વિવેક નો દીપ પ્રગટાવીએ

માનવજીવન સુખ, શાંતિ, સંતોષ અને સંયમ ના સ્વસ્તિક થી સજાવવું, શણગારવું હોય – તો વિવેકનો દીપ હંમેશા પ્રજ્વલિત રાખવો પડે.  વિવેક એટલે સારા નરસાનો વિચાર કરવો, સમજ કેળવી અને વિવેકયુક્ત વાણી, વર્તન, વ્યવહારનું આચરણ કરવું.

સુભાષિત છે કે,
વિવેક ભ્રષ્ટ।નાંમ ભવતિ વિનિપાત: શતમુખેન
(विवेक भ्रष्टानाम भवति विनिपात: शतमुखेन)

જીવનમાં વિવેક ચુક્યા તો વિનિપાત, શોક, દુઃખ, પ્રશ્ચાતાપ નિશ્ચિત છે.
સદ્દગુણો નો સરદાર વિવેક છે. જીવનમાં વિવેક અગ્ર સ્થાને હોય તેને જીવનમાં સફળતા, સહકાર, સદ્ભાવ મળી જ રહે છે.

આપણી તન, મન, ધનની ક્ષમતા અનુસાર તપ, ભક્તિ, દાન, દયા ના ક્ષેત્રમાં વિનિયોગ કરવો.
અહમ, સ્વાર્થ, ઉતાવળાપણું વિગેરે દુર્ગુણોથી વિવેકનો દીપક બુઝાઈ ન જાય તેનું ધ્યાન હંમેશા રાખવું જોઈએ. ધીરજ અને સંયમના અભાવે ખોટું વેતરાઈ જાય છે. અને પછી પસ્તાવાનો વારો આવે છે.

સમૂહમાં વાર્તાલાપ થતો હોય તો શાંતિથી સાંભળવું. જરૂર જણાય અને પૂછવામાં આવે તો જ અને ત્યારે જ અભિપ્રાય આપવો.

“વાણીમાં વિવેક દાખવવો.”

કોઈ પણ કાર્યનો આરંભ કરતી વખતે પરિણામનો વિચાર કરીને, વિવેકને ગરણે ગાળીને કરવામાં આવે તો સફળતા મળે જ.
સાત્વિક, સકારાત્મક, સદ્દગુણો ના સથવારે જ વિવેકનું વાવેતર કરીએ તો અમૃત રસ સભર પરિણામ મેળવી શકાય.

જીવન દરમ્યાન સુખ, શાંતિ, સંયમ અને સંતોષનો અનુભવ કરવા માટે વિવેકયુક્ત વ્યવહાર આચરવો જરૂરી છે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી