વ્હાલા આત્મીયજનો,
માતાજીની પ્રેરણાથી જ મેં સાક્ષાત્કાર વેળાએ “મારા માનવબંધુઓની સેવા” ના વરદાન માટે પ્રાર્થના કરી હશે. જન્મદાતા માતાપિતાના સંસ્કારો અને મારા જન્મોજન્મના સંચિત કર્મોની ફળદ્રુપતા અને મા ભગવતી કૃપાશિષથી જ માનવ સેવાના મહાન કાર્યમાં મેં મારી જાતને સમર્પિત કરી દીધી. માનવસેવાની રૂચિથી જ આપણામાં માનવતા પ્રગટે છે.
આજનો માનવતા દિન માનવમાં માનવતા પ્રગટાવવાનો, માનવતા આચરવાનો અને માનવતા વિકસાવવાનો પ્રેરણા દિવસ છે. જૂના સત્સંગીઓ માનવતા આચરવામાં અને માનવતા વિકસાવવામાં આગેકૂચ કરી રહ્યા હશે. નવા સત્સંગીઓએ પોતાના મનમાં માનવતા પ્રગટાવવાની પ્રેરણા આજે લેવી પડશે.
માનવતા, જીવનશુધ્ધિનું એક પ્રેરક બળ છે. શુધ્ધ, સાત્વિક જીવનથી જ પરમાત્માનું સાનિધ્ય પામી શકાય છે, પરમાત્માના પ્રદેશમાં સ્થાન મેળવી શકાય છે.
જીવન શુધ્ધિ માટે શરીર અને મન બે અગત્યનાં સાધનો છે. શરીરની બાહ્ય શુધ્ધિ સ્નાનથી કરી શકાય છે. સ્નાનથી સ્વચ્છતા, સ્વસ્થતા અને તાજગીનો અનુભવ કરી શકાય છે. સાથે સાથે શુદ્ધ સાત્વિક આહાર વિહાર પણ શરીરની સ્વસ્થતા માટે જરૂરી છે.
મનની શુધ્ધિ માટે મનમાં જામેલા અશુભ વિચારો, અજ્ઞાન, અંધશ્રધ્ધા, દુર્ગુણો, આદતો, પૂર્વગ્રહો વગેરેના જાળાંને સાફ કરવા પડે, સત્સંગ, સંતસમાગમ અને સાત્વિક વાતાવરણ મનનો મેલ ધોવા માટે પાયાની જરૂરિયાત છે. શરીર અને મન એકબીજાના પરસ્પરાશ્રયી છે. એટલે મનનું સ્વાસ્થ્ય તનના સ્વાસ્થ્ય પર અવલંબે છે. તનની સ્વસ્થતા મનની શુધ્ધિ પર નિર્ભર છે.
તન અને મન સાથે જ જીવનયાત્રા શરૂ થાય છે અને વિકાસ પામે છે. જીવનયાત્રા દરમ્યાન પરમાત્માના પ્યારા બાળક બનવું હોય, પરમાત્માના દર્શન કરવાં હોય તો આપણું જીવન શુધ્ધ હોવું જોઈએ.
જીવનને શુધ્ધ સાત્વિક રાખવા માટે આપણે શું કરવું જોઈએ? કેવી રીતે જીવન શુધ્ધ કરી શકાય ?
પ્રથમ તો પરમાત્મા જ મારા જીવનના ચાલક, ધારક અને પ્રેરક બળ છે. તેવો દૃઢ ભાવ મનમાં પ્રસ્થાપિત કરવો જોઈએ.
બીજું આપણા “સ્વ કેન્દ્રીય” વર્તુળમાંથી બહાર નીકળી સમષ્ટિના વિશાળ ફલક પર આપણે જીવન જીવતાં શીખવું જોઈએ. ઘટાદાર ફળદ્રુપ વૃક્ષોની જેમ પરોપકારની ભાવના ખીલવવી જોઈએ. વૃક્ષને પરમાત્માએ અપાર સમૃધ્ધિ આપી તો વૃક્ષે પણ પોતાની સમૃધ્ધિને પરમની સૃષ્ટિના હિતમાં સમર્પિત કરી દીધી. ધોમધખતાં તાપમાં માનવ, પશુ પંખીઓને વિસામો આપ્યો, છાયા અને શીતળતા આપી, ફળ અને પાલો (પાંદડાં વેલા) આપી માનવ અને પશુઓની ક્ષુધા સંતોષી. પક્ષીઓને અને અન્ય જીવોને રહેવાની સગવડ કરી આપી. ફૂલો પ્રભુને ચરણે ધરી દીધાં. માનવ સ્વાસ્થ્ય માટે ઔષધિરૂપ તેના મૂળ, પાન, છાલ, ફળ વગેરે ધરી દીધાં. ભગવાને આપણને આપણી ક્ષમતા અનુસાર તન, મન, ધન, બુદ્ધિ અને શક્તિની સમૃધ્ધિ આપી જ છે. આપણે તેનો યથાયોગ્ય ઉપયોગ સમષ્ટિના શ્રેયાર્થે પણ કરવો જોઈએ. જો આપણામાં “સ્વ”ની સાથે સાથે સમષ્ટિના શ્રેયની ભાવના જાગે તો સમજવું કે, આપણામાં જીવન શુધ્ધિની શરૂઆત થઈ છે. અન્યને માટે જીવન જીવતાં જીવતાં અશુધ્ધ મન પણ શુધ્ધ થવા લાગે છે.
માણસ છીએ એટલે ક્યારેક ભૂલ થવાને પાત્ર છીએ. પરંતુ અન્યને ક્ષમા બક્ષી આપણે પશ્ચાતાપના અગ્નિથી ભૂલને બાળી નાખવી જોઈએ. તેનુ પુનરાવર્તન ન થાય તેની કાળજી રાખવી જોઈએ. ક્ષમાનો ભાવ આપણા અસ્તિત્વમાં ઉભરતો રહેવો જોઈએ.
નદીનાં જળ વહેતાં રહે છે માટે જ નિર્મળ રહે છે. આપણા સદ્ભાવની, પરોપકારની સરિતા અવિરતપણે નિર્વ્યાજ ભાવે વહેતી જ રહેવી જોઈએ.
પ્રેમ, દયા, કરુણા, ક્ષમા, અહિંસા, પરોપકાર વગેરે વ્યંજનોથી આપણા જીવનને શુદ્ધ કરતા જ રહેવું જોઈએ. આપણું નિત્ય નૈતિક જીવન એ જ પરમાત્માની પૂજા છે, આધ્યાત્મિકતાની આધાર શીલા છે. આપણું શુધ્ધ, પવિત્ર, સાત્વિક અને સમર્પણશીલ જીવન જ પરમાત્માને પ્રિય છે. પરમાત્મા પ્રેમાળ, પવિત્ર અને પરોપકારી જીવનમાં જ પ્રગટ થાય છે. જીવનશુધ્ધિ પામેલા સંતો દ્વારા પરમાત્મા પોતાના સૃષ્ટિ સંચાલનના કાર્યો કરાવે છે. સંતોના સમસ્ત અસ્તિત્ત્વમાંથી જ પરમાત્માનો પ્રેમ અને ઐશ્વર્ય નિખર્યા કરે છે. આપનું જીવન પરમનો પયગામ બને તેવા આશીર્વાદ સહ…..