માનવતાની માસ્ટર કી

પરમશક્તિ મા ગાયત્રીના વ્હાલા બાળકો,

  મને ગુરૂપદે સ્થાપી ગુરુપૂર્ણિમા ઉજવતા મારા શિષ્યો, સાચા અર્થમાં માનવ બને અને માનવતાને મહેકાવે તો જ સાચું શિષ્યત્વ પ્રાપ્ત કરી શકે.

  તમારી નિયમિત ઉપાસના કે મંત્રજાપ યંત્રવત ન બની જાય તે માટે તમારે તમારી આધ્યાત્મિક ઉર્જાને સદાયે સચેત રાખવી પડશે. સાત્વિક જીવન, સત્સંગ અને મંત્રજાપ કે નામ સ્મરણ તમારી ઉપાસનાની આધ્યાત્મિક ઉર્જાને પ્રજજ્વલિત રાખવામાં મદદરૂપ થઈ શકશે.

  સાચા માનવ બની માનવતા મહેકાવવા માટે તમારે પરમાત્માનું – માતાનું સતત સાનિધ્ય કેળવવું પડે અને તેના માટે તમારે પરમાત્માના – માતાજીના બાળ, આત્મિય કે આત્મજ બનવું પડે.

  શાસ્ત્રોમાં વર્ણવ્યા પ્રમાણે પરમાત્મા પ્રેમ સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, સુંદર છે અને કલ્યાણકારી છે. પરમાત્માના આ મહાન સદ્ગુણોનો વારસો આત્મામાં સ્થિત થાય તો જ આપણે પ્રિય, પ્રીતિ પાત્ર બાળક બની શકીએ.

  આપણે જીવાત્માઓ શિવ પરમાત્માના અંશ છીએ. આપણા બાળપણાના વર્ષો આપણું બાળપણ પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ અને ગુણોથી વિભૂષિત જ હતું, પરંતુ સંસારમાં માયાનું આવરણ ઘટ્ટ બનતા, અન્ય માયાવી દુવૃત્તિઓએ પ્રવેશ કર્યો અને ભૌતિક જિજીવિષાઓએ પરમાત્માનું છેટું પાડી દીધું. આત્મિક સંબંધનું અંતર વધારી દીધું.

  પરમપિતા પરમાત્મા સાથેના આત્મિક સંબંધનું અંતર ઘટાડવા માટે, આત્મામાં ઓતપ્રોત થવા, ઐકયતા સાધવા માટે, તમારે ફરીથી બાળસહજ નિર્દોષતા કેળવવાનો પ્રયત્ન કરવો પડશે. સાચા ભક્ત બની ભાવ જગતમાં ખોવાઈ જવું પડશે. પરમાત્માની સકળ જડ ચેતન સૃષ્ટિમાં તેના જ દર્શન કરી, પ્રેમભાવ પ્રદર્શિત કરી આત્મિયભાવ કેળવવો પડશે.

  પમનો આત્મિયભાવ આપણે આપણા ઘર આંગણેથી જ શરૂ કરીએ તો કેવું ? મારી વ્યક્તિગત મુલાકાત દરમિયાન કુટુંબ અને સમાજમાં પ્રવર્તતી વિસંવાદિતાનું વિષ મને બેચેન બનાવી દે છે. વિષના આ વહેણને, અમૃતમાં, પ્રેમામૃતમાં, પ્રેમગંગામાં પલટાવવાની મારી મહેચ્છા છે. આપ સર્વેનો સાથે, સહકાર અને પુરૂષાર્થ હશે તો આપણા સામૂહિક પુરૂષાર્થથી વિષના વહેણને પ્રેમ ગંગામાં પલટાવી શકીશું. આપણે અનુભવી રહ્યા છીએ કે, અર્વાચીન કુટુંબ જીવન, સમાજ જીવન, કેટલું બધું કલુષિત બની ગયું છે. ધાર્મિક સંસ્થાઓ, સામાજીક સંસ્થાઓ, રાજકિય સંસ્થાઓ વિગેરે બધીજ જગ્યાએ વિષના વાદળો છવાઈ ગયાં છે. વિશ્વના કોઇપણ ક્ષેત્રમાં શાંતિમય, સહઅસ્તિત્વ જાળવવામાં અને નૈતિક મૂલ્યોને સાચવવામાં આપણા પ્રયાસો ઘણા જ વામણા અને પાંગળા પૂરવાર થઇ રહ્યા છે. આપણી આર્ય સંસ્કૃતિના આદર્શો અને મૂલ્યો કેટલા ઉંચા હતા ? સમયના પ્રવાહમાં આ ઉચ્ચ આદર્શો અને મૂલ્યો લુપ્ત થતા જાય છે.

  આપણા કુટુંબની દશા દયાજનક છે. જૂની અને નવી પેઢી વચ્ચેનું અંતર અને ઘર્ષણ વધતું જાય છે. આધુનિક જીવનશૈલી, શહેરીકરણ, શિક્ષણ પ્રણાલિ અને દૂરદર્શન જેવા આધુનિક સાધનોથી ઘરનું વાતાવરણ ઘોંઘાટ ભર્યું અને માનમર્યાદા વગરનું બની ગયું છે. લાજ શરમ નેવે મૂકાઇ ગયા છે.

  પતિ અને પત્નિના સુખી દાંપત્ય અને સહજીવનથી બાળકો પેદા થાય છે. બાળકોની સાર સંભાળ અને માતૃવાત્સલ્યમાં ઓતપ્રોત પત્નિ પતિ પ્રત્યે દુર્લક્ષ સેવે જેથી પતિનું મન દુ:ભાય, બાળકો મોટા થતાં પુત્ર વધુનો પ્રવેશ થતાં પુત્ર ખોવાઇ જાય કે પુત્રી હોય તો સાસરે જાય, એટલે ઘડપણમાં વળી પાછાં પતિ પત્નિ એક બીજાનો સહારો શોધતા રહે.

‘હું’ અને ‘તું’

‘તું’ માંથી ત્રણ થયા

‘હું’ ના ભાવ ગયાં

ત્રણમાંથી ચાર થયા

‘હું’ અને ‘તું’ એક થયાં

  દામ્પત્ય જીવનની શરૂઆતથી જ અને ઘડપણમાં તન અને મનની સ્વસ્થતા સારી રહે તો સહારો સુખમય નીવડે પરંતુ જીવનની શરૂઆતથી ઉત્તરાવસ્થા સુધીના સમયના ચઢતા ઉતરતા વહેણ જીવનને વિસંવાદિતાથી ભરી દે છે.

  અપવાદ બાદ કરતાં સામાન્ય રીતે પુત્રવધુનો પ્રવેશ થતાં ઘરની રીત રસમ બદલાવા માંડે છે. પુત્ર પરાયો લાગવા માંડે છે. લોહીની સગાઈ ન હોવાથી અરસપરસ આત્મિયતા, સહૃદયતા કેળવી શકાતી નથી અને સાસરિયાં પરાયાં લાગવા માંડે છે. પત્નિની શેહ શરમ અને દબાણને વશ થઈ પુત્ર સાસરિયાનું સગપણ વધારે છે. માતા પિતા, દાદા દાદી, ભાઈ બહેન આડખીલી રૂપ બોજા રૂપ લાગવા માંડે છે. વસ્તુ અને વાતોમાં પોતાનું અને પરાયા પણાનો ભેદ વર્તાવા લાગે છે. કુટુંબ કલેશની વિષવેલ પ્રાંગરે છે. સંયુક્ત કુટુંબની ભાવના અને વ્યવસ્થા તૂટવા માંડે છે. વળી યંત્રયુગ, શહેરી કરણ અને વ્યક્તિ સ્વાતંત્ર્યને કારણે પ્રાચીન કુટુંબ પ્રણાલિ, માન મર્યાદા અને રીત રિવાજો ઘસાતા જાય છે. અર્વાચીન યુગમાં તો માતા પિતા અને બાળકો (૨૧ વર્ષ સુધીના કે અપરિણિત હોય ત્યાં સુધી) નું જ કુટુંબ ગણાય. વડીલો માટે ઘરમાં માન નથી, સ્થાન નથી વૃધ્ધાશ્રમો તેમની ઉત્તરાવસ્થાનો આશરો અને આશ્રય સ્થાન બની રહે છે. આવા કલુષિત સમાજ અને કુટુંબનું નવ સર્જન કરવા માટે અને આર્ય સંસ્કૃતિને પુનઃર્જીવિત કરવા માટે આપણે કટિબધ્ધ થઇએ.

  તમારો પ્રશ્ન હશે કે અમે કેવી રીતે કટિબધ્ધ થઇએ ? અમે શું કરીએ? કેવી રીતે આપના નવ સર્જનના કાર્યમાં ભાગીદાર થઇએ ?

  આજથી જ તમે સહુ સાચા અર્થમાં માનવ બનવાનો દૃઢ સંકલ્પ કરો. તમે બધા મનુષ્ય છો પરંતુ સાચા અર્થમાં માનવ બનવા માટે માનવીય ગુણો ઓછાવત્તા અંશે કેળવવાના બાકી છે. માનવીય ગુણો કેળવવા માટે માનવતાના મૂલ્યોને અપનાવવા પડે.

  પરમાત્મા આ સૃષ્ટિના સર્જક છે. આપણે સહુ તેનું સર્જન છીએ. જડ ચેતન સૃષ્ટિમાં તે વ્યાપ્ત છે. વિલસી રહ્યા છે, તેથી પરમાત્માના અંશ  એવા આપણે પરમાત્માની સૃષ્ટિના પ્રત્યેક સર્જનમાં એક રૂપ થઈ જઈએ .

  આપણો સંસાર તો પરમાત્માનું સાકાર સ્વરૂપ છે. તેના મૂળમાં દેવત્વ રહેલું છે. સંસારની પ્રત્યેક વ્યક્તિ માતા, પિતા, ભાઈ, બહેન, પતિ, પત્ની સમાજના નજીકના અને દૂરના સગાં, મિત્રો, સહકાર્યકર્તાઓ વિગેરેની સાથે પ્રેમભાવ રાખીએ, સહૃયતા કેળવીએ. સંસારની પ્રત્યેક વસ્તુ પરમાત્મામય છે તેમ સમજી તેની સાથે પ્રેમાળ, મૃદુ વર્તાવ કરો અને પછી તમે જાતે જ અનુભવશો કે તમારા માટે બધા જ આત્મિય છે અને તમે બધાના આત્મિયજન છો. તમારા માટે બધાને માન અને પ્રેમ ઉદ્ભવશે. તમારી પ્રેમમય ભાવનાની ભવ્યતાને લીધે તમારી ઉપસ્થિતિથી જ સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટશ.

  આવો પ્રેમાળ સ્વભાવ અને જીવન ઘડતર મારો પ્રત્યેક શિષ્ય કેળવે અને આચરણમાં મૂકે તો જીવનમાં સાચી માનવતા પ્રગટે.

  મારે તો સંસારને સરળતા, સહૃદયતા, સહકાર અને સમભાવથી તરવા માટે ‘માસ્ટર કી’ આપવી છે. આપ કોઈપણ ‘માસ્ટર કી’ અપનાવો અને આપની માનવતા મહેંકી ઉઠશે.

‘માસ્ટર કી’

(૧) પ્રેમાળ વર્તન                   :-       પ્રેમ માર્ગ.

(૨) સમજણ ભર્યું વર્તન          :-       જ્ઞાન માર્ગ.

(3) સહનશીલતા ભર્યું વર્તન     :-       સહન માર્ગ.

(૪) ક્ષમાશીલ વર્તન                        :-       ક્ષમા માર્ગ.

(૧) પ્રેમાળ વર્તન :- પ્રેમ માર્ગ

  તમારા સંપર્કમા આવતી પ્રત્યેક વ્યક્તિને નિ:સ્વાર્થ, નિર્મળ, નિર્દોષ પ્રેમથી સભર કરી દો. બદલામાં તમને પ્રેમ જ મળશે. થોડી રાહ જોવી પડે તો ધીરજ રાખજો, નાસીપાસ ન થશો.

(૨) સમજણ ભર્યું વર્તન :- જ્ઞાન માર્ગ

  તમે જો પ્રેમાળ વર્તન દાખવી શકતાં ન હો, પ્રેમ કરવાનું તમને પરવડે તેમ ન હોય તો સામી વ્યક્તિ કે જે તમારા સંપર્કમા આવે તેના વાણી, વર્તન, વ્યવહારને સમજવાનો પ્રયત્ન કરો. તેના દ્રષ્ટિકોણને સમજો. તેના ભાવને સમજવાનો પ્રયત્ન કરો. તમારી સાચી અને રાગદ્વેષ રહિતની સમજણથી વાતાવરણમાં કલુષિતતા પ્રવેશતી અટકી જશે. તમારી સમજણથી સબંધો સંધાઈ જશે, વિખરાઈ જતા, તૂટી જતા અટકી જશે.

(૩) સહનશીલતા ભર્યું વર્તન :- સહન માર્ગ.

  આપ આપના સાંસારિક અને દુન્યવી સબંધોમાં સમજણનો માર્ગ પણ ન અપનાવી શકતા હો તો, તમારે સહનશીલ બનવું પડે. સંપર્કમાં આવતી વ્યક્તિઓની તમને લાગતી કે સ્પર્શતી હકીકતોને સહન કરતા શીખો. આવા પ્રસંગે શબ્દોની સોદાબાજી, વાણીનો વિલાસ કે ભાષાની ભવાઇ કરવાને બદલે મૌન રહેવાનું પસંદ કરો. મૌન રહી, ઇન્દ્રિયોને આંતરમુખ કરી માનસિક મંત્રજાપ, ભગવત્ સ્મરણમાં તે સમયને પસાર કરો. સામે કોઈ પણ પ્રતિકાર ન કરો. બને તો વાતાવરણને બદલી નાખો. એકપક્ષીય કટુ વ્યવહારની અવધિ બહુ જ ઓછી હોય છે.

(૪) ક્ષમાશીલ વર્તન :- ક્ષમા માર્ગ

  તમારા કુટુંબીજાનો કે સંપર્કમાં આવતી અમુક વ્યક્તિઓના અશિષ્ટ વાણી, વર્તન અને વ્યવહારને મૌન રહીને સહન કરવાની ક્ષમતા પણ ન ધરાવતાં હો તો તમે તેમની હરકતોને અવગણીને માફ કરી દો. “ક્ષમા વીરસ્ય ભૂષણમ”, એ ઉક્તિ અનુસાર તમે ક્ષમાનો ગુણ કેળવી લો.

  સંસારની કોઈપણ સમસ્યાઓને ઉકેલવા માટે કોઇપણ એક કે વધુ ‘માસ્ટર કી’ નો ઉપયોગ કરો. માનવતા પ્રગટાવવા અને પ્રસરાવવા માટે જીવનમાં પ્રત્યેક પળે અને પ્રસંગે “માસ્ટર કી” નો ઉપયોગ કરો.          વિશ્વ બંધુત્વની ભાવના વિકસાવવાના મારા અભિયાનમાં આપ સહુના સહકારથી જ માનવતાની મહેક પ્રસરાવી શકાશે, માનવતાની સાંકળને વિસ્તારી શકાશે. આજના ગુરૂપૂર્ણિમાના પર્વે આપ સહુ સંકલ્પ કરો કે, જીવન અને સંસારની કલુષિતતાને મીટાવી પ્રેમ અને સદ્ભાવનાનું વાતાવરણ પ્રસ્થાપિત કરીએ.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી