વ્હાલા આત્મિયજનો,
ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે મારા આપ સર્વેને આશીર્વાદ છે. માર્ચ ૧૯૭૫ થી માતાજીની કૃપા અને આશીર્વાદથી મારા મન, વચન અને કર્મ દ્વારા વિશ્વ માનવબંધુઓની સેવા નિ:સ્વાર્થભાવે કરી રહ્યો છું. વિશ્વના પ્રત્યેક માણસમાં માનવતા પ્રગટે, માણસાઈની જ્યોત ઝળહળી રહે તેવો પ્રયત્ન હું અવિરતપણે કરતો રહું છું.
માનવતાનું મિષ્ટાન મારા આત્મીયજનોમાં પીરસી રહ્યો છું. આપ સર્વેનો સર્વાંગી વિકાસ થાય, આત્મિક ઉત્કર્ષ થાય તેવો પ્રયત્ન હું વિવિધરૂપે કરી રહ્યો છું. મારા પ્રયત્નમાં આપનો પુરુષાર્થ ભળવો જોઈએ. મેં પીરસેલા માનવતાના મિષ્ટાન્નની મઝા માણવી હોય તો તમારે જાતે જ તેનો સ્વાદ ચાખવો પડે, આરોગવું પડે અને પચાવવું પડે. જીવન સમરાંગણમાં મારે તમને વિજયી થયેલા જોવા છે. સંસાર સાગરમાં મારે તમને કુશળતાથી તરતા અને આનંદથી કિનારે પહોંચતા જોવા છે. હું તમને સંસાર સાગર તરતાં શીખવાડું, રાહ બતાવું, સરળ રીતે બતાવું પરંતુ હાથ પગ તો તમારે જ હલાવવા પડશેને! પુરુષાર્થ તો તમારે જાતે જ કરવો પડશે ને?
લાયબ્રેરીના કબાટમાં વિવિધ વિષયના પુસ્તકો ગોઠવેલાં હોય, સંસારભરનું જ્ઞાન તેમાં સંગ્રહાયેલું હોય પરંતુ કબાટને એ પુસ્તકોમાં છુપાયેલું જ્ઞાન મળતું નથી.
મારા એક વડીલ સબંધી હતા. દુનિયાભરનું જ્ઞાન એમના મગજમાં સંગ્રહાયેલું હતું. અન્યને સલાહ સૂચન વિકાસ માટે, અર્થોપાર્જન માટે આચરણમાં મૂકી શક્યા ન હતા. વાતોના વડા કરવામાં જ તેમની સઘળી શક્તિ અને સમય વેડફાઈ જતાં હતાં. સમય અને શક્તિનો સદઉપયોગ નહિ કરી શકવાથી પોતે સ્વ અને કુટુંબના શ્રેયાર્થે કંઈજ કરી શક્યા નહિ. પુરુષાર્થ વગરનું, આચરણ વગરનું, જ્ઞાન એટલે ગધેડા ઉપર ચંદનનો ભાર લાદવામાં આવ્યો હોય તેમ લાગે. ગધેડાને ચંદનની શીતળતા કે સુગંધનો અનુભવ થતો નથી.
વ્હાલા સ્વજનો, આપ મારી અમૃતવાણી સાંભળીને તાળીઓથી મને વધાવશો, ક્ષણભરનો આનંદ માણશો પરંતુ એટલાથી તમારો વિકાસ નહીં થાય. મારા આદેશો, અમૃતવાણીને સાંભળો, સમજો, પચાવો અને આચરણમાં મુકો ત્યારે જ તમારો આત્મિક વિકાસ થવાની શક્યતા છે. સંસારની મઝધારમાંથી નીકળીને કિનારે આવો. સંસારની મઝા માણો, ફરજ બજાવો પરંતુ તેમાં લપટાઈ ન જાવ, ડૂબી ન જાવ, વમળમાં ફસાઈ ન જાવ તેની તકેદારી રાખો. માખી મધ કે સાકરની ચાસણી ભરેલા વાસણમાં કિનારે બેસીને મીઠાશની મઝા માણે ત્યાં સુધી તે સલામત છે. પેટ ભરાઈ જતાં તે સહેલાઈથી ઉડી શકશે કારણકે તેના પગ મધ કે ચાસણીમાં લપટાઈ ગયા નથી, પરંતુ લોભથી આ માખી ચાસણીના વાસણમાં વચમાં બેસીને મીઠાશની મઝા માણવા જશે તો પેટ ભરાઈ જવા છતાંય તે ઉડી શકશે નહિ. કારણ કે તેના પગ લપટાઈ ગયા છે.
મારી આપ સર્વેને સલાહ છે કે, સંસાર સાગરના કિનારે રહીને જ સંસાર ને માણો. રાગદ્વેષના વમળમાં, લોભ મોહની આંધીમાં અટવાઈ જશો તો પછી બહાર નીકળવું મુશ્કેલ થઇ પડશે. ઘર ગૃહસ્થી ચલાવી, પરિવાર વિસ્તાર્યો, બાળકોને સંસ્કાર અને સુશિક્ષણ આપી, પગ ભર કરી, પરણાવી તેમનો સંસાર ગોઠવાય ત્યાં સુધીની જવાબદારી અદા કરવી તે દરેક માતાપિતાની ફરજ છે. યુવાન વયે પહોંચેલા અને સંસારમાં સ્થિર થયેલા બાળકોની વ્યક્તિગત બાબતોમાં ચંચુપાત કરવો, વણમાંગી સલાહ આપવી, સૂચનો કરવા કે ચિંતા કરવી તે સંસાર સાગરમાં અથડાવા જેવું, ડૂબવા જેવું થાય. બાળકોના પરિવારની તેમના સંતાનોની જવાબદારી લઈને તેમાં સમય ફાળવવાની ચેષ્ટા તમારા આત્મિક અને આધ્યાત્મિક વિકાસને રૂંધી નાખશે.
કિનારે રહીને સંસારની ફરજો માનવતાની રૂએ અદા કરવાની સતર્કતા રાખશો તો જ તમે સહેલાઈથી સંસારમાંથી નિવૃત્ત થઇ શકશો અને આત્મિક કલ્યાણનો માર્ગ પકડી શકશો. સાત્વિક પ્રારબ્ધ નિર્માણ કરવામાં સમય અને શક્તિ ફાળવી શકશો.
પૌત્ર, પૌત્રીની જવાબદારી લઈને તેના ઉછેરમાં સમય ફાળવવાની ચેષ્ટા તમારા આત્મિક અને આધ્યાત્મિક વિકાસને રૂંધી નાખશે. કિનારે રહીને સંસારની ફરજો માનવતાની રૂએ અદા કરવાની સતર્કતા રાખશો તો જ તમે સહેલાઈથી સંસારમાંથી નિવૃત્ત થઇ શકશો. સાત્વિક પ્રારબ્ધ નિર્માણ કરવામાં સમય અને શક્તિ ફાળવી શકશો.
સાંપ્રત સમયમાં સંસારના પ્રત્યેક ક્ષેત્રમાં આપણને એવા માણસોની જરૂર છે કે જેઓ જ્ઞાનનો, સમજણનો, સમયનો અને શક્તિનો સદઉપયોગ કરી શકે, આચરણમાં મૂકી શકે. આચરણ વગરના જ્ઞાનનો સંગ્રહ વ્યક્તિને માનસિક બીમારીનો ભોગ બનાવે છે.
ભણેલો, શિક્ષિત કે જ્ઞાની માણસ તો એ કહેવાય કે, જેના વાણી વર્તન અને વ્યવહાર વિવેકી, વિનયી અને નમ્ર હોય, તેનું વ્યક્તિત્વ સદગુણોથી અલંકૃત હોય, તેની આભા અને પ્રતિભા તેજસ્વી હોય. બગીચામાં ખીલેલા ગુલાબ, મોગરો કે રાતરાણીની સુવાસની જેમ તેના જ્ઞાનની, વ્યક્તિત્વની સુવાસ ચોતરફ પ્રસરી રહે.
જ્ઞાનની પરિપક્વતા થઇ હોય તો તમારા મનમાંથી દુષણો, દુર્વૃત્તિઓ રૂપી ઉકરડાની દુર્ગંધ દૂર થવી જ જોઈએ. વિચારો ઉદ્વાત્ત અને ઉર્ધ્વગામી થવા જોઈએ. તમારો આત્મવિશ્વાસ વધવો જ જોઈએ. તમારા પ્રશ્નોને સમજવાની અને સુલઝાવવાની ક્ષમતા, ધીરજ અને સહનશીલતા તમારામાં આવવી જ જોઈએ. સ્વમૂલ્યાંકન કરી તમારા વિચારો, આદતો, સ્વભાવને વિવેકના ગરણે ગાળતા રહેજો. અહમ્, ઈર્ષ્યા, લોભ, મોહ, નિંદા, ક્રોધ રૂપી કચરાને સત્સંગના સેવનથી અને તપના તાપથી નામશેષ કરી નાખજો.
છેલ્લા ત્રીસ વર્ષથી તમારા ત્રિવિધ તાપથી ઉદભવતા પ્રશ્નોને સુલઝાવવાનો, માર્ગદર્શન આપવાનો અને આપને સ્વનિર્ભર કરવાનો પ્રયત્ન હું કરતો રહું છું. સામાન્ય રીતે માનવજીવનમાં અભ્યાસકાળ પણ ૧૫-૨૦ વર્ષનો જ હોય છે. શિક્ષણની સાથે સમજણ મેળવી વ્યક્તિ સ્વનિર્ભર થવા પ્રયત્ન કરે છે. સ્વતંત્ર રીતે પોતાનો વિકાસ કરે છે.
તમારામાંના મોટાભાગના ભાઈ-બહેનો તો હજુ પણ ભૌતિક પ્રશ્નો માટે મારી આંગળીએ વળગેલા રહે છે. આવું ક્યાં સુધી ચાલશે? સ્વનિર્ભર બનો, આત્મવિશ્વાસ કેળવો મુસીબતોથી મૂંજાઈ ન જાવ. શાંતચિત્તે પરમાત્માને પ્રાર્થના કરો, તમારા જ્ઞાનનો ઉપયોગ કરો, મારા આદેશો અને આદર્શોને અનુસરો, સમયનો સદઉપયોગ કરો.
સૃષ્ટિનું સર્જન કર્યા પછી પરમાત્માએ સમયનો વારસો સહુને સરખો ચોવીસ કલાકનો આપ્યો છે. શરીરનો વારસો-શરીરના અંગો પણ વિશ્વના માનવોને સરખો જ આપ્યો છે. સમય અને શરીર રૂપી અમૂલ્ય વારસો, અમૂલ્ય સંપત્તિ આપણે કેવી રીતે વાપરીએ છીએ, વધારીએ છીએ કે વેડફીએ છીએ તે આપણા પર નિર્ભર છે.
સામાન્ય રીતે પરમાત્માએ મનુષ્યને સો વર્ષની જિંદગી બક્ષી છે, સાથે સાથે સાત્વિક જીવનશૈલી અને નૈતિક મૂલ્યોને અપનાવવાની અને આચરવાની શીખ પણ આપી છે. પરમની શીખનો અનાદર જીવનને કલુષિત અને કુંઠિત કરી નાખે છે. આપણા જન્મદિવસની ઉજવણી કરતી વખતે આપણે પસાર કરેલા ત્રણસો પાંસઠ દિવસના સમય દરમિયાન પ્રત્યેક દિવસના પ્રત્યેક સમયનો કેવો ઉપયોગ થયો, કેવી રીતે વ્યતીત થયો તેનો હિસાબ રાખી સરવૈયું કાઢવું જોઈએ. સાત્વિક, રચનાત્મક સમયનું જમા પાસુ વધવું જોઈએ. આળસ, પ્રમાદ, અસાત્વિક, ખંડનાત્મક સમયનું ઉધાર પાસું શૂન્ય હોવું જોઈએ. અથવા ઉધાર પાસું નામશેષ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. સંકલ્પ કરવો જોઈએ. સુખી જીવનના આયોજન અને સાત્વિક પ્રારબ્ધ નિર્માણ કરવા માટે જન્મદિવસની ઉજવણી વેળાનું સરવૈયું વધુ ઉપયોગી થઇ પડશે. મીઠાઈ ખાવા અને ખવરાવવા પાછળનો આશય વાણી, વર્તન અને વ્યવહારમાં મીઠાસ રાખવાનો છે. સમયનું સુંદર આયોજન કરવું જોઈએ. જેથી જીવનની પ્રત્યેક પળ “સત્યમ્ શિવમ્ સુન્દરમ્” બની રહેવી જોઈએ.
સામાન્ય રીતે દિવસ રાત્રિના ચોવીસ કલાકનું આયોજન કેવી રીતે કરવું તેનો વિચાર કરીએ. ગૃહસ્થી, વિદ્યાર્થી, યુવાન, નોકરિયાત કે વેપારી વર્ગના સોળથી અઢાર કલાક અભ્યાસ, નોકરી ધંધામાં, ગ્રહકાર્યમાં, ઊંઘ આરામ તેમ જ દૈનિક કાર્યો જેવાંકે નહાવા, ધોવા, જમવામાં પસાર થઇ જાય છે. બાકીના છ થી આઠ કલાકના સમયનું આયોજન એવી રીતે કરવું જોઈએ કે આપણા શરીરનું સ્વાસ્થ્ય, મન વિચાર અને બુધ્ધિનો વિકાસ, આત્મિક શક્તિઓના વિકાસ માટે ત્રણ થી ચાર કલાકનો સમય ફાળવવો જોઈએ. કસરત, પ્રાણાયામ, યોગાસન, સાત્વિક વાંચન, ચિંતન, રચનાત્મક કાર્યોમાં ત્રણથી ચાર કલાકના સમયનું આયોજન પોતાની ક્ષમતા અનુસાર કરવું જોઈએ. આત્મવિકાસ, સેવા અને સાત્વિક પ્રારબ્ધ નિર્માણ કરવા માટે બાકીના ત્રણ થી ચાર કલાકનું આયોજન કરવું જોઈએ. જપ, તપ, પૂજા, પાઠ, પ્રાર્થના, નામસ્મરણ, સ્વાધ્યાય, સત્સંગ, સેવા, તેમજ માનવતાસભર કાર્યોમાં સમય ફાળવવાથી સુખ, શાંતિ અને સંતોષનો અનુભવ કરી શકાશે.
પરમાત્માએ આ ચોવીસ કલાકનો સમય આપણને વિનામૂલ્યે, વણમાગ્યો આપ્યો છે. એટલે સામાન્ય માણસોને તેનું આયોજન કરી યોગ્ય રચનાત્મક ઉપયોગ કરવાનું મૂલ્ય સમજાતું નથી. વળી મફતમાં મળેલી વસ્તુની કિંમત હોતી નથી તેથી તે વેડફાઈ જાય છે. આંધળાને આંખની કિંમત અને રણમાં પાણીની કિંમત અંકાય છે. તેવી જ રીતે આયુષ્યની પૂર્ણાહૂતિનો સમય નજીક આવતો જાય છે ત્યારે જ સમયનું આયોજન ન કરનાર વ્યક્તિને, આળસ, પ્રમાદ અને કુટેવોમાં જિંદગી વેડફાઈ ગયાનો અહેસાસ થાય છે.
મારી તો આપ સર્વે ને વિનંતી છે કે જીવનના પ્રત્યેક દિવસની પ્રત્યેક પળને માણો, વર્તમાનને ઉજ્જવળ બનાવો, ભૂતકાળને ભૂલી જાઓ, ભવિષ્યની ચિંતામાં સમયને વેડફો નહિં. માનવતાને મહેંકાવો અને માનવ હૃદયમાં તમારૂં સ્થાન અંકીત કરો. અનન્ય શ્રધ્ધા અને શરણાગતિભાવથી પરમાત્માની ઉપસ્થિતિનો અહેસાસ કરો. પરમાત્માની સાથે આત્મીયભાવ કેળવો, પ્રાર્થના કરો, માર્ગદર્શન મળશે જ, પ્રેમ, આનંદની અનુભૂતિ થશે. તમે પરમાત્માને તમારો સમય આપો, પરમાત્મા તમને સર્વસ્વ આપશે. મારા આપ સર્વેને આશીર્વાદ છે.