વ્હાલા કૃષ્ણ પ્રેમીઓ,
જન્માષ્ટમીના પાવન પ્રસંગે મારાં આપ સર્વેને જયશ્રી કૃષ્ણ . આજના પાવન પ્રસંગે દેશ- વિદેશમાં વસતા કેટલાક યુવાન ભાઈ – બહેનોએ પોતાની મૂંઝવણ, પોતાની અંદર ઘૂંટાતો વણઉકલ્યો પ્રશ્ન પૂછતાં મને જણાવ્યુ કે, આપણા દેશમાં, ભારતમાં અનામતનો પ્રશ્ન કેવી રીતે ઉભો થયો છે ? છૂત- અછૂતનો પ્રશ્ન હિન્દુઓમાં અને ખાસ કરીને કૃષ્ણભક્તોમાં વધારે પ્રચલિત છે. વર્ણવ્યવસ્થા કેવી રીતે શરૂ થઇ ? ઉચ્ચ શિક્ષણમાં, નોકરીમા અનામતની પ્રથા દાખલ કરી યુવાનોમાં વિકાસની તકોને રૂંધવામાં આવે છે . યુવાનોને અન્યાય કરવામાં આવે છે. વેર, દ્વેષભાવ ઉભો કરવામાં આવે છે.
જો દરેક વ્યક્તિમાં પરમાત્માનો અંશ એવો આત્મા જ વિલસી રહ્યો હોય, દરેક વ્યક્તિનું શારીરિક બંધારણ એક સરખું હોય તો પછી આવો વર્ણ કે વર્ગવિગ્રહ શા માટે હોવો જોઈએ ? શ્રીકૃષ્ણ ભગવાન તો ક્રાંતિકારી હતા. તેમના સમયમાં તો વર્ણાશ્રમ પ્રથા ન હતી. વળી આપશ્રી તો કૃષ્ણસખા છો અને ક્રાંતિકારી વિચારસરણી ધરાવો છે. વર્ણ વ્યવસ્થા અને સામાજિક અસમાનતા અંગે સ્પષ્ટતા કરવા વિનંતી છે.
વ્હાલા બાળકો, આજનું યુવામાનસ વૈજ્ઞાનિક સમીકરણો સાથે, વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાથે જ જવન જીવવાનો આગ્રહ રાખે છે. આપણે વૈજ્ઞાનિક અને ધાર્મિક દ્રષ્ટિકોણથી જ વર્ણ વ્યવસ્થા સમજવાનો પ્રયત્ન કરીએ.
ભારતમાં, હિન્દુ સમાજમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર. આ ચાર વર્ગોમાં સમાજ વહેંચાયેલો છે. આ એક સમાજિક વ્યવસ્થા છે. આમાં કોઈ વર્ગ ઊંચો અને કોઈ વર્ગ નીચો તેવો ભાવ હતો નહિ. સાંપ્રત સમયમાં આ વર્ગ વ્યવસ્થામાં ગેરસમજણ ઉભી કરવામાં આવી છે. જન્મ અનુસાર વર્ગ વહેંચાયો છે. જે પહેલાં કર્મ અનુસાર હતો. ક્ષુદ્ર સમાજ કર્મ અનુસાર ગણાતો હતો. જે અત્યારે નિમ્ન સ્તરનો વર્ગ ગણવામાં આવે છે. શ્રમજીવી વર્ગને આર્થિક રીતે પણ ગરીબ ગણવામાં આવે છે. શ્રમજીવી વર્ગને આર્થિક રીતે પણ ગરીબ ગણવામાં આવી રહ્યો છે, અને વર્ગ વિગ્રહ ઉભો થઇ ગયો છે. આ વર્ણવ્યવસ્થાનો રાજકીય ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. જે એક દુઃખદ અને શરમજનક ઘટના છે.
પરમાત્માએ જયારે માનવયોનિ ઉત્પન્ન કરી ત્યારે આવી વર્ણવ્યવસ્થાની ગેરસમજ નહોતી. દરેક વ્યક્તિના સ્વભાવ, કર્મ, બુધ્ધિ અને શારીરિક ક્ષમતા અનુસાર વર્ણવ્યવસ્થા કરી હતી. વર્ણ વ્યવસ્થા એક સામાજિક રચના છે. તેમાં અછૂતની કે નિમ્ન કક્ષાનો ભાવ અસ્તિત્વમાં જ નહોતો.
શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનના રથના સારથી બન્યા હતા. રાજવંશી હોવા છતાં તેમને કોઈ નાનમ લાગી ન હતી. ગરીબ સુદામાનો મિત્રભાવે આદર કરીને સુદામાનો જે સત્કાર કર્યો, લાલન – પાલન કર્યું અને પ્રેમ પ્રદર્શિત કર્યો તે અજોડ મિત્રતાના દર્શન કરાવે છે. શ્રીકૃષ્ણ માટે ગરીબ-તવંગર કે ઊંચ-નીચનો કોઈ જ ભાવ નહોતો. શ્રી રામજીએ શબરીના એંઠા બોર આરોગ્યા હતાં.
શ્રીકૃષ્ણ ભગવાનના જમાનામાં વર્ણવ્યવસ્થા આ પ્રમાણે હતી.
બ્રાહ્મણ તેને કહેવાય, જે જ્ઞાની, બુદ્ધિશાળી હોય, સમાજને પોતાનું જ્ઞાન, બુદ્ધિ પ્રદાન કરે. વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવામાં પોતાનું જ્ઞાન અને બુદ્ધિ પ્રદાન કરે. જ્ઞાન બુદ્ધિનું વ્યાપારીકરણ થતું ન હતું.
ક્ષત્રિય તેને કહેવાય, જે શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા ધરાવે. સમાજનું રક્ષણ કરવાની જવાબદારી લે અને અદા કરે. સમાજ અને રાષ્ટ્રની સુરક્ષાને પોતાના ધર્મ-ફરજ સમજે.
વૈશ્ય તેને કહેવાય, જે વ્યાપાર કરે, ખેતી કરી અનાજ ઉત્પન્ન કરે, સમાજ અને રાષ્ટ્રની આર્થિક વ્યવસ્થા કરે, સમાજ અને રાષ્ટ્રને સમૃદ્ધ કરવામાં પોતાનું યોગદાન આપે.
ક્ષુદ્ર કે સેવક કે શ્રમજીવી તેને કહેવાય, જેનામાં સેવાની ભાવના હોય, શ્રમ કરવાની ક્ષમતા હોય, સમાજની સર્વ પ્રકારે સેવા કરવાની ભાવના હોય, સમાજનું સ્વાસ્થ્ય અને સ્વચ્છતા જાળવવાની જવાબદારી અદા કરે.
સમાજના આ ચાર અંગો એકબીજાના પૂરક છે. એક અંગની પણ ઉપેક્ષા કે અવગણના થાય તો સમાજની વ્યવસ્થા ખોટવાઈ જાય. સમાજનું સ્વાસ્થ્ય કથળી જાય. સમાજની શક્તિ અને સ્વાસ્થ્ય ઉપર જ રાષ્ટ્ર નો વિકાસ આધાર રાખે છે. દરેક વ્યક્તિ ને કુટુંબના સુખ, શાંતિનો આધાર પણ સમાજના પ્રત્યેક વર્ગના સાથ, સહકાર અને સમત્વભાવ પર આધાર રાખે છે.
કર્મ અનુસાર ગોઠવાયેલી વર્ણ – વર્ગ વ્યવસ્થા જન્મ અનુસાર ગેરસમજથી ગોઠવાઈ ગઈ છે, અને તેને ધર્મનું પીઠબળ આપીને છૂત અછૂતનો પ્રશ્ન ઊભો કર્યો છે. પરમાત્માના આપણે સહુ બાળકો છીએ. ઊંચ–નીચનો ભાવ પરમાત્માના પ્રદેશમાં, આધ્યાત્મિક જગતમાં પ્રવેશી શકે જ નહિ, હોઈ શકે જ નહિ.
માનવ શરીરનિ રચના કરીને માનવ શરીરમાં જ પરમાત્માએ ચાર વર્ણો – બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર ની વ્યવસ્થા કરી છે.
(૧) મસ્તક : મગજ – જેમાં જ્ઞાન- બુદ્ધિ ભરેલા છે અને મગજ દ્વારા જ તેનો વિકાસ કરી શકાય છે.
માટે આ વિભાગ ને બ્રાહ્મણ કહેવાય.
(૨) બે ભુજાઓ અને છાતી નો ભાગ છે કે, જેમાં શક્તિ, ખમીર અને શૌર્ય ભરેલા છે,શરીરના કોઈ પણ
ભાગ નું રક્ષણ કરવા તે સક્ષમ છે. આ ભાગને ક્ષત્રિય કહેવાય.
(૩) ઉદરનો ભાગ છે જેમાં ખોરાકનું પાચન થાય છે અને શરીરના વિભિન્ન ભાગોને પોષણ પૂરૂં પાડે છે.
શરીરના આ ભાગને વૈશ્ય કહેવાય.
(૪) કમરથી નીચેનો ભાગ આખા શરીરની સેવા કરે છે. શરીરને યાત્રા કરાવવાનું, શુદ્ધ વાતાવરણમાં લઇ
જવાનું, તાજગી બક્ષવાનું કાર્ય પગ દ્વારા જ થાય છે. આ વિભાગ શરીરના સેવક છે.
આ ચારે વિભાગના સાથ અને સહકારથી જ શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. શરીરના પ્રત્યેક વિભાગનો વિકાસ સાધી શકાય છે.
