વ્હાલા આત્મીયજનો,
શ્રધ્ધા ધામમાં આજે માતાજીનો છવ્વીસમો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે. શ્રધ્ધાને માતાજીએ પોતાનું નિજ મંદિર બનાવી દીધું છે. આજના દિવસને ‘ઉપાસના દિન’ તરીકે નક્કી કર્યો છે. આપણી જીવનયાત્રાનું મુખ્ય ધ્યેય ઉપાસનાના માધ્યમથી પરમમય-પરમની પ્રાપ્તિ કરવાનું છે.
જીવનમાં ભૌતિક અને આધ્યાત્મિક વિકાસ કરવા માટે, સફળતા મેળવવા માટે આપણે સકારાત્મક વિચાર, વાણી, વર્તન અને વ્યવહાર અપનાવવા પડે.
આત્મબળ, આત્મવિશ્વાસ અને સ્વનિર્ભરતાના ગુણ કેળવવા પડે.
આત્મબળ:- આત્મબળનો ગુણ કેળવવા માટે આપણા તન, મન, ધન સંપત્તિ, બુદ્ધિસંપત્તિની શક્તિને સાત્વિક માર્ગે વાળવી જોઈએ. આત્મબળથી પોતાના વિવેકને જાગૃત કરી શકાય છે. આધ્યાત્મિક ઉન્નતિના પંથે અનેક અડચણો, અવરોધો આવે, આપણું મનોબળ ક્ષીણ કરવાના પ્રયત્નો થાય ત્યારે આત્મબળથી જાગૃત થયેલ આપણો વિવેક આપણા પ્રયાસને, પ્રગતિને ગતિશીલ બનાવે છે.
આત્મવિશ્વાસ:- આધ્યાત્મિક પંથે પ્રયાણ કરવા માટે કે વિકાસ કરવા આત્મવિશ્વાસ પાયાની જરૂરિયાત છે. ઉત્સાહ, ઉમંગથી પ્રત્યેક પ્રસંગને ઉત્સવ બનાવવો અને તેમાં સહભાગી થવાનું સૌભાગ્ય આત્મવિશ્વાસથી જ પ્રાપ્ત કરી શકાય છે. દરરોજ નિયમિત રીતે પૂરા આત્મવિશ્વાસથી પરમની ઉપાસના કરીએ તો આપણું અસ્તિત્વ પરમમય બની જાય છે. પરમાત્માની દિવ્યતા આપણા રોમેરોમમાં વ્યાપી જાય છે. પરમની દિવ્ય ચેતના આપણા રોમેરોમને ઝંકૃત કરી દે છે. દિવ્યાનંદની અનુભૂતિ થાય છે. આત્મવિશ્વાસ એક એવી આત્મચેતના છે જે સમગ્ર વાતાવરણને દિવ્ય, ઓજસ્વી, તેજસ્વી અને ચેતનવંતું બનાવી દે છે. આપણી ઉપસ્થિતિ આનંદમય, ઉત્સાહમય, સુવાસમય બની જાય છે.
આત્મનિર્ભરતા – સ્વાવલંબન:- આધ્યાત્મિક ઉન્નતિ માટે આપણે સ્વાવલંબી બનવું જોઈએ. આપણી ભક્તિ, પધ્ધતિ-પંથ આપણે જાતે જ પસંદ કરવો પડે અને ચાલવું પડે. પરાવલંબન આપણા ધ્યેયને, આપણા વિશ્વાસને કદાચ અનુકૂળ ન આવે અને આપણે પંથ ભૂલેલા, અટવાયેલા પથિક જેવા બની જઈએ. માટે સ્વાવલંબન જ ઉત્તમ શક્તિ છે.
આધ્યાત્મિક પંથે પ્રયાણ કરવા માટે, વિકાસ કરવા માટે આપણે પ્રમાણિક બનવું જોઈએ. આપણા ધ્યેયને હાંસલ કરવા માટે આપણે સમય, શિસ્ત, સંયમને સાથે રાખીને ઉપાસનામાં, ભક્તિમાં, સેવામાં સમર્પિત થવું જોઈએ. નૈતિક મૂલ્યોનું પ્રતિપાદન આપણા જીવનવ્યવહારમાં થવું જોઈએ. આંતરબાહ્ય સરળતા, સ્વસ્થતા, સંવાદિતા આપણા વ્યવહારમાં વર્તાવવી જોઈએ.
સમજદારી – જ્ઞાન – આધ્યાત્મિક પંથે પ્રયાણ કરતી વખતે તે પંથની પૂરેપૂરી જાણકારી, રીત, રસમ જાણી લેવી જરૂરી છે. સમજદારી આપણા સૌભાગ્યને નિખારે છે. ક્ષણિક કે ખોટા પ્રલોભનો, લાભ, શોર્ટકટ ઉપાસનાનો માર્ગ અપનાવતા પહેલાં સમજણ શક્તિ કેળવો. અમૂલ્ય જીવન અને સમયનો સદઉપયોગ થાય તેવા આધ્યાત્મિક – ઉપાસનાનો માર્ગ અપનાવો.
જવાબદારી સમજીને પોતાનું કર્તવ્ય બજાવવાના આગ્રહી બનીએ. આપણું કર્મ જ આપણો ધર્મ છે એવા ભાવ સાથે ઉપાસનાના ક્ષેત્રમાં જવાબદારી અદા કરવી, માનવજીવનમાં પરમાત્માએ આપણને જે કાંઈ વિવિધ ક્ષેત્રમાં જવાબદારી નિર્મિત કરી હોય તેને પૂરી નિષ્ઠાથી, નૈતિકમૂલ્યોને અનુસરીને અદા કરવી જોઈએ.
જવાબદારી અદા કરવામાં વીરતા દાખવવી જરૂરી છે.
હરિનો માર્ગ છે શૂરાનો
નહિં કાયરનું કામ જોને !
ઉપાસનાના પંથે આવતી માનવસર્જિત કે કુદરત સર્જિત અડચણો, અવરોધોને ડર્યા વગર વીરતાથી પોતાના ધ્યેયને વળગી રહીએ તેમાંજ સાચી શૌર્યતા છે. પરમાત્માની ગેબી સહાય આપણને મળી રહે છે. આપ સર્વેની ઉપાસના પરમમય બની રહો તેવા આશીર્વાદ સહ…