જીવન એક અનંત યાત્રા છે.

આપણું માનવ જીવન પરમાત્માનુ હેતુપૂર્વકનું આયોજન છે. એની ઈચ્છા મુજબ જ જીવનનો ‘રોડમેપ’ તૈયાર થાય છે. આપણા પ્રથમ શ્વાસ (જન્મ) થી જીવનના અંતિમ શ્વાસ (મૃત્યુ) સુધીનું આયોજન આપણા  પ્રારબ્ધ અનુસાર નક્કી થયેલું હોય છે.

પરમાત્માના આયોજનને વશવર્તીને આપણે સાત્વિક, સકારાત્મક, સંવેદનશીલ જીવન જીવવાનો પ્રયત્ન કરીએ તો પરમાત્માની કૃપાશિષના અધિકારી બની શકીએ. પરમાત્માની ઈચ્છા ને જ સર્વોપરી સમજીને પ્રભુનિષ્ઠા અને જીવનનિષ્ઠા બરાબર સમજીએ તો પરમના પ્યારા બાળક બની શકીએ.

આપણું જીવન એ પરમાત્માનો પ્રકાશ છે, પરમની ચેતનાનું એક કિરણ છે. રામકૃષ્ણ પરમહંસજી કહેતા કે, ” આ જીવન તો અનંતતાનો એક અંશ છે.” આત્માને નથી જીવન કે મરણ. શરીર અસ્વસ્થ છે, આત્મા તો સ્વસ્થ જ છે.

જીવન પવિત્ર તત્વ છે. એનો સર્વોત્તમ ઉપયોગ થવો જોઈએ. શરીર રથ-મંદિરની સ્વસ્થતા, સ્વચ્છતા એ આત્માની અને જીવનની પૂજા છે. શરીર સુદ્રઢ હશે તો યોગ્ય કાર્યો કરી શકીશું. જીવનની ચેતનાને પ્રગટાવનારાં સત્કર્મો કરી જીવન અને મૃત્યુને મહેકાવી શકીએ.

સાત્વિક અને સકારાત્મક જીવન જ સાચું જીવન છે.માત્ર શ્વાસની આવન જાવન જ જીવનનું અંતિમ લક્ષ્ય નથી. જે જીવનને શાંતિ આપે, અંતરને સંતૃપ્ત કરે, આત્માનું ઉત્થાન કરે અને જીવનને સાત્વિકતાથી સંતૃપ્ત કરે તે જ સાચું પૂજન.  જીવન એક અનંત યાત્રા છે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી