વ્હાલા આત્મીયજનો,
આજે ઉપાસના દિવસ છે. પરમશક્તિ મા ભગવતીએ શ્રધ્ધામાં નિવાસ કર્યે આજે છવ્વીસ વર્ષ પૂર્ણ થયાં. શ્રધ્ધામાં સૂક્ષ્મરૂપે માતાજીની હાજરી-ઉપસ્થિતિ અહર્નિશ વર્તાયા કરે છે, અનુભવાય છે.
ઉપાસના આપણા જીવનનું અવિભાજ્ય અંગ, અવિભાજ્ય કાર્ય બની રહેવું જોઈએ. ઉપાસનાની કોઈપણ રીત- મંત્રજાપ, પ્રાર્થના, નામસ્મરણ, સત્સંગ, ધ્યાન, ભજન, કીર્તન, શ્રધ્ધાપૂર્વક અપનાવીએ અને શિસ્તબદ્ધ રીતે તેનું પાલન કરીએ ત્યારે જ પરમનું વાત્સલ્ય અનુભવી શકાય છે. ઉપાસનામાં અહમ્ ને અળગો રાખીએ ત્યારે જ આત્મિક વિકાસની ક્ષિતિજો વિસ્તરવા લાગે છે. આપણી સુષુપ્ત શક્તિઓ અંકુરિત થવા લાગે છે, જાગૃત થાય છે.
પ્રાણતત્વ સ્વરૂપે આત્મા આપણા સહુમાં વિલસી રહ્યો છે. આત્માના અવાજને, પ્રેરણાને, પ્રકાશને અનુભવવાની, અનુસરવાની ક્ષમતા આપણે કેળવવી પડે.
આપણું પ્રત્યેક કર્મ પરમની પૂજા સમજીને અનાસકત ભાવે કરવાથી આપણે કર્મબંધનમાંથી મુક્ત રહી શકીએ.
સાત્વિક ઉપાસના, અધ્યાત્મની આરાધનાથી જ સાત્વિક જીવન જીવવાનો આનંદ માણી શકાય છે. આપણા વાણી, વર્તન, વ્યવહારમાં સરળતા, સહજતા, સાત્વિકતાનો આવિર્ભાવ થાય છે. આપણી વિવેક શક્તિ જાગૃત થાય છે. આપણું વ્યક્તિત્વ પ્રેમમય બને છે.
ચૈતન્ય શક્તિના પ્રવાહો આપણા આંતરબાહ્ય વાતાવરણમાં વહેતા રહે છે. ઉપાસકનું આભામંડળ તેજસ્વી, સુવાસિત બને છે.
આપણી અવિરત સાત્વિક ઉપાસનાના પરિપાક રૂપે આપણા વાણી, વર્તન, વ્યવહારમાં સાત્વિક પરિવર્તન આવવું જ જોઈએ. સકારાત્મકતા અને સાત્વિક ગુણોથી આપણું વ્યક્તિત્વ અલંકૃત થવું જોઈએ. આપણા જીવનના અણુએ અણુમાં સાત્વિકતા પ્રસરી રહેવી જોઈએ. નકારાત્મકતા, નિષેધાત્મકતાનો અંશ પણ રહેવો જોઈએ નહીં.
શ્રધ્ધા, શરણાગતિ, ક્ષમા, સંયમ, સંતોષ, વિવેકના ગુણોની સાથે સાથે નવસિદ્ધાંતો જીવનયાત્રાના પ્રકાશપુંજ બની રહેવા જોઈએ. મારા આપ સર્વેને આશીર્વાદ.