જેવી શરીરની વ્યવસ્થા છે તેવીજ સમાજની વ્યવસ્થા છે.
સાંપ્રત સમયમાં સમાજનું સ્વાસ્થ્ય કથળી ગયું છે. તેનું મુખ્ય કારણ સમાજ વ્યવસ્થા ખોટવાઈ ગઈ છે. જન્મ પ્રમાણે કર્મ વ્યવસ્થાને કારણે સેવક વર્ગ ઉપેક્ષિત બનતો ગયો છે, જ્ઞાનથી જાતિના ભેદભાવ વધવા લાગ્યા છે. છૂત-અછૂત, અસ્પૃશ્યતાનું એક દૂષણ સમાજમાં પ્રવેશી ગયું છે. શારીરિક શ્રમ ને નિમ્ન કક્ષાનું ગણવામાં આવે છે જેથી આર્થિક અસમાનતા પ્રવર્તતી ગઈ. અજ્ઞાનતા, અશિક્ષણ અને અંધશ્રદ્ધાએ આ સેવક વર્ગને ભરડામાં લીધો અને અન્ય વર્ગોમાં – ( બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ) ક્ષુદ્ર – સેવક વર્ગ માટે ઉપેક્ષાનો ભાવ પ્રગટાવ્યો.
બધાજ વર્ગોમાં સેવા, સહકાર અને સમષ્ટિ નાં કલ્યાણ ની જગ્યાએ અહમ, સ્વાર્થ અને ઉપેક્ષિતતા નો ભાવ ભળ્યો તેથી સમાજનું સ્વાસ્થ્ય કથળ્યું. સામાજિક અવ્યવસ્થા, અરાજકતા, અસંતોષ, અવિશ્વાસ અને અસુરક્ષિતતાએ જન્મ લીધો. વર્તમાન રાજ્યકર્તાઓએ પોતાનો સ્વાર્થ સાધવા માટે તેમજ ઉપેક્ષિત વર્ગ ને આર્થિક સદ્ધરતા આપવા માટે અનામતનું દૂષણ દાખલ કરી સામાજિક અવ્યવસ્થામાં વધારો કર્યો.
અર્વાચીન યુગમાં રાજાઓ રાજકર્તાઓ, ન્યાયી અને નિસ્વાર્થી હતા. ધર્મગુરુઓ, સંતોનું માર્ગદર્શન, સલાહ સૂચન લઈને જ રાજ્ય ચલાવતા અને કાયદા કાનૂનમાં ફેરફાર કરતા હતા. ફરજ, કર્તવ્ય ને જ ધર્મ ગણવામાં આવતો હતો. સાંપ્રદાયિક કે જાતીય અસહિષ્ણુતા ન હતી. દરેક વર્ગ પોતાની ક્ષમતા અનુસાર પોતાની ફરજ નિભાવતો હતો.
વર્તમાન યુગમાં રાજકર્તાઓમાં સામાજિક અસંતુલન વધી ગયું છે. ધર્મને સંપ્રદાયના રૂપમાં જ સમજવામાં આવે છે. બિન સાંપ્રદયિકતાનાં ઓઠા હેઠળ ધર્મગુરુઓ, સંતો, સજ્જનનોની સલાહ, સૂચન, માર્ગદર્શન લેવામાં આવતા નથી. દેશમાં આર્થિક વિકાસ થયો હોવા છતા પણ સમાજમાં આર્થિક અસમાનતા વધી ગયી છે. ધનિક અને ગરીબ વર્ગ વચ્ચેની બુદ્ધિશાળી અને શ્રમજીવી વર્ગ વચ્ચેની ખાઈ વધી ગયી છે; જેને કારણે અરાજકતા, અનૈતિકતા, લૂંટફાટ અને આતંકવાદ જેવા અનિષ્ટ તત્વોનું પ્રમાણ વધી ગયું છે.
જન્માષ્ટમીનાં પાવન પર્વે આપણે જો શ્રીકૃષ્ણ ભગવાનને અંતરનાં ઊંડાણથી પ્રેમ કરતા હોઈએ અને તેમણે આપના હૃદયસિંહાસન પર વિરાજિત કર્યા હોય તો તેમના ક્રાંતિકારી વિચારોને, ક્રાંતિકારી આચરણને અને આદર્શોને આપના જીવનમાં અને વ્યવહારમાં અપનાવવા જોઈએ.
સાંપ્રદાયિક સહિષ્ણુતા, જાતીય સમાનતા, સર્વધર્મ સમભાવને અપનાવીએ, વર્ગ વિગ્રહ નાં દૂષણને દૂર કરી સમાજનું સ્વાસ્થ્ય સુધારવાનો સંકલ્પ કરી તે પ્રમાણે અનુસરીએ.
મારા આપ સર્વે ને આશીર્વાદ છે.