પરમાત્મા આલિંગન આપશે જ

વ્હાલા પ્રેમના પારેવડાંઓ,

       આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપની શુભેચ્છાઓ અને ભાવનાઓનો હું પ્રેમપૂર્વક સ્વીકાર કરું છું. દેશ વિદેશમાં વસતા ભાવિકો માટે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહની પ્રતીક્ષા કંઇક વિશેષ અનુભવગમ્ય બની રહેતી હશે. આધ્યાત્મિક ઉત્સાહનું પર્વ માણવા ભાવિકો સેવાદિન ચોથી સપ્ટેમ્બરથી જ શ્રધ્ધા કુટીરમાં સંધ્યાટાણે સત્સંગ માણવા પધારે છે.

       માતાજીના પ્રત્યક્ષ દર્શન કરવાની, અનુભૂતિ કરવાની, સાક્ષાત્કારની, દિવ્યવાણી શ્રવણની ઈચ્છા દરેક ભાવિકને હોય છે. કેટલાક ભાવિકો તો વળી એવું પણ કહેતા હોય છે કે, પૂજ્ય રાજયોગીને જો માતાજી સદેહે આવીને જન્મદિને વાત્સલ્ય વરસાવતા હોય, આશીર્વાદ આપતા હોય, કાર્યયજ્ઞ વિષે માર્ગદર્શન આપતાં હોય તો અમે પણ માતાજીના અને ગુરૂદેવના બાળકો છીએ ને ! અમને પણ પૂજ્ય ગરુદેવના માધ્યમ દ્વારા માતાજીના પ્રત્યક્ષ દર્શન, અનુભૂતિ, આશીર્વાદ અને માર્ગદર્શન મળે કે નહિ ?

વ્હાલા બાળકો,

       આપને પણ માતાજીનો સાક્ષાત્કાર થઈ શકે, માર્ગદર્શન અને આશીર્વાદ મળી શકે, માતાજીની પ્રત્યક્ષતાની અનુભૂતિ પણ થઈ શકે, તમારી ઈચ્છા, તમારી ભાવનાઓ મને અને માતાજીને આવકાર્ય છે. માતાજીને પણ તમને પ્રત્યક્ષ મળવાની, માતૃવાત્સલ્ય વરસાવવાની ઈચ્છા અને અધીરાઈ છે જ.

       એક ડોકટર માતાપિતાના બાળકને પણ માતાપિતાની જેમ સફળ અને પ્રતિષ્ઠિત ડોક્ટર બનવા માટે બાળકે પણ વિવિધ પરીક્ષાઓ તો પાસ કરવી જ પડે, વળી સફળતા અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે જરૂરી, યોગ્ય પુરૂષાર્થ તો કરવો જ પડે ને ! આધ્યાત્મિકતાનાં ઉત્તુંગ શિખર પર પહોંચવા માટે તમારે પણ પુરૂષાર્થ તો કરવો જ પડશે ને ! તમારે ફક્ત આસક્તિનું આવરણ હટાવવાની અને માતાજીને પહેચાનવાની અને માતાજી દ્વારા તમને થતી અનુભૂતિઓને સમજવાની ક્ષમતા કેળવવાની જરૂર છે.

       કેવો પુરૂષાર્થ કરવો અને ક્ષમતા કેવી રીતે કેળવવી ? તમારી અંતરતમ્ ઈચ્છા હશે તો દિવ્ય માર્ગદર્શન મળી જ રહેશે. મારા અનુભવના આધારે આપની આધ્યાત્મિક ક્ષમતા કેળવવા માટે અને સાત્વિક પુરૂષાર્થ કરવા માટે જરૂરી માર્ગદર્શન કરું છું. અપનાવશો તો તમારી ઈચ્છા “માતાજીના સાક્ષાત્કાર” ની ફળીભૂત થશે.

(૧)      પ્રથમ જરૂરિયાત છે, આપણા તન અને મનની શુધ્ધિ. આહાર, વિહાર અને વ્યવહારમાં શુધ્ધિ અને

સમતુલન, સત્સંગ, સ્વાધ્યાય અને સદગુરૂના શરણથી જ, તેમના આદેશોનું આચરણ કરવાથી જ મનની મલિનતા, મનના વિકારોને મિટાવી શકાય. મનોબળ મજબૂત કરી શકાય. આત્મજાગૃતિ લાવી શકાય.

