જીવનને રામમય બનાવીએ

વ્હાલા અવધવાસી આત્મીયજનો,

આજે રામચંદ્રજીનો પ્રાગટ્ય દિવસ છે. સમયના વહેણની સાથે સાથે રામ નામનું વહેણ લોકહૃદયમાં અસ્ખલિત વહેતું રહ્યું છે. લોકહૃદયમાં સ્થાન મેળવનાર અવતારી આત્માઓ, સંતો, સદગુરૂઓની સાત્વિકતા, સત્ય, પ્રેમ, કરુણા અને માનવતાના ગુણોથી સંતૃપ્ત હતા.

આજના રામનવમીના દિવસે રામજીની પૂજા, અર્ચના, વંદના, રામધૂન વિગેરે વિવિધ આયામોથી ભક્તિની તૃપ્તિ કરવામાં આવશે. પરંતુ રામાયણના હાર્દને સમજવાની અને આપણા વ્યક્તિત્વ અને વ્યવહારિક જીવનમાં અપનાવવાની જરૂર છે.

આપણા જીવનને, સંસારને, ગૃહસ્થાશ્રમને સ્વર્ગીય સુખની અનુભૂતિ કરાવવી હોય, સ્વર્ગીય સુખનું નિર્માણ કરવું હોય તો આપણે રામાયણના સકારાત્મક અને નકારાત્મક પાત્રોને, તેમના સ્વભાવને સમજવા પડે અને આપણા વ્યક્તિગત, વ્યવહારિક અને ગૃહસ્થજીવનમાં આ પાત્રોનાં વાણી, વર્તન, વ્યવહારને અપનાવી જીવન ઉર્ધ્વગામી કે અધોગામી બનાવવું છે તે આપણે જ નક્કી કરવાનું છે.

આપણે મનમંદિરમાં સકારાત્મકતા ધરાવતા મહાન આત્માઓને, વિભૂતિઓને આદરપૂર્વક સ્થાન આપીએ અને તેઓશ્રીના આદર્શોને જીવનમાં અપનાવીએ. જીવનમાં સુખ, શાંતિ, સંતોષ અને સ્વર્ગીય સુખની પ્રાપ્તિ માટે જીવનના દરેક ક્ષેત્રમાં સકારાત્મકતા, સરળતા, સહૃદયતા અને માનવતાના ગુણોને અપનાવવા પડે, ખીલવવા પડે.

રામાયણના આવા સકારાત્મક પાત્રો નીચે દર્શાવ્યા પ્રમાણે છે.

(૧) રામચંદ્રજી, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, સુમંતજી, હનુમાનજી,

     જાંબવન, વિભીષણ, અંગદ, ગુહરાજ, કેવટ, વાનરસેના

(૨) કૌશલ્યાજી, સુમિત્રાજી, સીતાજી, ઉર્મિલાજી, અનસુયાજી,

     મંદોદરીજી, શબરીજી.

નકારાત્મક પાત્રો

મંથરા           –        ઈર્ષ્યા, નિંદા, ઉશ્કેરણીનું પ્રતિક

કૈકૈયી            –        અપરિપક્વ બુદ્ધિ, કાચા કાન, ઈર્ષ્યા, લોભ, ક્રોધ, જીદ, અસહિષ્ણુતાનું પ્રતિક.

સુર્પણખા       –        વાસનાનું પ્રતિક

રાવણ           –        છળકપટ, અહંકાર, વાસના, એષણા, ક્રોધ, આળસનું પ્રતિક.

કુંભકરણ       –        ઊંઘ, આળસ, પ્રમાદનું પ્રતિક

વાલી            –     વાસનાનું પ્રતિક

આપણા સૂક્ષ્મ શરીરમાં રામ-રાવણ સકારાત્મકતા-નકારાત્માનો સંઘર્ષ ચાલતો જ રહે છે. આપણા મનમાં અસાત્વિક, નકારાત્મકતાનો પ્રવેશ ન થાય તેની સતત કાળજી રાખતા રહીએ.

સાત્વિક, સકારાત્મકતાનો વ્યાપ આપણા સૂક્ષ્મ શરીરમાં વધારતાં રહીએ. જીવનને ઉર્ધ્વગામી બનાવીએ અને પરમના પ્યારા બનતા રહીએ. નિયમિત ઉપાસના, સત્સંગ, સદગુરૂનું શરણ અને સાત્વિક વાતાવરણમાં રહેવાથી જ જીવનને રામમય બનાવી શકાય.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી