આત્મબળ વિકસાવીએ

વ્હાલા આત્મીયજનો,

આજે નવમી ડિસેમ્બર, માતાજીનો પાટોત્સવ છે. શ્રધ્ધા ધામમાં માતાજીને આસનસ્થ થએ ત્રીસ વર્ષ પૂરાં થયાં. આજના પાવન દિવસને ઉપાસના પર્વ તરીકે ઉજવવામાં આવે છે.

શ્રધ્ધાથી શ્રધ્ધા કુટીરમાં આવતા ભાવિકોને માતાજીની સૂક્ષ્મ હાજરીનો અનુભવ થતો રહે છે. મનોકામના પૂર્ણ થતી રહે છે.

મંત્રજાપ, નામસ્મરણ, સત્સંગ, સ્વાધ્યાય, ધ્યાન, પ્રાર્થના, ભજન, કીર્તન વિગેરે કોઈપણ અનુકૂળ પ્રક્રિયાથી આપણા ઇષ્ટદેવનું સાનિધ્ય નિયમિત રીતે કેળવવાનો પ્રયત્ન કરવાથી પરમાત્મા સાથે અનુસંધાન સાધી શકાય છે. ઉપાસના દરમિયાન મન, શરીર, ઇન્દ્રિયોને સંયમિત રાખવાથી એકાગ્રતા સાધી શકાય છે.

આપણા દેવસ્થાન-મંદિરમાં આપણે દીવો પ્રગટાવીએ છીએ. ધૂપ, અગરબત્તી પેટાવીએ છીએ. દીવો પ્રકાશનું પ્રતીક છે. આપણા મનમાં જ્ઞાનનો, પ્રેમનો દિપક પ્રગટાવીએ. જ્યાં સમ્યક પ્રેમનો પ્રકાશ પ્રગટે છે ત્યાં સાધક-ઉપાસકનું જીવન સ્વયમ્ મંદિર બની જાય છે. આપણા મનને મંદિર બનાવવા માટે મનમાં સાત્વિક, ઉર્ધ્વગામી, રચનાત્મક, સકારાત્મક વિચારોનો વ્યાપ વધારવો જોઈએ. મનને મંત્રમય બનાવવું જોઈએ. માનવતાના કાર્યોમાં જ મન અને ઇન્દ્રિયોને કાર્યાન્વિત રાખવાથી, મનમાં સ્વચ્છતા, શુધ્ધતા, સાત્વિકતા પ્રસરી રહેશે.

ઉપાસનાથી આપણા મનમાં સાત્વિકતાનો પ્રકાશ પથરાય છે અને આપણી આત્મશક્તિ, આત્મબળ જે સુષુપ્ત અવસ્થામાં છે તે જાગૃત, વિકસિત થાય છે. ભય, નકારાત્મકતા, દુર્ગુણો, દુર્વૃત્તિઓના તમસ ઓગળવા લાગે છે.

મહાભારતનો એક પ્રસંગ છે. ભગવાન વેદવ્યાસજીએ આ યક્ષ પ્રશ્ન પ્રસંગ દ્વારા આખા જ્ઞાન જગત ઉપર એક મહાન ઉપકાર કર્યો છે.

પાંડવપુત્ર યુધિષ્ઠિરને સરોવર કાંઠે પાણી પીવા જતા યક્ષે કહ્યું કે, “મારી રજા સિવાય પાણી નહિ પીવાય.” યુધિષ્ઠિરજીએ કહ્યું, “તો આજ્ઞા આપવા વિનંતી છે.”

યક્ષે કહ્યું, “મારા પ્રશ્નોનો જવાબ આપો.” “તો પ્રશ્ન પૂછો, આવડશે તેવા ઉત્તર આપીશ.” યુધિષ્ઠિરે કહ્યું. ઘણા બધા પ્રશ્નોમાંનો આ એક પ્રશ્ન એવો હતો કે :-

“માણસને ભયના અંધકારમાંથી મુક્ત કોણ કરે છે?”


“આત્મબળના અજવાળા જ ભયના અંધકારમાંથી માણસને મુક્ત કરે છે.”

જવાબ સાંભળી યુધિષ્ઠિરને સાબાશી આપી યક્ષે પાણી પીવાની છૂટ આપી.

આત્મબળ વધારવા માટે આપણામાં ધર્માંચરણ હોવું જોઈએ. નીતિ, નિષ્ઠા, નૈતિકતા, સદગુણો, સાત્વિકતા અને સકારાત્મકતાથી આપણે આપણી ફરજ બજાવવી જોઈએ.

સાંપ્રત સમયમાં માનવ મન વિવિધ સમસ્યાઓથી ઘેરાયેલું રહે છે. જીવનમાં અંધકાર વ્યાપી જાય છે. માણસને પ્રકાશની જરૂર છે.

જ્ઞાનનો પ્રકાશ

સત્સંગનો પ્રકાશ

પરમની પ્રેરણાનો પ્રકાશ

સદગુરૂનું શરણ, નિયમિત ઉપાસના, સ્વાધ્યાય, સકારાત્મકતા અને સદગુણોથી જીવનમાં પ્રકાશ-સમજણ વ્યાપી જાય છે. આત્મશક્તિ, આત્મબળ જાગૃત થાય છે. પોતાની સમસ્યાઓ જાતે જ સુલઝાવવા સક્ષમ બને છે. આત્મબળ, આત્મશક્તિ વધારવા અથર્વવેદમાં એક સુંદર પ્રાર્થના છે.

હે પ્રભુ, “હું અંધકારથી અકળાઉ નહીં.

   દુશ્મનોથી ડરુ નહિ.

   મિત્રોથી દબાઉ નહિ.

   કશાયનો ડર મને લાગે નહીં.

   મારા દિવસ અને રાત પરમના પ્રકાશના સાનિધ્યમાં

   સંપૂર્ણ નિડરતાથી વ્યતીત થજો.”

શ્રધ્ધા કુટિરનો માહોલ, સાત્વિક, સકારાત્મક આંદોલનોથી સભર છે. આત્મશક્તિને જાગૃત કરવાનું, વિકસાવવાનું આધ્યાત્મિક તીર્થ છે. મારા આપ સર્વેને આશીર્વાદ છે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી