વ્હાલા આત્મીયજનો,
ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે આપ સર્વેના પ્રેમાળ જીવનમાં પૂર્ણિમાનો શીતળ પ્રકાશ આપના હૃદયાકાશમાં સદાય પ્રસન્નતા પ્રસરાવતો રહે, આપની ચેતનાને સદાય ઝંકૃત કરતો રહે, આપ સર્વેને આપની આધ્યાત્મિક આકાંક્ષાઓ, અપેક્ષાઓ પરિપૂર્ણ કરવાની સાત્વિક શક્તિ મળતી રહે, પરમની પ્રેરણા સદાય મળતી રહે, તેવા આશીર્વાદ સહ પરમશક્તિ મા ભગવતીને પ્રાર્થના.
આપનું જીવન સત્ય, પ્રેમ અને કરુણાના માહોલમાં જ સદાય ગતિ કરતું રહે, આપનો આધ્યાત્મિક ઉત્કર્ષ થાય, આપનું વર્તમાન જીવન સુખ, શાંતિ અને સંતોષથી અલંકૃત બની રહે તેવો પ્રયત્ન શ્રધ્ધાળુ ભાવિકો માટે હું કરતો રહું છું.
પાપ કર્મ મુક્તિ કવચ, આધ્યાત્મિક કવચ, સાત્વિક ધન સંપત્તિ અને સ્વસ્થ જીવન માટે મેં ઘણા પ્રયોગો અને પ્રસાદી પ્રદાન કર્યા છે. આપનું ભૌતિક અને આધ્યાત્મિક જીવન સમૃધ્ધ બને, આપનું કર્મ ધર્મમય બને તેવું વાતાવરણ, ઉપાસના, સત્સંગ સ્વાધ્યાય, સેવા અને સાત્વિકતાથી સભર બને તેવો પ્રયત્ન આપે કરવો જ પડશે.
છેલ્લા ૪૩ વર્ષોથી આપણે આધ્યાત્મિક પંથે ગતિ કરી રહ્યા છીએ. આપણો ધાર્મિક અને આધ્યાત્મિક વિકાસ કેટલો થયો તેનું મૂલ્યાંકન, આકલન દરેક ભાવિકે પોતાની રીતે જ કરવું પડશે.
આપણા વાણી વર્તન વ્યવહારમાં સકારાત્મક પરિવર્તન આવવું જ જોઈએ. વિવેકની જાગૃતિ સદાય રહેવી જોઈએ. સદગુણોનો વ્યાપ વધવો જ જોઈએ.
વર્ષોથી પોતાની જીવનયાત્રાને આધ્યાત્મિક વહેણમાં ગતિ કરાવી રહ્યા છે. તેવા મારા વ્હાલા ભાવિકો, આપ સ્વાશ્રયી બનો, પરમની કૃપા અને સદગુરૂજીના આશીર્વાદના હાર્દને સમજો, મહામૂલી આધ્યાત્મિક સંપત્તિ સમજીને તેનું સદાય સ્મરણ કરતા રહો.
કેટલાક યુવાન અને નવા ભાવિકોને પોતાની જીવનયાત્રાને આધ્યાત્મિક યાત્રાના વહેણમાં જોડવાની ઈચ્છા થાય છે. પરંતુ સૂક્ષ્મ શરીરના- મન, બુધ્ધિ, ઇન્દ્રિયોના વિવાદમાં ફસાય છે. નિર્ણય કરી શકતી નથી.
આપની વર્તમાન જીવનશૈલી, યંત્રયુગ અને ઇલેક્ટ્રોનીક મીડિયાનો પ્રભાવ, આપની સાત્વિક ઈચ્છાને અવરોધે ત્યારે તટસ્થભાવે આપના વિવેકને જાગૃત કરજો અને આધ્યાત્મિક પંથના પ્રવાસી બનવા સંકલ્પબધ્ધ બનજો.
આધ્યાત્મિક પંથનું પ્રથમ સોપાન છે ધર્મ. આપણી ફરજ એજ આપણો ધર્મ. નીતિ, નિષ્ઠા અને નૈતિકતા એ ધર્મનો પાયો છે. આપણું સાત્વિક આચરણ જ આપણને ધર્મનો મર્મ સમજાવે છે. સદાચાર, પવિત્રતા અને ઐક્યતાનો પાયો ધર્મ છે.
જીવનમાં ધર્મનું આચરણ કરશો તો સાચા સદ્ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થશે. સત્સંગથી ધર્મનો પાયો વધુ મજબૂત થશે. આધ્યાત્મિકતાનો ઉદય થશે.
જીવનમાં માતાપિતા અને સદ્ગુરુ આપણા જીવનનું ઘડતર અને ચણતર કરે છે. આપણા માતાપિતા આપણા પ્રથમ ગુરુ છે. બાળકનું સંવર્ધન, સંસ્કાર, સંરક્ષણ, શિક્ષણ, પ્રેમ, હૂંફ, વાત્સલ્ય અને યોગ્ય માર્ગદર્શન માતાપિતા પ્રદાન કરે છે. બાળકનો શારીરિક, માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક વિકાસ માતાપિતાની શીળી છાયામાં પ્રાંગરે છે, વિકસે છે. બાળકની જીવનયાત્રાની શરૂઆત વાત્સલ્યના પવિત્ર વહેણમાં ગતિ કરે છે.
સદ્ગુરુજી આપણી જીવનયાત્રાને દિવ્ય જીવન તરફ ગતિ કરાવે છે. ભૌતિક જીવન, સાંસારિક જીવન, વ્યાવસાયિક જીવન, અર્થોપાર્જનના ક્ષેત્રમાં આપનું કર્મ, કર્મયોગ બની જાય, વ્યવહારમાં વિવેકની જાગૃતિ રહે, જીવનની સમસ્યાઓ, મૂંઝવણો સાત્ત્વિકતાથી સકારાત્મક રહે, સુલઝાતી રહે તેવી પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહે છે. દિશા સૂચન કરતા રહે છે.
સદ્ગુરુજી આપણા જીવનને ત્રણ રીતે ઘડે છે. સત્સંગ દ્વારા આત્મજાગૃતિ, આત્મશક્તિને સતેજ કરી આપણામાં સકારાત્મક નૂતન જીવનનો સંચાર કરે છે. બ્રહ્માજી સ્વરૂપે આપણને બીજો જન્મ આપે છે. આપણા વાણી વર્તન વ્યવહારમાં પરિવર્તન લાવે છે.
ગુરુ મંત્રદિક્ષા આપીને, વિષ્ણુ સ્વરૂપે સદ્ગુરુજી આપણા વિચારો, સંકલ્પો, કાર્યોમાં વિશાળતા, સમતા, સહનશીલતા અને રચનાત્મકતાનો વ્યાપ વધારવામાં પ્રેરણા પ્રદાન કરે છે.
મહેશ સ્વરૂપે સદ્ગુરુજી આપણા તન મનની નકારાત્મકતા, આસુરી તત્વોનું નિર્મૂલન કરે છે.
ત્રિગુણ સ્વરૂપે સદ્ગુરુજી આપણામાં માનવતાનું નિરૂપણ કરે છે. સત્ય, પ્રેમ, કરુણા, અહિંસા અને નિ:સ્વાર્થ સેવાના સંસ્કારનું સિંચન કરે છે. માનવતાના મૂલ્યોનું પરિમાર્જન કરાવતા રહે છે.
ભાવિકોનો આધ્યાત્મિક ઉત્કર્ષ થાય તે માટે નિયમિત રીતે પરમાત્મા સાથે મનથી જોડાયેલા રહેવાનો નિર્દેશ કરે છે. પ્રાર્થના, ઉપાસના, મંત્રજાપ, ધ્યાન, સત્સંગ, સ્વાધ્યાય દ્વારા આપણામાં દેવત્વને, સદગુણોને વિકસાવે છે.
મારા આપ સર્વેને આશીર્વાદ છે.