શિવ પરમાત્માના વ્હાલા બાળકો,
શિવરાત્રીના પાવન પ્રસંગે આપ સર્વે આત્મિયજનો શિવમય બની રહો. શિવત્વને જીવનમાં આત્મસાત કરી જીવનને કલ્યાણકારી બનાવીએ.
આપણા આરાધ્યદેવોના સાકાર સ્વરૂપો, આયુધો, અલંકારો, વાહનો તેમજ વ્યક્તિત્વમાંથી આપણને કંઈક ને કંઈક જીવનમાં અપનાવવા જેવી શીખ હોય છે.
શિવ પરમાત્મા ત્રિનેત્રધારી કહેવાય છે. આ ત્રિનેત્રનું રહસ્ય શું છે ?
(૧) શિવજીની એક આંખમાં સૂર્યતત્વ છે.
આ સૂર્યતત્વ દ્વારા સૂર્યના ગુણો અને ઐશ્વર્યની શીખ સમાયેલી છે. સૂર્ય શિસ્તપાલન, નિયમિતતા, કર્મ પ્રધાનતાની સાથે કર્મયોગ, જીવનસૃષ્ટિમાં આનંદ, ઉત્સાહ અને પ્રસન્નતા ભરી દે છે. જડ ચેતન સૃષ્ટિમાં નવસર્જન, વિસર્જન અને વિકાસની ગતિનું સંચાલન થયા કરે છે.
(૨) શિવજીની બીજા આંખમાં ચંદ્રતત્વ છે.
આ ચંદ્રતત્વ દ્વારા જડચેતન સૃષ્ટિમાં શીતળતા, આહ્લાદકતા, પ્રસન્નતા પ્રસરાવે છે. ચંદ્રની વધતી, ઘટતી કળાને સહજભાવે અપનાવવાની અને સમતાભાવ રાખવાની શીખ છે. પૂર્ણ કળાથી શોભતા ચંદ્રમાં શીતળતા અને નમ્રતાનો ભાવ છે. ચંદ્ર કર્મ પ્રધાન, કર્મયોગી છે. નિયમિતતા, શિસ્તપાલન, પોષણકર્તાના ગુણો વિદ્યમાન છે.
(૩) શિવજીની ત્રીજા આંખ આજ્ઞાચક્રમાં સૂક્ષ્મરૂપે રહેલી છે.
ભાલ પ્રદેશમાં બે ભ્રૂકુટિની મધ્યમાં એનું સ્થાન છે. આ ત્રીજી આંખ સાત્વિક જ્ઞાનનું પ્રતિક છે. વિવેકની જાગૃતિ અને વિકાસ, વૃધ્ધિ સાત્વિક જ્ઞાન દ્વારા જ શક્ય બને છે. ઉપાસના, મંત્રજાપ, ધ્યાન, સત્સંગ, સ્વાધ્યાય, જપ, તપ દ્વારા તેને સમજી શકાય છે. કાર્યાન્વિત કરી શકાય છે.
આપણી પાસે પણ પરમાત્માએ ત્રણ આંખો આપેલી જ છે. મુખારવિંદ પર શોભતા બે ચક્ષુ અને આજ્ઞાચક્રમાં રહેલી જ્ઞાન – વિવેકની આંખ.
શિસ્તપાલન, નિયમિતતા, કર્મયોગ, શીતળતા, પ્રસન્નતાના ગુણો આત્મસાત કરીએ, જીવનની વિષમતારૂપી વિષને પચાવી લઈએ. સ્વ અને સમષ્ટિના શ્રેય માટે પ્રેમનો પ્રકાશ પાથરીએ. જ્ઞાન ચક્ષુને ધ્યાન, જપ, તપ, પ્રાર્થના દ્વારા કાર્યાન્વિત કરીએ. જીવન વ્યવહારમાં વિવેકનો વિકાસ કરીએ. આપણા વાણી, વર્તન, વ્યવહારમાં વિવેક, સકારાત્મકતા દાખવીએ. આપણા અને અન્યના જીવનમાં શાંતિનો, સહૃદયતાનો શિતળ પ્રકાશ પાથરીએ. આપ સર્વે શિવતત્વને આત્મસાત કરી જીવનને ધન્ય બનાવો.
ૐ નમઃ શિવાય.