વ્હાલા આત્મીયજનો,
આજે આ શરીરની જીવનયાત્રા જીવનના ૮૩ વર્ષ પૂર્ણ કરી ૮૪ માં વર્ષમાં પ્રવેશી રહી છે. દિવ્ય માતાજીના અમૃતરસથી સિંચાયેલાં, પોષાયેલાં આ શરીરના પંચમહાભૂતો સક્ષમ અને તંદુરસ્ત છે. માના વાત્સલ્યની વર્ષાથી જીવનમાં સદાય તાજગી, આનંદ વર્તાય છે.
મારું સમસ્ત અસ્તિત્વ ‘મા’ મય બની ગયું છે એટલે વર્ષોની થપ્પીઓ મને અસર કરી શકતી નથી.
સેવાયજ્ઞના ૩૯ વર્ષ પૂરા થયાં, ચાલીસમાં વર્ષમાં આજે પ્રવેશ થયો. આજના દિવસને આપણે “માનવતા દિન” તરીકે મનાવીએ છીએ. માતાજી પાસે મેં “માનવ બંધુઓની સેવા માંગી”. માતાજીની પ્રેરણા, માર્ગદર્શન અને અગોચર સહાયથી સેવાની સરિતા અવિરત વહેતી રહી છે. વળી સેવાના આયુધો પણ માતાજીની પ્રેરણાનાં જ દ્યોતક છે.
મેં મારા માનવબંધુઓને માનવતાના મહારથી બનાવવા મારો હાથ મેં હંમેશા લંબાવ્યો જ છે. મારો બીજો હાથ માતાજીના હાથમાં રાખ્યો છે. માતાજીનું દિવ્ય શક્તિ પ્રદાન સદાય થતું રહે છે.
ખલિલ જિબ્રાને કહ્યું છે કે, “મને એવો માણસ જોઈએ છે કે જેના વિચારો આભના તારલા સાથે ગોષ્ટિ કરતા હોય, રમતા હોય.” માણસના વિચારો ઉન્નત હોવા જોઈએ, ભવ્ય હોવા જોઈએ. માણસની અંદર છુપાયેલો ખરો માણસ પ્રગટે ક્યારે? કઈ રીતે પ્રગટે?
એક મહાન જીવ, એક દિવ્ય ચૈતન્ય આપણા મનમંદીરના દરવાજા ખખડાવી રહ્યું છે. આપણે આપણા મનમંદીરના દરવાજા ખોલવાના છે. માણસાઈના અસંખ્ય દીવાની રોશની આપણાં મનમંદીરને ઝળહળતું કરવા તૈયાર જ છે.
ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે,
આત્માથી આત્માનો ઉધ્ધાર કરવો.
આપણા ઉધ્ધાર માટે આપણે સ્વાવલંબી બનવાનું છે. અન્યને મદદ કરવાની સાથે સાથે આપણે આપણો ઉધ્ધાર કરવાનો છે.
સાંપ્રત સમયમાં વિશ્વમાં આતંકવાદ, અરાજકતા, અનૈતિકતા, અન્યાય, અસત્ય જેવા દુષિત, નકારાત્મક પરિબળોનો વ્યાપ વધી ગયો છે. ‘પાપડી ભેગી ઈયળ બફાય’ ઉક્તિ અનુસાર સાચા, સાત્વિક, સજ્જનો માણસો રહેસાઈ રહ્યાં છે.
સાચા, સાત્વિક માણસોની જમાત વિકસાવવી હશે તો આપણે આદાન-પ્રદાન નો નિયમ અપનાવવો પડશે. ‘ટીપે ટીપે સરોવર ભરાય’ ઉક્તિ અનુસાર આપણે આપણા બે હાથનો ઉપયોગ કરવાનો છે. પહાડ પર ચઢતી વખતે આપણે આપણા એક હાથથી નીચે ઢોળાવ પર ઉભેલા માણસનો હાથ પકડી ઉપર ખેંચવાનો છે. આપણાથી આગળ વધેલા માણસનો હાથ પકડીને આપણે ઉપર ચઢવાનું છે. જ્ઞાન, બુધ્ધિ, શક્તિ, સંપત્તિથી નબળી વ્યક્તિને આપણી શક્તિ અનુસાર આપણે મદદનો હાથ લંબાવીને ઉપર ઉઠાવવાની છે. આપણે આપણો વિકાસ પણ સાધતા રેહવાનું છે એટલે જ્ઞાન, બુધ્ધિ, શક્તિ, સંપત્તિમાં આગળ વધેલા માણસોનો સાથ સહકાર લઈને આપણે આગળ વધવાનું છે. કોઈની ઈર્ષ્યા કરવી કે પગ ખેંચવો, સ્વાર્થભાવ વિગેરે નિમ્ન વિચારોને મનમાં પ્રવેશ ન આપીએ. આદાન-પ્રદાનની પ્રક્રિયાથી જ આપણે સાચા માણસ બની શકીએ. સાત્વિક સમાજનું નિર્માણ કરી શકીએ, વિકાસ કરી શકીએ અને વિશ્વબંધુત્વની ભાવનાને ચરિતાર્થ કરી શકીએ.