(૨)     ભૌતિક સાધન, સંપત્તિ અને સગવડોમાં સંતોષનો ભાવ કેળવવો જરૂરી છે. સંતોષ હોય તો જ 

જીવનમાં શાંતિનું સુખ માણી શકાય. સગવડોનું સુખ ક્ષણિક હોય છે, વિભાજીત થતું રહે છે. જ્યારે શાંતિનું સુખ શાશ્વત છે. એષણાઓને ઓગાળ્યા પછી જ મનમાં સ્થિરતા, એકાગ્રતા આવી શકે છે. સાત્વિક વિચારોનું વાવેતર થઈ શકે. મન પરમાત્મા તરફ ઢળવા લાગે. સંતોષનો આવિર્ભાવ થતાં જ ક્ષમા, સહનશીલતા, નૈતિકતા અને અહિંસાનો ભાવ પ્રગટવા માંડે છે. પ્રભુ સ્મરણ, મનન, ચિંતનમાં મન પ્રવૃત્ત થવા લાગે છે, રુચિ દાખવે છે.

(૩)     નિયમિત ભાવપૂર્ણ ઉપાસનાની આદત પાડવાથી આપણા ઈષ્ટદેવ, મા ભગવતી સાથે એક આત્મીય

ભાવ જાગે છે, આત્મીય નાતો બંધાય છે. ઉપાસનામાં પરમાત્માના સ્મરણ અને સ્વરૂપને  જ ભાવપૂર્વક કેન્દ્રમાં રાખીને તમે નામસ્મરણ, જપ, તપ, ભજન, કીર્તન, સેવા, પ્રાર્થના, પૂજા વગેરે ભક્તિની કોઈપણ પધ્ધતિ  અપનાવો, પરમાત્માને તે સ્વીકાર્ય છે. એકવાર આત્મીયતા કેળવાઈ જાય પછી તો પરમાત્મા તમારા ઈષ્ટના સ્વરૂપમાં, તમારા મિત્ર, સખા, હિતેચ્છુના સ્વરૂપમાં, અરે, તમે પુકારો તે   સ્વરૂપમાં તમને મળવા માટે આવશે. તમારી સર્વાંગી સંભાળ  લેવાની જવાબદારી સ્વીકારી લેશે. પરમાત્માને જ તમારા જીવનનું કેન્દ્ર બિન્દુ બનાવો. અને તમે તેની ત્રિજ્યામાં કેન્દ્રથી જોડાયેલા જ રહો. પરમાત્માનો સતત સ્પર્શ તમારી ચેતનાને ચેતનવંતી બનાવતો રહેશે. તમારા આભામંડળને વધુ પ્રકાશિત અને ઘટ્ટ બનાવશે.

(૪)     સંસારમાં આપણું અસ્તિત્વ કર્મ કરવા માટે અને પ્રારબ્ધ કર્મ ભોગવવા માટે જ છે. કર્મ કરવા માટે

અને કર્મ ભોગવવા માટે પણ,  આપણામાં શારીરિક, માનસિક અને આત્મિક શક્તિની જરૂર  છે. આપણી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિનો સાત્વિક વિનિયોગ આપણું સાત્વિક, ઉજળું પ્રારબ્ધ નિર્માણ કરે છે. આપણું આત્મબળ વધારે છે. જીવનનાં ઝંઝાવાતો સામે ઝઝૂમવાની, જીતવાની ટક્કર ઝીલવાની ક્ષમતા, સહનશીલતા કેળવે છે. આપણું આત્મબળ આપણામાં જ વિલસિત આત્મરામની અનુભૂતિ  કરાવી આપે છે. પરમાત્મા સાથે અનુસંધાન કરાવી આપે છે.

(૫)      જીવનમાં આધ્યાત્મિક પંથના પ્રવાસી બનવા માટે આધ્યાત્મના ઉત્તુંગ શિખરો સર કરવા માટે, હૃદય

સિંહાસન પર વિરાજીત આત્મતત્વની અનુભૂતિ કરવા માટે, પરમાત્માના સાકાર સ્વરૂપે દર્શન કરવા માટે, જીવનમાં ત્યાગ અને સંયમનો ગુણ કેળવવો પડે. જીવન વ્યવહાર અતિ સરળ બનાવવો પડે. મન અને ઈન્દ્રિયો પર સંયમ કેળવવો પડે, એષણાઓનો ત્યાગ કરવો પડે.

       પરમાત્માની કૃપા અને સંત સદગુરૂના આશીર્વાદ અને માર્ગદર્શનથી આપણો આધ્યાત્મિક પંથ સરળ બની શકે છે. પરમની અનુભૂતિ, સહાય, સાક્ષાત્કાર શક્ય બને છે.

       આપ સર્વે આ પાંચ પગથિયાં ચઢી જાવ તો પરમાત્મા સ્વયમ્ એમનો હસ્ત લંબાવી આપને નીજની સમીપ ખેંચી લેશે, આલિંગન આપશે.         

મારા આપ સર્વેને આશીર્વાદ છે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી