સેવાવ્રતધારી શ્રીકૃષ્ણ ભગવાન


પૂ. રાજયોગી નરેન્દ્રજીના સેવાદીનની સાથે સાથે આજે મારા પ્રિય સખા શ્રીકૃષ્ણજીનો જન્મદિવસ-જન્માષ્ટમી પણ છે. શ્રીકૃષ્ણજીએ સેવાવ્રત ધરીને મહામાનવ રૂપે પરદુ:ખભંજન કાજે જ પૃથ્વી પર અવતરણ કર્યું હતું. શ્રીકૃષ્ણની વિવિધ લીલાઓ નિ:સ્વાર્થ સેવાનો જ એક પ્રકાર છે.

દૂધ, દહીં, માખણથી વંચિત રહેતાં ગોકુલવાસીઓ, ગોપબાળકોને મથુરાના રાજા કંસ-પોતાના મામા હોવા છતાં પણ તેમના અન્યાયમાંથી બચાવ્યા. ગોપબાળકોનું સુખી સ્વાસ્થ્ય તેમના હૈયે વસેલું હતું. વળી, અન્યાય સામે નીડરતાથી અહિંસક લડત આપવાની શીખ પણ તેમની આ લીલામાં સમાયેલી હતી. પોતે માખણચોર કહેવાયા. બદનામી વહોરી, પરંતુ ચોરીનો આશય શુભ હતો, સેવાથી સભર હતો.

ઈર્ષ્યાથી યુક્ત દમનકારી મામા કંસના સાગરિતો અસુરોના ત્રાસમાંથી ગોકુલવાસીઓને, ગોપબાળકોને તેમજ ગાયોને પોતાના સામર્થ્યથી બચાવી લીધા.

ઇન્દ્રના ઇર્ષ્યાયુક્ત મેઘ પ્રકોપથી ભયભીત થયેલા ગોકુળવાસીઓને ગિરિરાજ પર્વત ઊંચકીને તેની નીચે આશ્રય આપી ભયમુક્ત કર્યા. ઇન્દ્રના ઈર્ષ્યાગ્નિને ઠારી નાખ્યો, પરાજિત કર્યો.

કુરુક્ષેત્રના રણમેદાનમાં ધર્મના પક્ષમાં રહી અધર્મનો નાશ કર્યો અને ધર્મયુક્ત પાંડવોને વિજય અપાવ્યો.

અસુર રાજાઓના ત્રાસયુક્ત વ્યવહારથી કેદમાં પૂરાયેલી કન્યાઓને મુક્ત કરી આશ્રય આપ્યો.

ગરીબ મિત્ર સુદામા સાથેના દ્વારિકા મિલન વેળાએ શ્રીકૃષ્ણજીનો વ્યવહાર એક રાજા હોવા છતાંય કેટલો સરળ, નિર્મળ અને નિર્દોષ હતો.
સેવાવ્રતધારી, અહમથી અળગો,સરળ,સુલભ અને સહજતાથી મળી શકે તેવી શીખ અને સંદેશ મળી રહે છે.

યમુનાના વિષયુક્ત જળ કરનાર કાલિયનાગનું દમન કર્યું. અહીંયા કાલિયનાગની વાત સિમ્બોલિક છે.

કાલિયનાગ : એટલે ષડવૃત્તીઓથી દૂષિત થયેલું માનવ મન.

નાગણીઓ : એટલે આપણી ઇન્દ્રિયો જે મનના નિયંત્રણમાં છે.

યમુનાના વિષયુક્ત જળ એટલે મનની મલિનતાથી ખરડાયેલું આપણું આંતરબાહ્ય વાતાવરણ.
બાળકૃષ્ણ એટલે આપણા આત્માનું મન પર નિયંત્રણ.

બાળ કૃષ્ણનું નાગના મસ્તક પર નર્તન કરવું એટલે આત્માના ઓજસથી, આત્માના અવાજથી, મનને સાત્વિક્તામાં પરિવર્તિત કરવાની પ્રક્રિયા. સત્સંગ, સંતસમાગમ, સદગુરૂના સાનિધ્યમાં રહેવાથી મનની મલિનતા દૂર થાય છે . આનંદ અને પ્રસન્નતા વર્તાય છે . આપણું આંતરબાહ્ય વાતાવરણ શુદ્ધ સાત્વિક થવા લાગે છે.
મહામાનવરૂપે અવતરેલ શ્રીકૃષ્ણજી મહાન, નમ્ર, નિ:સ્વાર્થી, નિર્મળ અને સેવાવ્રતધારી પૂર્ણ પરુષોત્તમ હતાં.આજના શુભ દિને શ્રીકૃષ્ણજીના સેવાના ગુણોને આપણામાં પ્રગટાવીને, વિકસાવીએ અને આચરણમાં મૂકીએ.

મારા આપ સર્વેને આશીર્વાદ છે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી