વ્હાલા સખા અને સખીઓ,
શ્રીકૃષ્ણનો જન્મ અને કર્મ “જન હિતાય, જન સુખાય” માટે જ હતા. બાળક અને કિશોર શ્રીકૃષ્ણની યાદ આવતાં મોરપીંછ ધારી, વાંસળી વગાડતા, રાસ રમતા, ગાયો ચરાવતા તેમજ વિવિધ બાળ લીલાઓ કરતા કનૈયાની છબી માનસ પટ પર ઊપસી આવે છે.
યુવાન શ્રીકૃષ્ણની યાદ વિષ્ણુ સ્વરૂપે શેષશૈયા પર શયન કરેલા, ચરણની સેવા કરતા લક્ષ્મીજી, શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા લક્ષ્મીજીની સેવા સ્વીકારતા, પ્રસન્ન મુખાકૃતિ ધરાવતા શ્રીકૃષ્ણની ચારભૂજા ધારી વિષ્ણુના સ્વરૂપની છબી માનસ પટ પર ઊપસી આવે છે.
આપણી વૈદિક સંસ્કૃતિ એટલી ગૂઢ, અર્થસભર છે. પરમાત્માના વિવિધ સ્વરૂપોના દર્શન, તેમના આયુધો, પ્રતિકો અને તેમનું પ્રત્યેક કાર્ય, માનવને સમાજને, શીખ આપવા માટે જ હોય છે.
આજે આપણે વિષ્ણુ ભગવાનની ચારભુજાઓમાં શોભતા વિવિધ આયુધો અને પ્રતિકોનો ભાવાર્થ સમજવા પ્રયત્ન કરીએ. લક્ષ્મીજી સ્વયં શ્રી વિષ્ણુના ચરણની સેવા કરે છે.
શેષશૈયા પર આરામ કરતા શ્રી વિષ્ણુનું સ્વરૂપ આપણને શીખવે છે કે. દૂષણો યુક્ત ઝેરીલી વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું થાય તો નિર્ભય બનો, દ્રઢ મનોબળ કેળવો. સાત્વિકતા અને દ્રઢ સંકલ્પ શક્તિ કેળવવાથી જીવનમાં નિર્ભયતા આપોઆપ કેળવાઈ જાય છે. આપણા સરળ વ્યવહાર અને નૈતિકતાથી આપણી ફરતે એક પ્રભાવિત આભા પ્રસરી રહે છે. જેથી આસુરી વૃત્તિવાળી વ્યક્તિઓ આપણા વશમાં રહી શકે અથવા આપણું અહિત કરવા ધારે તો પણ કરી શકતી નથી.
લક્ષ્મીજી ચરણસેવા કરે છે. તેનું તાત્પર્ય મારી દ્રષ્ટિએ એવું છે કે, ચરણ એ આચરણનું પ્રતિક છે. સરળ, શુધ્ધ અને સેવાયુક્ત સાત્વિક અને નૈતિક આચરણ, જીવનવ્યવહારમાં હોય તો લક્ષ્મીજી હંમેશા આપણા પર પ્રસન્ન રહે છે. નારાયણની સાથે વાસ કરતી લક્ષ્મી હંમેશા કલ્યાણકારી, સૌભાગ્ય દેનારી જ હોય છે. આપણા મન અને વિચારોને ઉર્ધ્વગામી, રચનાત્મક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત કરે છે. વિષ્ણુનું પ્રસન્ન, વદન દર્શાવે છે કે, કોઈ પણ પરિસ્થિતિ માં હંમેશા પ્રસન્ન, આનંદી રહેવાથી આપણા તન, મન અને આત્માનું સૌંદર્ય ખીલી ઊઠે છે. હસ્તમાં શંખ દર્શાવે છે કે, હંમેશા સાત્વિક જ્ઞાનનો પ્રચાર કરો, સત્ય અને ન્યાયની જ તરફેણ કરો.
ચક્રનું પ્રતીક જીવનમાં ગતિશીલતા, ઉદ્યમ, પુરૂષાર્થ દર્શાવે છે. પુરૂષાર્થ કરીને જ આપણે આપણા પ્રારબ્ધ ને ઘડવાનું છે. બદલવાનું છે. જીવનમાં ક્યારેય નિષ્ક્રિયતા વ્યાપે નહિ, આળસ પ્રવેશે નહિ. તેની તકેદારી રાખવી જોઈએ. જીવનના કોઇ પણ તબક્કામાં તન અને મનને પ્રવૃત્ત રાખો.
ગદા એ શક્તિનું પ્રતિક છે. સાત્વિક શક્તિનો સમન્વય સાધીને સ્વ અને સમષ્ટિના સેવાકાર્યમાં, ઉત્કર્ષમાં અનાસક્ત ભાવે જોડાઈ જાવ. તન. મન, ધન, આત્માની જ્ઞાનની શક્તિનો સદુપયોગ સમષ્ટિના – શ્રેયાર્થે વાપરવાનો જ આગ્રહ રાખવાથી પરમાત્માની દિવ્ય શક્તિનો પ્રવાહ આપણી અંદર વહેતો વર્તાય છે.
પદ્મ એટલે કમળ, અલિપ્ત, અનાસક્ત ભાવ કેળવવાનું પ્રતીક છે. કાદવમાં, જળમાં રહેવા છતાંય લેપાતું કે ખરડાતું નથી.
કમળ તેની કોમળતા, સૌંદર્યતા, સુવાસના ગુણને વિપરિત પરિસ્થિતિ અને વાતાવરણમાં પણ અકબંધ રાખી શકે છે. આપણું અસ્તિત્વ પણ સંસારની માયાજાળ, પ્રલોભનો, દૂષણોથી ઘેરાયેલું વાતાવરણ અને અનેક અડચણોથી ઘેરાયેલું હોવા છતાં પણ જો આપણે અનાસક્ત, નિર્લેપભાવ કેળવીએ તો આપણું જીવન કમળ જેવું સુંદર, સુવાસમય બની શકે.
નરમાંથી નારાયણ, માનવમાંથી મહામાનવ બનાવવા માટે આપણે શ્રીકૃષ્ણના સ્વરૂપને, તેમના ઐશ્વર્યનો તાત્વિક અર્થ સમજીએ અને આપણા જીવનમાં અપનાવીએ તો જ તેમના પ્રાગટ્યની ઉજવણી નો સાચો આનંદ માણી શકાય. વર્ષો વીતી ગયા છતાં પણ શ્રીકૃષ્ણ આજે પણ લોકોના હૃદયમાં અદકેરું સ્થાન પામી શક્યા છે. શ્રીકૃષ્ણ ભગવાનના પ્રાગટ્ય અને તેમના સ્વરૂપને અને ઐશ્વર્યને સમજવાની અને જીવનમાં અપનાવવાનો સાત્વિક પુરૂષાર્થ કરવાની શક્તિ અને બુદ્ધિ મા ભગવતી અર્પે એવા આશીર્વાદ.