વ્હાલા વ્રજવાસીઓ,
આજે મારા પ્રિય સખા શ્રીકૃષ્ણજીનો જન્મ દિવસ છે. ગોકુળ વૃંદાવનનો બાળક શ્રી કૃષ્ણજીની મનભાવન લીલાઓમાં આપણું સમસ્ત અસ્તિત્વ નિમગ્ન થઇ જાય છે, રસતરબોળ થઈ જાય છે.
યુવાન શ્રીકૃષ્ણજીની માનસિક સમતુલા અને સ્થિતપ્રજ્ઞતા પ્રતિ હૃદય અહોભાવથી પુલકિત થઈ જાય છે. શ્રી કૃષ્ણ ભગવાન સદગુણોનો ભંડાર હતા, સાથે સાથે વ્યવહારિક બુદ્ધિ વાપરનાર અને “સમય વર્તે સાવધાન” નો માર્ગ અપનાવનાર દ્વાપર યુગના મહામાનવ હતા. તેમના જીવનના પ્રેરણાદાયક પ્રસંગોથી આજે પણ શ્રી કૃષ્ણજી લોકહૃદયમાં જીવંત છે.
મહાભારતના યુદ્ધ પછીનો એક પ્રસંગ યાદ કરીને શ્રીકૃષ્ણજીની માનસિક સ્વસ્થતા અને સ્થિતપ્રજ્ઞતાને વંદન કરું છું.
મહાભારતના યુદ્ધમાં પાંડવોનો વિજય થયો. કૌરવો નાશ પામ્યા. પાંડવો માતા ગાંધારીના આશીર્વાદ લેવા માટે તેમના ભવનમાં શ્રીકૃષ્ણજીની સાથે આવે છે. પોતાના પુત્રોના વિનાશ અને પુત્રવધુઓના વિલાપથી મહારાણી ગાંધારી વ્યાકુળ થઈ ગયાં હતા. પાંડવોને શાપ આપવાનો ગાંધારીએ સંકલ્પ કર્યો હતો પરંતુ વેદવ્યાસજીએ સમજાવ્યું કે, “પાંડવો પણ આપના જ પુત્રો છે, સમસ્ત કુળનો નાશ કરવો ઉચિત નથી, પાંડવોને આપ આશીર્વાદ આપો.” મહારાણી ગાંધારીએ પોતાનો સંકલ્પ બદલી નાખ્યો. આખરે ગાંધારીમા પણ એક સ્ત્રીનું, એક માતાનું હૃદય હતું ને !
ગાંધારીજીએ પાંડવો પ્રત્યેનો પોતાનો સંકલ્પ તો બદલ્યો પરંતુ મનમાંથી ક્રોધ શમ્યો ન હતો. ગાંધરીજીના ક્રોધનો શિકાર શ્રીકૃષ્ણજી બન્યા.
ગાંધારીજીએ કહ્યું, “હે કેશવ ! તેં ધાર્યું હોત તો, અને તારા જ્ઞાન વાક્ચાતુરી ને બુદ્ધિ વાપરીને તે બન્ને પક્ષોને સમજાવ્યા હોત તો યુદ્ધ નિવારી શકાયું હોત. મારા પુત્રોનો વિનાશ થતો અટકી ગયો હોત. મારી પુત્રવધૂઓ વિધવા બની ન હોત, મારે આવા દુઃખના દિવસો જોવા ન પડત. બધા જ અનિષ્ટોનું કારણ હે માધવ, તું જ છે. તારી બુદ્ધિ ચાતુર્યથી જ પાંડવો વિજયી થયા છે. હે કૃષ્ણ, હું બહુ જ વ્યથિત છું. મારા કુરૂકૂળનો નાશ તેં જ કરાવ્યો છે, તું જ દોષિત છે.”
શોક અને ક્રોધ મિશ્રિત લાગણી અશ્રુરૂપે વહેવા લાગી. કટુ, શોક મિશ્રિત વાણીનો પ્રવાહ મુખમાંથી વહેવા લાગ્યો. ક્રોધાવેશમાં ગાંધારીજીએ શ્રીકૃષ્ણને શાપ આપતાં જણાવ્યું કે, “જો મેં આ જન્મ પતિવ્રતા ધર્મ પાળીને જે કઈ તપ પ્રાપ્ત કર્યું હોય તે તપના બળથી હે કેશવ, હું તને શાપ આપું છું કે, તમારું સમસ્ત યાદવકુળ અંદરોઅંદર લડીને નાશ પામો. તું એક સામાન્ય શિકારીનાં હાથે સામાન્ય સાધનથી નિ:સહાય દશામાં હણાઈને મૃત્યુ પામશે. તારા કુળનો નાશ થશે, આવો ભયંકર કુળનાશક શાપ સાંભળીને પણ શ્રીકૃષ્ણજી જરાપણ તન કે મનથી વિચલિત થયા નહિ, શ્રીકૃષ્ણજીએ અતિ શાંત ચિત્તે મહારાણી
ગાંધારીને કહ્યું કે, “હે દેવી, આપનો શાપ સત્ય થઈને જ રહો. યાદવકુળના વિનાશનો નિમિત્ત હું જ બનીશ.
શ્રીકૃષ્ણ ભગવાનની માનસિક સમતુલા, ધીરજ, સહનશક્તિ અને સ્થિતપ્રજ્ઞતાના દર્શન આપણને આવા કઠિન પ્રસંગોએ થતાં રહે છે. શ્રીકૃષ્ણજીના જીવનકાળ દરમિયાન આવા તો ઘણા ય ચઢાવ, ઉતારના, માનહાનિના પ્રસંગો છે. દરેક પ્રસંગને સહજતાથી સુલઝાવાની ક્ષમતા, માનસિક સમતુલા, કેળવવાનો અને સદાય પ્રસન્નવદન અને આનંદમાં રહેવાનો દ્રઢ સંકલ્પ આજના પ્રસંગે કરીએ અને આચરણમાં મૂકીએ તો જ જન્માષ્ટમી ઉત્સવમાં આપણું યોગદાન આપ્યું કહી શકાય.
દરેકના જીવનમાં નિયતિ નિશ્ચિત છે નિમિત્ત કોઈક બનવું જ પડે છે, માટે નિયતિના પરિણામને સમતાથી સહર્ષ સ્વીકારી ને જીવન પ્રવાહને પ્રસન્ન વદને વહેવા દો.
મારા આપ સર્વને આશીર્વાદ છે.