રામરસ પીવાના અધિકારી બનીએ

વ્હાલા રામચાહકો,

આજે શ્રી રામજીનો પ્રાગટ્ય દિવસ છે. શ્રી રામજી અને શ્રી કૃષ્ણજી આ બે પરમના અવતારો આપણી આર્ય સંસ્કૃતિના આધારસ્થંભો છે, આપણા નિષ્ઠા કેન્દ્રો છે.

આપણે રામમય અને રામસમ બનવાનો સંકલ્પ કરીએ. રામજીના આદર્શો, સદગુણો અને સાત્વિક જીવન વ્યવહારને અપનાવીને આપણા વ્યક્તિગત જીવનને અજવાળીએ.

રામજીના ગુરૂજી વિશ્વામિત્રજીએ દિવ્ય અને વ્યવહારુ શિક્ષણ પ્રદાન કરીને રામજીના જીવનદીપમાં વ્યવહારુક અને સાંસ્કૃતિક પ્રેમનું ઈંધણ પુર્યા કર્યું અને આદર્શ જીવનના અધિકારી બનવાની પ્રેરણા પ્રદાન કરી.

રામજીનો કૌટુંબિક આદર્શ અપનાવવો એ સાંપ્રત સમયની જરૂરિયાત છે. સંતાન તરીકે માતા-પિતાનો સંતોષ, સેવા અને સમર્પણ, ભાઈઓ પ્રત્યે નિ:સ્વાર્થ આત્મીય પ્રેમ અને ત્યાગની ભાવના, સેવકો પ્રત્યે વાત્સલ્યભાવ, પ્રજા પ્રત્યે પ્રેમ, દયાનો અને ન્યાયનો ભાવ, સરળ, સહજ સ્વભાવ રામજીના વ્યક્તિત્વની વિશેષતા હતી. જીવનમાં જ્યારે ત્યાગ અને ક્ષમાની ભાવના રાખવામાં આવે ત્યારે કુટુંબની અખંડિતતા જળવાઈ રહે છે અને નકારાત્મક પરિબળો પ્રવેશી શકતાં નથી.

રામનું રાજ્ય પ્રજાલક્ષી રાજ્ય હતું તેથી તે રામરાજ્ય કહેવાયું. સાંપ્રત સમયના રાજકારણીઓ જો રામરાજ્યના સિદ્ધાંતોને અપનાવે તો તેઓ લોકહૃદયમાં માનભર્યું સ્થાન પ્રાપ્ત કરી શકે. માતા-પિતાની સેવા અને ભક્તિનો આદર્શ રામજીના જીવનમાંથી આજના સંતાનોએ અપનાવવો જોઈએ. વૃદ્ધાશ્રમો, ઘરમાં જ ઉપેક્ષિત માતા-પિતા, સાંપ્રત સમયના સંતાનોને અભિશાપ છે.

સેવકો, સાથી કર્મચારીઓ પ્રત્યે હમદર્દી, સહાનુભુતિ રાખવી, યોગ્ય મદદ કરવાનો ભાવ કેળવવાથી શેઠ નોકરનો સંબંધ, આત્મીયતામાં પરિવર્તિત કરી શકાય. પૂર્વગ્રહ રાખ્યા વગર અદના આદમીને ન્યાય મળે, પ્રેમ મળે, તેની ભાવનાઓને સમજવામાં આવે તો ગરીબ તવંગરની ભેદરેખા ભૂંસી શકાય.

રામજન્મનો સમય ધોમધખતા તાપમાં મધ્યાન્હ સમયે, ચૈત્ર સુદ નોમ, પસંદ થયો. જીવ અને જગત જીવનની આધિ, વ્યાધિ, ઉપાધિના તાપથી તપ્ત થાય ત્યારે રામજન્મની વધાઈ તેમને શાંતિ, સુખ અને શીતળતા બક્ષે. રામજીના જન્મથી અને જીવનથી જીવોને અને જગતને યોગ્ય માર્ગદર્શન મળે.

સવારનો બ્રાહ્મમૂહૂર્તનો સમય રામપ્રહાર કહેવાય છે. આ સમય ઉપાસના માટે, પરમનું સાન્નિધ્ય, કૃપા, આશીર્વાદ મેળવવાનું મૂહૂર્ત છે. જીવનના પ્રત્યેક શ્વાસમાં રામરસનું સિંચન કરી રામરસના અધિકારી બની જઈએ.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી