વ્હાલા આત્મીયજનો,
ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે મારા હૃદય મંદિરમાં આપ સર્વે પ્રેમીજનોનું સ્વાગત છે. આપ સર્વે આજે પ્રેમના પુષ્પો અને અંતરની શુભ લાગણી સાથે લઈને મા ભગવતીના પ્રેમબાળને અર્પણ કરવા માટે આવ્યાં છો. આપના પ્રેમપુષ્પોને હું પ્રેમથી સ્વીકારું છું.
સંસારમાં અને ગૃહસ્થી જીવનમાં સુખ શાંતિ વ્યાપી રહે, જીવનનો સર્વાંગી વિકાસ થાય અને જીવનયાત્રા પ્રસન્નતાથી પૂર્ણ થાય તેવી દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે અને આવા ભાવ સાથે જ આપણે પરમાત્માને, સંત સદગુરૂને પ્રાર્થના સહ વંદન કરીએ, આશીર્વાદ મેળવીએ છીએ.
સાચા સુખનો સરળ માર્ગ છે આત્મભાવ પ્રગટાવવો. સુખ વસે છે સંતોષમાં, ન્યાયનીતિમાં, પ્રેમમાં, દિવ્યદ્રષ્ટિમાં, સર્વેમાં સમતાભાવ, પ્રશંસાભાવ કેળવવાથી જ મનમાં સુખનો અનુભવ કરી શકાય છે.
આપણે સહુ પરમાત્માના અંશ છે. પરમાત્મા પ્રેમસ્વરૂપ, આનંદસ્વરૂપ, સત્યસ્વરૂપ છે. પરમપિતા પરમાત્માના આ સર્વગુણો આપણી અંદર બીજરૂપે રહેલા છે. આ બીજરૂપ ગુણોને આપણા જીવનકાળ દરમિયાન અંકુરિત કરીએ, વિકસિત કરીએ તો આપણી જીવનયાત્રા સુખ, શાંતિ અને દિવ્યતાના વાતાવરણમાં ગતિ કરી શકે.
આપણી અંદર બીજરૂપે રહેલા પરમના ગુણોને કેવી રીતે અંકુરિત કરીએ? કેવી રીતે વિકસાવીએ? ચાલો આપણે આપણી જીવનયાત્રા દરમિયાન જ તેને અંકુરિત થવા દઈએ. આપણા વ્યક્તિગત જીવનમાં આપણા આનંદને, પ્રસન્નતાને, પ્રેમને, સત્યને પ્રજ્જવલિત કરીને વિકસાવવાની વિવિધ રીતો છે.
(૧) ફરજ પાલન :- જીવનકાળ દરમિયાન વિવિધ પ્રસંગે અને પરિસ્થિતિમાં આપણે જે કાંઈ ફરજ બજાવવાની આવે તે ફરજ પૂરી નિષ્ઠાથી, પુરા પ્રેમથી, તેમાં ઓતપ્રોત થઈને આનંદથી બજાવવી જોઈએ. આપણે કુટુંબમાં કોઈના ભાઈ-બહેન, પિતા-પુત્ર, પતિ-પત્નિ, મિત્ર કે અન્ય સગપણ, સબંધમાં ગોઠવાયાં હોઈએ તે તે સબંધોની જાળવણીમાં ફરજમાં પૂરી નિષ્ઠા દાખવવી જોઈએ, સાથે સાથે અનાસક્ત અને નિર્લેપભાવ રાખવો જોઈએ. જેથી સબંધોમાં જકડાયા વગર આપણે આપણો આંતરિક વિકાસ કરી શકીએ.
(૨) અનાસક્તભાવ :- જીવનકાળ દરમિયાન આપણે જે કાંઈ કાર્ય કરવાનું હોય, ફરજ બજાવવાની હોય, કર્તવ્યપાલન કરવાનું હોય, તે સઘળું આપણી પુરેપુરી શક્તિ, નિષ્ઠા અને સામર્થ્યથી કરવું જોઈએ. નિ:સ્વાર્થભાવ, નિરાભિમાનીપણું અને અનાસક્તભાવે પ્રભુપ્રિત્યર્થે જ કરવું જોઈએ. આવા ભાવ સાથે કરાયેલું આપણું કર્મ કર્મયોગ બની જાય છે. કર્મબંધનમાંથી મુક્ત રહેવાય જેથી હૃદયમાં આનંદ, પ્રેમ અને સંતોષ વ્યાપી રહે.
(૩) પ્રશંસાભાવ :- પરમાત્માની જડચેતન સૃષ્ટિના પ્રત્યેક સર્જનની આપણે સમજ કેળવવી જોઈએ. કદર કરતા, appreciate પ્રશંસા કરતાં શીખવું જોઈએ. હંમેશા Positive Thinking હકારાત્મક વલણ દરેક વ્યક્તિ માટે અને દરેક પ્રસંગે રાખવું જોઈએ. અઘટીત પ્રસંગ કે અયોગ્ય વ્યક્તિના વાણી, વર્તન, વ્યવહાર અયોગ્ય લાગે તો મૌન રહેવામાં જ ડહાપણ છે. અભિપ્રાય પૂછવામાં આવે તો સવિનય યોગ્ય અભિપ્રાય આપી શકાય.
(૪) પ્રેમ પ્રદાન ભાવ :- આપણા સંપર્કમાં અને સંસર્ગમાં આવતી દરેક વ્યક્તિમાટે શુભ ભાવ, શુભ લાગણી દર્શાવીએ. આપણી ઉપાસના, પ્રાર્થના, ધ્યાન, વિગેરેમાં સમષ્ટિના સુખાકારીનો ભાવ ભળવો જોઈએ. વિરોધી વ્યક્તિ પ્રત્યે પણ પ્રેમભાવ રાખીએ તો આપણા હૃદયમાં પ્રેમનો આવિર્ભાવ વધતો જાય છે. પુર્વાગ્રહો, સંકુચિતતા, કડવાશ વિગેરેની ગ્રંથિઓ છૂટી જાય છે. હૃદય આકાશમાં, અરે! સમસ્ત અસ્તિત્વમાંથી પ્રેમના, આનંદના આંદોલનો પ્રસરી રહે છે.
પ્રેમ, આનંદ, સાત્વિકતા સાથે જ સદગુણોની હારમાળા જોડાઈ જાય છે. આ દિવ્ય સદગુણો સ્થૂળ દ્રષ્ટિથી જોઈ શકાય નહિં. તેને તો અનુભવી જ શકાય.
આપણી પ્રેમની જ્યોત, આપણા સદગુણોથી વધુ પ્રકાશિત થાય ત્યારે આપણામાં પ્રભુતા પ્રગટે છે. આપણા ઇષ્ટદેવની વધુ નિકટતા, આત્મીયતા અનુભવી શકાય છે.
આપણી અંદર પ્રગટેલા પરમના પ્રેમને આપણે વિવિધરૂપે પ્રદર્શિત કરી શકીએ છીએ. સેવા, દાન, દયા, અહિંસા, ક્ષમા વિગેરે વિવિધ ક્ષેત્રોમાં પ્રેમની અમીધારાને વહાવી શકીએ છીએ.
પ્રેમ એટલે સમર્પણ :- માતા અને બાળકનો પ્રેમ સબંધ સમર્પણનું, આનંદનું ઉત્તમ દર્શન છે. સમર્પણ એ પ્રેમની ધરી છે. પ્રેમ વગર સમર્પણ શક્ય જ નથી. પોતાના પ્રિય પાત્ર માટે સર્વસ્વ ન્યોછાવર કરી આનંદ અનુભવવો એ પણ એક નિજાનંદ છે. પ્રેમાળ વ્યક્તિ બીજાના સુખસગવડનું વધારે ધ્યાન રાખે છે. સ્નેહના સુખમાં જ પોતાનું જ સુખ નિહાળે છે. સાત્વિક પ્રેમમાં બદલાની – વળતરની કોઈ જ અપેક્ષા હોતી નથી.
પ્રેમમાં અહિંસાનો ગુણ :- પ્રેમ સભર વ્યક્તિ ક્યારે કોઈનું અહિત કરી શકે કે વિચારી શકે જ નહિં. પ્રેમ હંમેશા સ્વજનનું, સ્નેહીજનનું અને સમષ્ટિનું કલ્યાણ જ ઈચ્છે છે. સર્વનું મંગલમય ઈચ્છે છે. પરમની જડચેતન સૃષ્ટિ પ્રત્યે માયાળુ, મમતાળુ વર્તન દાખવે છે. પ્રેમની પવિત્ર જ્યોત દરેક પ્રકારની હિંસાનો અંત લાવે છે. પ્રેમાળ વ્યક્તિ સમષ્ટિનો મિત્ર આત્મીય બની જાય છે.
પ્રેમમાં એકતા :- પ્રેમાળ વ્યક્તિમાં સમત્વનો ભાવ હોય છે. તેથી તે કોઈને પણ પરાયા ગણતી નથી. સ્નેહી સ્વજન કે અન્યના જીવનમાં ઉપજતા સુ:ખ દુ:ખને એ પોતાનાજ સુ:ખ દુ:ખ હોય તેવો ભાવ, તેવી લાગણી અનુભવે છે. પ્રેમપાત્ર સાથે હૃદયની ઐક્યતા બંધાઈ જાય છે, જુદાઈનો ભેદ મટી જાય છે. સોહમનો ભાવ જીવનમાં વણાઈ જાય છે. પ્રેમ એટલે પવિત્ર પ્રશંસા જ્યાં ઉપભોગ નહિ પણ હંમેશા અર્પણ ભાવ જ હોય. પ્રેમ વસે છે સેવામાં, સમર્પણમાં, પ્રશંસામાં (કદર) અને પૂજનમાં.
પ્રેમમાં સહન શક્તિ અને ક્ષમાનો ગુણ છુપાયેલો છે :- દુ:ખ, અસુવિધા, અકેલતામાં પણ પ્રેમાળ વ્યક્તિ પોતાના પ્રેમમાં જરાપણ ઓટ, અભાવ આવવા દેતી નથી, પ્રેમને વફાદાર રહી પોતાના અહં ભાવને શુધ્ધ કરે છે.
પ્રેમમાં દિવ્યતા, પૂર્ણતા છુપાયેલી છે :- પ્રેમ સભર વ્યક્તિ ક્યારેય પ્રિયજનના દોષ જોઈ શક્તી નથી. પ્રેમ હંમેશા ભીતર વસતા આત્માને જ દેખે છે, દોષને, ખામીને નહિં. પ્રેમસભર વ્યક્તિ જ આત્મ દર્શન કરી શકે છે. સર્વત્ર દિવ્યતાના દર્શન કરે છે અને પ્રેમના ઉત્તુંગ શિખર સર કરી પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે છે. વ્હાલા બાળકો, મારા નવસિધ્ધાંતો પરમના પ્રેમની અભિવ્યક્તિ જ છે. જીવનના દરેક ક્ષેત્રમાં તેનું આચરણ કરો અને પરમાત્માને પ્રાર્થના કરો કે,
“પ્રેમળ જ્યોતિ પ્રભુજી દાખવી
મુજ જીવનપંથ ઉજાળ….”