તા. ૫-૯-૧૯૭૬ રવિવારની મધ્યરાત્રિ મારા જીવનનું પ્રથમ દિવ્ય વાસ્તવિક સંભારણું બની ગયું. મારા જીવનને મઠારવાનું કાર્ય તો માતાજીએ જાન્યુઆરી ૧૯૩૨થી જ મારી વ્હાલી જનેતાના ગર્ભમાંથી જ શરૂ કરી દીધું હતું.
ગર્ભાવસ્થામાંથી જ મારા જીવનની દિશા કંડારી રાખી હશે. પિતાજી (પૂ. બાપુલાલ)ના ક્રાંતિકારી કદમે પરસનબાને (માતુશ્રીને) બીરપુર છોડી ગોધરા ગર્ભવતી દશામાં જ આવવું પડ્યું. રણછોડજીના ઓટલે પ્રથમ વિસામો લીધો. પરમનું શરણ મારા જીવનની દિશા કંડારાઈ ગઈ.
જન્મથી પ્રતિવર્ષે અને અનુકૂળતાઓ જરૂર જણાઈ હશે ત્યારે પરમ શક્તિ સ્વરૂપા મા ભગવતીએ મારા જીવનને વાત્સલ્યથી, અમૃતપાનથી, તેમજ વિવિધ રીતે શણગાર્યું છે, મારા જીવનના ઉદ્દેશ્યને સાર્થક કરવા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સાત્વિક કેડી કંડારી આપી છે અને એ કેડી પર ચાલવાની પ્રેરણા, ક્ષમતા, સરળતા માતાજીએ કરી આપી છે. આ સાત્વિક કેડીને રાજમાર્ગ બનાવવાનું દિશા સૂચન પણ માતાજીએ જ કર્યું છે.
વ્હાલા આત્મીયજનો, આપે આપના જીવનની દિશા નક્કી કરી છે ? આપણા જીવનમાં બે જ દિશા છે.
૧. એક પરમની દિવ્યતા તરફ જવાની.
૨. બીજી માયાના મહાસાગરમાં મહાલવાની.
૩. ત્રીજી પણ દિશા છે જે અધવચ્ચે અટકાવે છે.
આપણા અમૂલ્ય માનવ જીવનનો ઉદ્દેશ્ય સાર્થક થાય તેવો પ્રયત્ન આપણે કરવો જોઈએ.
પરમની દિવ્યતાને લક્ષ્યમાં રાખીને દિશા નક્કી કરી અને પ્રયાણ કરવું તે સદ્ઉપયોગ કહેવાય. માયાના મહાસાગરમાં મહાલવાનું નક્કી કરી પરમની પ્રાપ્તિની વિરુદ્ધ દિશામાં જીવનને ગતિ આપવી તે જીવનનો દુર્વ્યય કહેવાય.
પરમની દિવ્યતા તરફ ગતિ કરવા માટે આપણે શું કરીએ ?
૧. પરમનું નિવાસસ્થાન એવા આપણા હૃદય મંદિરને જ ઉપાસના સ્થાન બનાવીએ.
૨. નિયમિત રીતે આ હૃદય મંદિરમાં પ્રવેશવાનો સમય નક્કી કરી મંત્રજાપ, પ્રાર્થના, ધ્યાન, સ્વાધ્યાય દ્વારા મન અને ઈન્દ્રિયોને હૃદય મંદિરની દિશામાં ગતિ કરાવવાની. આપણું હૃદય મંદિર સર્વોત્તમ સાધના સ્થળ છે. પરમશક્તિનું સાનિધ્ય, પ્રેરણા, માર્ગદર્શન, તેમજ સાત્વિક ઉર્જા મેળવવાનું અતિ સુંદર સ્થાન છે.
ગીતામાં પરમાત્મા અર્જુનજીને કહે છે કે “મન્મના ભવતું” મારામાં મનવાળો થા. તારા મન અને જીવનને મારા મય બનાવી દે. આપણું મન-જીવન જ્યારે સમસ્યાઓથી ઘેરાઈ જાય, અકળાઈ જાય, દિશાચ્યુત થવા પ્રયત્ન કરે ત્યારે હૃદય મંદિરમાં બિરાજેલ પરમશક્તિના શરણે જઈ તેમનામાં મનને જોડી દેવું. પરમના વચનને મારામાં મન પરોવ, મારા આશીર્વાદથી, કૃપાથી તમામ અવરોધો શમી જશે.
હૃદય મંદિરમાંથી જે પ્રેરણા મળે, પ્રકાશ મળે તેના સહારે પરમના પંથે આગળ વધવાનું છે. જીવનનો આધ્યાત્મિક વિકાસ કરવાનો છે.
પરમની દિવ્ય ચેતના આપણી આત્મ ચેતનાને ઝંકૃત કરશે, દિવ્યતા પ્રદાન કરશે. આંતર બાહ્ય વિકાસ કરશે.
આપણે આપણા તમસને જડતાને નિર્મૂળ કરવાનાં છે. આપણે પરમની તારનારી શક્તિને જ અપનાવવાની છે.
વ્હાલા બાળકો,
૧. શ્રદ્ધામય જીવન જીવવાનો આગ્રહ રાખો.
૨. જીવનનો પ્રત્યેક શ્વાસ આત્મિક વિકાસ માટે જ ભરીએ.
૩. જીવનના મર્મને સમજીએ, પરમના દિવ્ય સ્વર્ગીય વાતાવરણને આત્મસાત્ કરવામાં જ આપણા જીવનની ગતિને સતત દિશાસૂચન કરતા રહીએ.
બીજી એક સરળ રીત બતાવું જે આપના જીવનને અને જીવનયાત્રાની પ્રત્યેક પળને દિવ્યતાથી ભરી દેશે.
રાજગીતાના અઢાર તત્વોમાંથી ક્રમશઃ એક એક તત્વનું જીવનમાં આત્મસાત્ કરવા માટે, આચરણ કરવા માટે એક મહિના માટે વ્રત લો. દોઢ વર્ષમાં આપના વ્રતના તપથી અઢાર તત્વો આપના જીવનના અભિન્ન અંગો, આદત બની જશે. આપના વ્યક્તિત્વમાં દિવ્યતા પ્રસરી જશે. દિવ્ય તેજોવલયથી આપનું અસ્તિત્વ અને વ્યક્તિત્વ શોભી ઉઠશે. સાચી દિશાને પકડો, સફળતા આપના જીવનને સુખ શાંતિથી સભર કરી દેશે.