાર્ય માટે વિરોધ જાગે, વિસંવાદિતા સર્જાય ત્યારે ક્રોધ કરવો, બૂમો પાડવી કે સ્થાન છોડી જવાની ચેષ્ટાઓ કરવાને બદલે તટસ્થભાવે આપણી સાચી વાત, આપણો દ્રષ્ટિકોણ સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈના પ્રત્યે પૂર્વગ્રહ બાંધી લેવો જોઈએ નહીં. સંબંધો બગડવા જોઈએ નહીં, હંમેશા સાગરપેટા બનવું જોઈએ.
સહનશીલ વ્યક્તિ નીડર, ઉદાર, ક્ષમાશીલ અને દ્રઢ મનોબળ ધરાવતી શક્તિશાળી હોય છે. શ્રીકૃષ્ણ ભગવાને કોઈના પ્રત્યે પૂર્વગ્રહ બાંધ્યો નહોતો, પરંતુ અન્યાયને ક્યારેય સહન કર્યો નહોતો. અંધશ્રદ્ધાને ક્યારેય પોષી ન હતી. આપત્તિ કાળમાં માણસે અડગ રહેવું જોઈએ. આપત્તિઓ તો આત્મા-પરીક્ષા માટે જ ઉદ્ભવે છે. માન, અપમાન, સ્તુતિ, નિંદા, કીર્તિ, કલંક વગેરે દરેક પરિસ્થિતિમાં તટસ્થ્ય રહેવું જોઈએ. વિવેકી બનવું જોઈએ. સ્થિતપ્રજ્ઞ રહેવું જોઈએ. મહાનપુરૂષોના જીવનમાંથી આપણને તેમના ગુણો જાણીને અને જીવનમાં અપનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણી શક્તિ અને ક્ષમતાને કેળવવી જોઇએ. ધીરજ, સહનશીલતા અને વિવેકને વિકસાવવા જોઈએ. આપણે તો વાતવાતમાં ગરમ થઈ જઈએ છીએ. વિવેકને વિસારી દઈએ છીએ. ખોટા-ખોટા પૂર્વગ્રહો બાંધીએ છીએ. દ્વેષનો દાવાનળ પ્રગટાવી દઈએ છીએ. આપણી આંખમાંથી અમૃત-અમીની જગ્યાએ ઝેર વરસે છે. વિરોધીઓનો ધ્વંસ કરવાનું પગલું ભરી બેસીએ છીએ. વિરોધીઓનો વિરોધ કરવાથી વૈમનસ્ય વધશે, વિરોધીના કાર્યોમાં હમદર્દી બતાવો. વિરોધીને મિત્ર બનાવો. જ્યારે ઉશ્કેરાઈ જવાનો પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે મૌન ધારણ કરો. વાતાવરણ બદલી નાખો અને સ્વસ્થ ચિત્તે વિચાર કરો કે, આપણે ક્યાંક ભૂલ તો નથી કરી રહ્યા ને ! ઉતાવળું પગલું તો નથી ભરી રહ્યાં ને ! આપણી ભૂલને સુધારવા પ્રયત્ન કરવો જોઈએ. જીવનમાં વ્યાપેલ ઝેરની હિંસાની જડને કાઢી નાખીએ. જીવનબાગમાં પ્રેમ, કરૂણા અને ક્ષમાના છોડવાઓ રોપીએ. જીવન બાગને નંદનવન બનાવીએ. મારા પ્રિય સખા શ્રી કૃષ્ણના જીવનમાંથી આજે સહનશીલતાના ગુણને અપનાવવાનો દ્રઢ સંકલ્પ કરી શ્રીકૃષ્ણની જન્મજયંતીની ઊજવણીને સાર્થક કરીએ.