જીવનનો પ્રત્યેક દિવસ ઉપાસનાદિન બની રહો

વ્હાલા ઉપાસક ભાઈ બહેનો અને બાળકો,

પરમશક્તિ મા ભગવતીએ શ્રદ્ધામાં નિવાસ કર્યે આજે ચોવીસ વર્ષ પૂરાં થયાં. ‘શ્રદ્ધા’ તીર્થભૂમિનું સમગ્ર વાતાવરણ દિવ્ય શક્તિથી, દિવ્ય ચેતનાથી સમૃદ્ધ બની રહ્યું છે. માતાજીની પ્રત્યક્ષ અને પરોક્ષ હાજરી ભાવિકોને શ્રદ્ધામાં થતી જ રહે છે. પરમશક્તિ મંત્ર ૐ મા ૐ ના આંદોલનથી સમગ્ર વાતાવરણ આંદોલિત થતું રહે છે.

માતાજીની પ્રેરણાથી ૯ ડિસેમ્બર માતાજીના પાટોત્સવને ‘ઉપાસના દિન’ તરીકે ઉજવવાનું નક્કી થયું છે. આજના પાવન દિવસે સંકલ્પ કરીએ કે “મારા જીવનનો પ્રત્યેક દિવસ ઉપાસના દિવસ બની રહે.” પરમશક્તિ મા ભગવતી આપણી જીવનયાત્રાનું કેન્દ્રબિંદુ બની રહેવું જોઈએ. આ દિવ્ય કેન્દ્રબિંદુના તેજ કિરણો આપણી જીવનયાત્રાના પથ પ્રદર્શક બની રહેવા જોઈએ.

ઉપાસના એટલે પરમાત્માની સમીપ રહેવું, સમીપ બેસવું. પરમાત્માની સમીપ રહેવા કે બેસવા માટે આપણે પરમાત્મામય બની જવું પડે. પરમની દિવ્યતાને, આદર્શોને, સદગુણોને જીવનમાં સમાવવા માટે, ચરિતાર્થ કરવા માટે આપણે ક્ષમતા કેળવવી પડે. બાળક જેવા નિર્મળ, નિર્દોષ અને સરળ બનવું પડે.

પરમાત્મા કહે છે કે, “જો તમે મારી નજીક આવવા એક ડગ ભરશો તો હું પાંચ ડગ ભરીશ, તમે એક વેંત નમશો તો હું મારો આખો હાથ તમારી સામે લંબાવીશ. તમે મારા શરણમાં રહેશો તો હું તમારા સુખ-દુઃખનો સાથીદાર, સહભાગી બનીશ.” પરમાત્મા વચન આપે છે અને વચન પાળે પણ છે. આપણે આપણા પુરુષાર્થમાં, આપણી શ્રદ્ધા અને શરણાગતિમાંથી વિચલિત ન થઈએ તે જોવાનું છે.

પરમાત્મા આપણા ઈષ્ટના સ્વરૂપમાં સાકાર રૂપે પ્રત્યક્ષ કે પરોક્ષ દર્શન આપે અથવા નિરાકારરૂપે તેના ઐશ્વર્યની, તેની અગોચર હાજરીની અનુભૂતિ કરાવે ત્યારે આપણાં આંતરબાહ્ય અસ્તિત્વમાં આનંદ વ્યાપી જાય, પ્રસન્નતા અનુભવાય, સત્ય, પ્રેમ, કરૂણા, આશીર્વાદની અનુભૂતિ થાય. આપણી ભૌતિક જવાબદારીઓ પરમાત્માએ ઉપાડી લીધી હોય તેમ અનુભવાય, આપણામાં બીજરૂપે રહેલી શક્તિઓ, ગુણો, જ્ઞાન, કલા વિગેરે ઉજાગર થતા અનુભવાય.

ઉપાસનાના પંથે પ્રયાણ કરવા પ્રોત્સાહિત થયેલા ભાવિકો, શ્રદ્ધાળુઓ અને ઉપાસનાના પંથે પ્રયાણ કરી રહેલા ઉપાસક ભાઈ બહેનો સંસારની તમારી ફરજને પૂરી નિષ્ઠાથી પરમની પૂજા સમજીને અનાસક્તભાવે બજાવતા રહેજો. માયાના આવરણમાં અટવાઈ ન જવાય તે માટે આટલું તો અવશ્ય કરજો જ.


૧. શરીરને આપણું મંદિર, આત્માનું નિવાસસ્થાન માનીએ.

૨. અશુભ, અસાત્વિક વિચારોથી મનને વિક્ષુબ્ધ-કલુષિત ન કરીએ. અજપાજપ-નામ સ્મરણની આદત પાડીએ.

૩. હંમેશાં હકારાત્મક વલણ અને વિચારો રાખીએ

૪. આશાવાદી અને ઉત્સાહી બનીએ. આનંદમાં જ રહીએ.

૫. બાળક સહજ નિર્દોષતા, સરળતાથી જીવન જીવીએ.

૬. સત્ય, પ્રેમ, કરૂણા અને સેવાને જ જીવનમંત્ર બનાવીએ.

૭. સત્સંગ, સ્વાધ્યાય, પ્રાર્થના, ધ્યાન, નામસ્મરણ, મંત્રજાપના માધ્યમથી પરમનું સતત સાનિધ્ય અનુભવીએ.

૮. નવસિદ્ધાંતોને અપનાવી જીવનને સજાવીએ.

૯. કોઈપણ પરિસ્થિતિમાં “પરમાત્મા મારી સાથે જ છે” તેવો ભાવ રાખી નિર્ભયતા કેળવીએ.

આપણી ઉપાસના ઉર્ધ્વગામી બનાવીએ, શિસ્ત, સંયમ અને ધીરજથી જીવનયાત્રાને સાર્થક કરીએ. જગતમાં વ્યાપેલા આચાર, વિચાર, વ્યવહાર, અંધશ્રદ્ધા જેવા તમસ-અંધકારને વિદારવા મશાલ જેવા દીપક જેવા તેજસ્વી બનીએ. મારા આપ સર્વેને આશીર્વાદ છે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી