વ્હાલા આત્મીયજનો,
માનવતાના મહાયજ્ઞમાં આપ સર્વે ભાવિકોનું સહર્ષ સ્વાગત છે. આજે મારી જીવનયાત્રા એકાણુંમા વર્ષમાં પ્રવેશી રહી છે. મા ભગવતીના વાત્સલ્યથી જીવનમાં વસંતોની તાજગી માણી રહ્યો છું.
૧૯૭૬ પાંચમી સપ્ટેમ્બરે પ્રથમ સાક્ષાત્કાર વેળાએ માતાજીનું વ્હાલ, વાત્સલ્ય અને વરદાન મેળવી હું ધન્ય બની ગયો. માતાજીના વરદાનને ચરિતાર્થ કરવા માટે છ સપ્ટેમ્બર ના દિવસથી જ માનવતાના મહાયજ્ઞની જ્યોત જલાવી. માતાજીની પ્રેરણા, માર્ગદર્શન અને સંપૂર્ણ સહકારથી આધિ, વ્યાધિ, ઉપાધિથી ત્રસ્ત માનવબંધુઓની નિ:સ્વાર્થ, નિ:શુલ્ક સેવામાં સમર્પિત થઈ ગયો છું. શ્રધ્ધા, સમર્પણ, સેવા અને ત્યાગની સમિધાઓથી માનવતાની જ્યોતને જલતી રાખી રહ્યો છું. વ્હાલા શ્રદ્ધાળુ ભાવિકોના સાથ, સહકાર અને સહયોગ મારા સેવાકાર્યમાં યોગદાન આપી રહ્યા છે. સેવા કાર્યને શોભાવી રહ્યા છે.
માનવતાના મહાયજ્ઞમાં અને સેવાના ક્ષેત્રમાં યોગદાન આપનાર દરેક વ્યક્તિનું પોતાનું વ્યક્તિત્વ નિર્વિકારી, નિરહંકારી, નમ્ર અને નૈતિક મૂલ્યોથી પરિમાર્જિત થયેલું હોવું જોઈએ. જનતા જનાર્દનનો વિશ્વાસ સંપાદન કરવા માટે મન, વચન, કર્મની સરળતા, શુદ્ધતા, સાત્વિકતા અને સકારાત્મકતા જરૂરી છે.
બાળકના વ્યક્તિત્વમાં નિર્મળતા, નિર્દોષતા સહજ રીતે જ હોય છે પરંતુ કિશોર વય અને યૌવનમાં પ્રવેશતા જ દુરિતોનો પ્રવેશ થવા લાગે છે.
પરમાત્માએ દરેક વ્યક્તિને સામાન્ય હોય કે અસામાન્ય, ગરીબ હોય કે તવંગર એક સરખી જ શરીર સંપત્તિ, સમય અને પ્રકૃતિનો વૈભવ આપ્યો છે. પરમાત્માની આ મૂલ્યવાન સંપત્તિનો આપણે યોગ્ય ઉપયોગ કરી શકીએ છીએ ખરા? શુધ્ધ, સાત્વિક રાખી શકીએ છીએ ખરા?
દુરિતો, દુર્વિચારો, દુર્ગુણો, કુટેવો જેવા કે કામ, ક્રોધ, મોહ, મદ, અહંકાર, ઈર્ષ્યા, નિંદા, વિશ્વાસઘાત, ચોરી, જૂઠ, કુટેવો, મદ્યપાન, ધુમ્રપાન વિગેરે વિકારો વ્યક્તિના વ્યક્તિત્વને તેની જીવન તસવીરને વિકૃત કરી નાખે છે. વ્યક્તિના વાણી, વર્તન, વ્યવહારને અવિવેકી, અશુદ્ધ, નકારાત્મક બનાવે છે. જેના થકી પોતાનું અધ:પતન થાય છે.
માનવમનની આ વિકૃતિઓને કેવી રીતે સુધારી શકાય, નિયંત્રણમાં લઈ શકાય? નિર્મૂલન કરી શકાય?
અરીસામાં જોઈને આપણે આપણા મુખ પરના ડાઘ જોઈ શકીએ છીએ અને તેને દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ તેવી જ રીતે :-
૧) આપણે અંતર્મુખ થઈને અંતરના અરીસામાં નિયમિત નજર નાખતા રહેવું જોઈએ. એકાંતમાં બેસીને આત્મનિરીક્ષણ કરતા રહીને વિકારોના એક બુંદને પણ શોધી કાઢીને નિર્મૂલન કરવાનો સંકલ્પ કરવો જોઈએ. વિકારોનું અવલોકન, સમજણ કેળવવી અને પુરૂષાર્થ કરી તેને જીતવાનો પ્રયત્ન કરવો.
૨) દુર્ગુણોના વિષને દૂર કરવાનો બીજો એક આયામ છે સત્સંગ. સદગુરૂનું શરણ, સત્સંગથી મનના વિચારોમાં પરિવર્તન લાવી શકાય, સદગુણોનો વ્યાપ વધારતા રહેવા માટે શરૂઆતમાં વ્રત, નિયમ, સંકલ્પ, પ્રાર્થનાનો સહારો લઈ શકાય.
૩) સદગુણોને વધારવા માટે સદગુરૂ, સંતો, સજ્જનો, ઇષ્ટદેવની છબી સામે બેસીને નિયમિત રીતે એક એક છબી સામે રાખીને તેમનામાં રહેલા વિશિષ્ટ ગુણો, શક્તિ, સામર્થ્યને પોતાના તરફ વહાવવા માટે પ્રાર્થના કરવાની, આશીર્વાદ લેવાના. મહાપુરૂષોના સૂક્ષ્મ અસ્તિત્વ સાથે વાર્તાલાપ કરતા રહેવાનું. વિનમ્રભાવે તેમની વિશિષ્ટતા પ્રદાન કરવા, પ્રાર્થના કરતા રહેવાથી આપણામાં સદગુણોનો વ્યાપ વધે અને તેમની પરમકૃપા આપણા ઉપર વરસતી રહે.
સમયાંતરે સ્વમૂલ્યાંકન કરીને આપણા આંતર મનનું નિરીક્ષણ કરતા રહેવું જોઈએ. મન વિશુદ્ધ બની રહ્યું હોય તો, આપણા વ્યક્તિત્વમાં, આપણી જીવંત તસ્વીરમાં, આપણા સ્વભાવમાં, સાત્વિક, શુદ્ધ, સરળ, સદગુણી આભા વર્તાવવા લાગશે.
આપણા વાણી, વર્તન, વ્યવહારમાં વિવેકનું દર્શન થતું રહેશે.
પછી તો એવી પરિસ્થિતિ નિર્માણ કરી શકાય કે કોઈ વ્યક્તિ વિકારોનું બાણ વર્ષાવી આપણને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે તો પણ આપણે સંયમ દાખવી તેના માટે પ્રાર્થના કરી, ક્ષમાનો, પ્રેમનો ભાવ દર્શાવી તેના વિકારોનો પ્રતિસાદ ન આપીએ. મૌન રહીને વાતાવરણ બદલી નાખીએ.
અન્યના મનનો કચરો આપણા મનમાં ભરવાનો પ્રયત્ન કરવો નહીં. આપણા મનને વિશુદ્ધ રાખવાનું અને જીવનના ધ્યેય-લક્ષ્ય પ્રતિ ગતિ કરતા રહેવાનું જેથી પરમાત્માની કૃપાશિષ સદાય મળતી રહે.