માનવસેના

વ્હાલા આત્મિયજનો,

આજે ૨૫ મો માનવતા દિન છે. માતાજીએ સોંપેલા મારા સેવાયજ્ઞમાં પદાર્પણ કર્યે આજે ૨૪ વર્ષ પૂરાં થાય છે. મા ભગવતીના લાલ-બાળ મયુરરાજનો આજે જન્મ દિવસ છે. પ્રતિ વર્ષ મા ભગવતી મને પ્રેરણાના પિયુષ પીવરાવવા પધારે છે. વ્હાલપની વર્ષા કરી, મારા તન, મન અને અંતરને પુષ્ટ કરે છે. અમારા મધુર મિલન, દિવ્ય મિલનનું કેન્દ્ર બિંદુ માનવસેવા યજ્ઞ જ હોય છે.

મારા કાયિક અને આત્મિક જીવનનું સંરક્ષણ અને સંવર્ધન માતાજી કરતાં રહે છે, અને તેથી જ તો હું હંમેશા વસંતની તાજગી અનુભવી રહ્યો છું. મારી જીવનનૈયાના ખેવૈયા પરમશક્તિ મા ભગવતી  છે, તેથી જ તો સંસારની સમસ્યાઓ મને વિચલિત કરી શકતી નથી.

“કાર્ય કરે જા, મારા તને આશીર્વાદ છે” માતાજીના પ્રથમ સાક્ષાત્કાર વેળાના આ શબ્દો મારા કાળજામાં કોતરાઇ ગયા છે. મારા રોમેરોમમાં તે આંદોલિત થતા રહે છે. આ દિવ્ય આદેશનું હું અવિરત પાલન કરતો રહું છું.        

સેવાયજ્ઞ દરમિયાન મારી મુલાકાતે આવતી, મારૂં આધ્યાત્મિક અને જીવન ઉપયોગી માર્ગદર્શન મેળવતી પ્રત્યેક વ્યક્તિમાં માનવતાના બીજ રોપાય, માનવતા પ્રગટે, માનવતા પ્રસરે અને માનવતાનો વ્યાપ વિશ્વમાં વ્યાપે તેવી મારી ઈચ્છા છે, માતાજીને વિનમ્રભાવે પ્રાર્થના છે. સેવાયજ્ઞની ક્ષિતિજો વિસ્તરતી જાય છે. જગતના જટિલ માનવો અને તેમના જટિલ પ્રશ્નો પણ માયાની માયાજાળની જેમ વધતા જાય છે. મુલાકાતીયો, મુમુક્ષુઓ, આસાનીથી, સહજતાથી, ત્વરાથી તેમના પ્રશ્નો ઉકલી જાય, ત્વરિત ફળપ્રાપ્તિ થઇ જાય તેવો આગ્રહ, દુરાગ્રહ રાખતા હોય છે.

જીવન સાગરમાં પ્રશ્નો તો સાગરના મોજાંઓની જેમ ઉદભવ્યા જ કરવાના. વળી વ્યક્તિની વ્યક્તિગત આશા, એષણાઓ પણ વધતી જવાની. તન, મન, ધન, સમાજ, સંસાર પરિવારના પ્રશ્નો તો ઉદભવ્યા જ કરવાના, આવા ક્ષણિક પ્રશ્નો સાથે જીવતાં, તેને સુલઝાવતાં, તેને સહન કરતા અને વિવેક બુધ્ધિથી તેમાંથી માર્ગ કાઢતાં શીખવું જોઈએ. પલાયાનવાદથી પ્રશ્નો હલ થઇ જાય નહીં. પરમાત્માનું નામસ્મરણ મંત્રજાપ, સત્સંગથી રાહત અનુભવાશે.

