વ્હાલા આત્મીયજનો,
ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે આપ સર્વે પ્યારા પ્રેમી પારેવાના ઉત્સાહને, પ્રસન્નતાને, હૃદયના ભાવને હું આવકારું છું. આપ સર્વે સદાય પ્રસન્ન રહો અને પ્રસન્નતાથી પ્રેમને પ્રસરાવતાં રહો.
એકવાર નારદજીએ ભગવાનને કહ્યું કે, “પ્રભુ આપ માનવજાતના માલિક છો, આપે આ માનવજાતને હુકમ કરવો જોઈએ કે બધીજ માનવજાત તમારા શરણે આવી જાય; કારણકે સમસ્ત માનવજાત અને સૃષ્ટીની રચના આપે જ તો કરી છે.”
ભગવાન કહે, “નારદજી, એમ ના ચાલે. માણસે જાતે જ એનો નિર્ણય કરવો પડે, સમર્પણ તો સ્વૈચ્છિક હોય, તેમાં બળજબરી ના ચાલે, સલાહ આપી શકાય, ધ્યાન દોરી શકાય, પરંતુ ફરજ પાડી શકાય નહિં. જયારે પણ સમર્પણમાં બળજબરી થાય ત્યારે તેનો મૂળ અર્થ, ભાવ માર્યો જાય. હૃદયમાં પ્રેમભાવ પ્રગટે ત્યારે જ સમર્પણનું પવિત્ર ઝરણું વહેવા લાગે. સમર્પણનો ભાવ તો અંતરના ઊંડાણમાંથી જ ઉદ્ભવે તો જ તેનું મૂલ્ય છે. સમર્પણ પૂર્ણ શ્રધ્ધા હોય તો જ ઉદ્ભવે. અહમનું વિસર્જન થાય ત્યારે જ સમર્પણનો સૂરજ પ્રકાશે.”
જો આપણે આપણા જીવનના સ્વામી હોઈએ તો આપણે જ આપણી જાત માટે જવાબદાર ગણાઈએ. હોદ્દો આપણે સંભાળીએ અને જવાબદારી બીજાના માથે ઠોકી બેસાડીએ એ કેમ ચાલે ?
સમર્પણ ભાવ ત્યારે જ જાગે જયારે આપણા જીવનમાં સેવા, ભક્તિ અને સ્મરણનો ત્રિવેણીસંગમ રચાય. આપણા ઇષ્ટદેવ-પરમાત્માને આપણા જીવનની પ્રત્યેક ગતિવિધિમાં કેન્દ્રસ્થાને રાખીને જ જીવન જીવાય તો જ આપણો સંપૂર્ણ વિકાસ, સંપૂર્ણ ઉધ્ધાર શક્ય બને, આપણા જીવનમાં પરમાત્માની પૂર્ણ સત્તાનો સ્વીકાર કરવો આવશ્યક અને અનિવાર્ય છે. નામી અનામી એવા કેટલાયે ભક્તોએ, મહાનુભાવોએ પોતાનું જીવન પરમને શરણે સમર્પિત કરી દીધું છે. ભક્તના અસ્તિત્વમાં રહેલી અચળ શાંતિનું રહસ્ય તેના અંતરમાં વહેતી ભક્તિની ભાગિરથીનું જ પ્રતિબિંબ છે.
નરસિંહ મહેતાને પૂછવામાં આવ્યું કે “આપે આપના વ્યવહારિક, સામાજિક પ્રસંગો, પ્રશ્નો ઉકેલવાના છે અને આપ આટલી શાંતિ, ધીરજ કેવી રીતે રાખી શકો છો ?”
જવાબમાં મહેતાજી શું કહે છે ! “ભાઈ મેં મારાપણું રાખ્યું જ નથી. “હું પદ”ના શસ્ત્રો મેં હેઠા મૂકી દીધા છે. મારા પ્રભુએ જ બધું કરવાનું છે”. પરમાત્માએ સદેહે આવીને સમર્પિત ભક્તબાળના બધા જ પ્રસંગો ઉત્તમ રીતે ઉકેલી આપ્યા. પોતાના બાળ ભક્તની લાજ રાખી, માન બઢાવ્યું. સમર્પણ ખરેખર અનન્ય સમર્પણ માંગી લે છે.
પરમાત્માની વેદી ઉપર આપણે આપણા જીવનને સમર્પણનું સમિધ બનાવી દઈએ. આપણી ઈચ્છાશક્તિ, નિર્ણયશક્તિ અને સમજશક્તિ પરમના ચરણમાં અર્પિત કરી દઈએ અને પરમની પ્રેરણા, માર્ગદર્શન અનુસાર પુરુષાર્થ કરી, યશની કલગી પરમના શિર પર રાખીએ તો આપણા અહમ્ ને પાંગરવાનો કોઈ અવકાશ જ ન રહે.
“તેરા તુજકો અર્પણ
ક્યા લાગે મેરા ?”
ત્યાગીને ભોગવી જાણો એવો ઉપનિષદનો ઉપદેશ આપણને સમર્પિત જીવન માટે પ્રેરિત કરે છે.
કુરુક્ષેત્રના મેદાનમાં વિષાદગ્રસ્ત અર્જુનની માનસિક વિહવળતા વધી જાય છે, ગાંડીવ ધનુષ્ય નીચે મૂકી દે છે. પોતાના જ સ્વજનો, વડીલો, ગુરુજનોને મારવાનું પાપ કરવાનું તે વિચારી શકતો નથી, યુધ્ધ ન કરવાનો નિર્ણય પોતાના સખા – સારથી શ્રીકૃષ્ણજી ને જણાવે છે.
શ્રીકૃષ્ણજી ગીતાજ્ઞાન દ્વારા પ્રિય ભક્ત – સખા અર્જુનના વિષાદયોગને કર્મયોગમાં પરિવર્તિત કરે છે. અર્જુનજીમાં સમર્પણભાવ જાગૃત થાય છે અને કહેવું પડે છે કે
“મારો મોહ દૂર થઈ ગયો છે
હું આપના વચનને અનુસરીશ”
અને ધર્મયુધ્ધ કરવા તૈયાર થાય છે, અને વિજયને વરે છે.
આપણી જીવનયાત્રા દરમિયાન આપણે સમયની નાવમાં બેઠાં છીએ. આપણી નાવના નાવિક – નાખુદા સ્વયમ્ પરમાત્મા છે, સંસારની જવાબદારીઓનો ભાર – ચિંતા આપણે શા માટે કરવાની? અનાસક્ત ભાવે ફરજ બજાવવાની. સંસારની નાવમાં બેઠા પછી, સંપૂર્ણ સમર્પણ ભાવથી આપણું સર્વસ્વ પરમ નાવિકના હાથમાં સોંપી દીધા પછી આપણે નિશ્ચિંત થઈ જવું જોઈએ. જો ચિંતા થાય તો સમજવું કે આપણને આપણા દિવ્ય પરમ નાવિક પર વિશ્વાસ નથી. આપણે સંપૂર્ણ સમર્પિત થયા નથી. આપણી વાતો અને વ્યવહારમાં એકરૂપતા નથી. આપણી શ્રધ્ધા વિભાજીત છે.
આપણું સમસ્ત અસ્તિત્વ સત્ય, પ્રેમ, કરુણા અને સેવાના સથવારે જ ગતિ કરવું જોઈએ. સમર્પિત જીવનજ પરમની કૃપાનું અધિકારી બની શકે.
પરમની કૃપાશિષ અને આનંદનો અનુભવ કરવા માટે મનને સકારાત્મકતાથી સભર કરવું જોઈએ. વર્તમાન જીવનનો સદંતર ત્યાગ કરવાની જરૂર નથી. સંસારના સર્વધર્મો, ફરજો નિભાવવા છતાંય વિરક્તભાવ રાખી, સંસારમાં આપણે જે પોઝીશનમાં હોઈએ ત્યાંથી જ આપણે સમર્પણયુક્ત જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન કરવાથી પરમની પ્રેરણા મળી રહે છે.
મારા આપ સર્વેને આશીર્વાદ છે.