આપણી શિક્ષણ પ્રણાલીમાં આમૂલ પરિવર્તન લાવવાની જરૂર છે. બાળકને સાચો, સજ્જન માણસ બનાવવા માટે તેના સર્વાંગી વિકાસ માટે જરૂરી વાતાવરણ, સંસ્કારી શિક્ષકોની આવશ્યકતા રહે. વૈદિક સંસ્કૃતિના ગુરૂકુળો જેવી વ્યવસ્થા હોય તો બાળકના માનસિક, આત્મિક અને શારીરિક વિકાસ સારી રીતે થઇ શકે. બાળમાનસમાં સાચા માણસનું, મહાન માણસનું, દેવમાણસ બનવાનું બીજારોપણ કરી શકાય.
સાંપ્રત સમયમાં આપણે જ્યાં છીએ ત્યાંથી સાચા માણસ, મહામાનવ, દેવ માનવ બનવાનો પુરૂષાર્થ કરતા રહીએ, સાત્વિક સમાજ નિર્માણમાં, વિશ્વબંધુત્વમાંની ભાવના પ્રસરાવવામાં આપણે આદાન પ્રદાન નો નિયમ જીવનમાં અપનાવતા રહીએ.
એક લોક કથા છે. ધનુ અને મનુ નામના બે માણસો તપ કરી એક દેવને પ્રસન્ન કરે છે. દેવ પ્રસન્ન થાય છે અને ધનુને માંગવાનું કહે છે. “માંગ, માંગ, માંગે તે આપું.”
ધનુ કહે: “મને દરેક પ્રકારના ધન વૈભવ, પદ, પ્રતિષ્ઠા, સુખ-સંપત્તિ આપો.”
“મૂર્ખરાજ, તથાસ્તુ” કહી ધનુની ઈચ્છા દેવે પૂરી કરી.
દેવે મનુને કહ્યું, “વરદાન માંગ, માંગે તે આપું”.
મનુ કહે, “ભગવન મને માણસ બનાવો.” “અલ્યા તું માણસ તો છે !” દેવે કહ્યું. “પ્રભુ, મને સાચો માણસ બનાવો, માનવતાના ગુણોથી સભર માણસ બનાવો. માનવતાના આ ગુણો મારામાં ભરી દો તેવી પ્રાર્થના છે.” દેવ પ્રસન્ન થયા.
મનુ કહે, પ્રભુ મને,
વિવેક, વિનય, વિનમ્રતા આપો,
સાદાઈ, સરળતા, સમતા આપો.
પુરૂષાર્થ, પ્રમાણિકતા, પ્રેમાળ વર્તન, સ્વભાવ આપો. સદગુણોથી સભર કરો, દુર્ગુણોને વિદારો.
સેવા, શ્રધ્ધા, શરણાગતિનો ભાવ સદાય જાગૃત રાખો. સદાય પરમનું શરણ રહે તેવો વ્યવહાર આપો. વાણી, વર્તન, વ્યવહારની ઐક્યતા, એકરૂપતા આપો. સંસારમાં માનવતાને મહેંકાવતો રહું તેવું તન-મનનું આરોગ્ય આપો.
દેવ કહે, “તું બુધ્ધિમાન છે, તારો જય થાવ”, “તથાસ્તુ” કહી દેવ અંતર્ધ્યાન થયા. વ્હાલા બાળકો, સાચા માનવ, મહામાનવ બનવાના આપના પુરૂષાર્થ માટે આશીર્વાદ.