માનવસેવાના કાર્યયજ્ઞના ૨૪ વર્ષ દરમિયાન આધ્યાત્મિક ઉત્થાન માટે બહુજ જુજ વ્યક્તિઓએ માર્ગદર્શન મેળવવા પ્રયત્ન કર્યો હશે. પરમાત્માનાં દર્શન કરવાની, પ્રાપ્ત કરવાની ઈચ્છા તો દરેકને  હોય જ પરંતુ પોતાની જાતમાં વિશ્વાસ નહીં હોવાથી, આ બાબતમાં આગળ વિચારવાનું કે, આગળ વધવાનું તેના માટે નામુમકીન લાગે છે.

વ્હાલા આત્મીયજનો, જો તમે દૃઢ સંકલ્પ કરો, તમારી આત્મિક શક્તિઓ સતેજ કરો, પ્રબળ પુરૂષાર્થ  કરો, આત્મબળ કેળવો તો મનુષ્ય માટે કશું અશક્ય નથી. અસંભવ નથી. પરમાત્માની કૃપા મેળવવા માટે પણ તમારે પુરૂષાર્થ તો કરવો જ પડશે ને ! કેટલાય નામી, અનામી  સંતોને એક યા બીજા સ્વરૂપે પરમાત્માના દર્શન થયા છે. પરમાત્માની હાજરીનો અનુભવ થયો છે. પરમાત્માએ તેમના સાંસારિક કાર્યો સુલઝાવ્યાં છે, ગેબી મદદ કરી છે. સુરદાસ, નરસિંહ મેહતા, મીરાબાઈ આ જમાનાના જ મહામાનવો, સાચા ભક્તો હતા ને!

માતાજી શ્રધ્ધા કુટિરમાં પધારી મને દર્શન આપે, માર્ગદર્શન આપે, મારા સેવાકાર્યમાં મદદ કરે, શ્રધ્ધામાં જ નિવાસ કરે છે. આપ સર્વે પણ મારા જ છોને ! મારા- મયુરરાજના પીછાં તો છો જ ને ! 

તમને પણ માતાજીની, પરમતત્વની પ્રત્યક્ષ કે પરોક્ષ અનુભૂતિ, સુવાસ, આનંદ, સહાય, સ્વપ્નમાં કે ધ્યાનાવસ્થામાં, પૂજા દરમ્યાન પ્રકાશપુંજ કે પ્રત્યક્ષ સાકાર સ્વરૂપના દર્શન તો થાય જ છે.

આપને કદાચ તેનો ખયાલ આવે કે ના આવે પરંતુ તમે પરમાત્માનું અને તેના લાડલા સંતોનું સતત સ્મરણ, સત્સંગ કરતા હશો, નિર્મળ જીવન જીવતા હશો અને સત્યના માર્ગે ચાલતા હશો તો પરમાત્માની, માતાજીની મમતા, શીળી છાંય તમારા પર અવિરત વરસતી રહે. તમે સાત્વિક પ્રેમ કરો. અંતરથી યાદ કરો તો તેનો પ્રતિઘોષ પડવાનો છે.

પરમાત્માના પ્રત્યક્ષ દર્શન, સાક્ષાત્કાર પણ તમારા માટે શક્ય તો છે જ. તમારા ઇષ્ટદેવના સ્વરૂપમાં તમને દર્શન આપવાની, સાક્ષાત્કાર કરાવવાની માતાજીની તૈયારી તો છે જ; પરંતુ તેમના ઝળઝળતા સો, સો, સૂર્યના તેજ સમાન પ્રકાશપૂંજને ઝીલવાની, દ્રષ્ટિમાં સમાવવાની, દર્શન કરવાની આપણે માનસિક અને શારિરીક તૈયારી તો કરવી જ પડશે ને ! કઈ ક્ષણે અને કયા દિવસે ભગવાન દર્શન આપશે તેની આપણને ચોક્કસ ખબર નથી, એટલે પ્રત્યેક ક્ષણે આપણે પરમાત્માના દર્શનની માનસિક તૈયારી રાખવી પડશે. પ્રત્યેક દિવસે અપણે આપણું ઘર અને ઘરનું વાતાવરણ સાત્વિક, આનંદિત રાખવું પડશે. આપણી શ્રધ્ધાનો દીપક પ્રત્યેક ક્ષણે, પ્રજ્જવલિત રાખવો પડશે. શબરીએ રામની પ્રતીક્ષામાં જીવન વિતાવ્યું અને જીવનની ઢળતી સંધ્યાએ રામ, શબરીની કુટીર શોધતા પ્રત્યક્ષ પધાર્યા. તેનો ભાવપ્રચુર પ્રસાદ આરોગી, માતૃવાત્સલ્ય માણી તેનું જીવન ધન્ય બનાવ્યું. અને મોક્ષની અધિકારી બનાવી દીધી.

આપણે શબરી બની શકીએ ? આપણે કેવટ બની શકીએ ? જરૂર બની શકાય. જો અહંતા, અને આસક્તિ છૂટી જાય. જીવનમાં સંતોષ, સમદ્રષ્ટિ, સમભાવ કેળવાય તો જીવન જનકવિદેહી જેવું બની જાય. સંસારમાં રેહવા છતાં, સંસારના ભોગો ભોગવવા છતાં મનનું જોડાણ પરમાત્મામાં આસક્ત રહે, જોડાયેલું રહે તો માયાની માયાજાળમાં ફસાવાય નહિં, સંસારના સાગરના વમળમાં અટવાઈ જવાય નહિં.

પરમાત્મા આવી જનકવિદેહી જેવી વ્યક્તિઓની તો શોધમાં છે. આવી નિસ્પૃહી સાત્વિક વ્યક્તિઓ દ્વારા જ પરમાત્મા માનવસેવાનું કાર્ય કરાવી શકે, માનવતાને મહેંકાવી શકે.

નવી સૃષ્ટિના નિર્માણવેળાની મારી કલ્પનાની સૃષ્ટિ રચાય તે માટે મારે માનવતાથી ઓપતા-શોભતા સંનિષ્ઠ માનવોની સેના રચવી છે. મારી માનવ સેનાની પ્રત્યેક વ્યક્તિ સાત્વિક, સંતોષી, સદાચારી, વિવેકી, નિરાભિમાની, ભક્તિ પરાયણ અને અનન્ય શ્રધ્ધા અને શરણાગતિ ભાવથી સભર હોવી જોઈએ.

મારા ચાહકો, શિષ્યો તો અનેક છે. ગુરૂમંત્રદીક્ષા પણ અનેકોએ લીધી છે. મન, વચન, કર્મની પવિત્રતા જાળવવાનો આદેશ પણ મેં અનેકોને આપ્યો છે, પરંતુ મને તેની પ્રતીતિ ક્યારે થાય ?

આ યુગમાં માનવતાસભર સમાજ પ્રસરાવવાની મારી ઈચ્છા છે, મારો પ્રયાસ છે. આપ સર્વે, મારા આ ભગીરથ કાર્યમાં સાથ સહકાર આપવા સજ્જ બનશો તો મારો પ્રયત્ન વેગીલો બનશે. ત્રેતાયુગમાં રામજીની મદદે વાનરસેના આવી હતી. કળિયુગમાં માનવતાના સંસ્થાપન અર્થે રાજયોગીજીની મદદે માનવ (મા+નવ) સેનાની જરૂર છે.

ઉઠો, જાગો, માનવતાનો સાદ પડ્યો છે. “ૐ મા ૐ” મંત્રજાપ અને નવસિધ્ધાંતોને અપનાવો. આપનું માનવતાનું વર્તુળ આપ વિકસાવો. આપ આપના માનવતાના વર્તુળનું કેન્દ્રબિન્દુ બનો.

મારાઆપસર્વેનેઆશીર્વાદછે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી