નિર્મળ જીવન વ્યવહારથી જ શિવ – જીવનું સાયુજ્ય સાધી શકાય.

વ્હાલા બાળકો,

આજે શિવભક્તિનું પૂર શિવભક્તોમાં ઉમટશે, શિવાલયો માનવ મહેરામણથી ઉભરાઈ જશે. ૐ નમ: શિવાયના મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ આંદોલિત થઈ રહેશે. શિવપૂજા, અર્ચના, રૂદ્રીપાઠ, મંત્રજાપ વગેરે વિવિધ રીતે અને વિવિધ ઉપકરણોથી પોતાની ભાવગંગા વહાવીને શિવભક્તો આજે સંતૃપ્તિ અનુભવશે.

આ ભાવગંગાનું વહેણ અવિરત વહેતું રહે અને શિવસાગરનો સંસ્પર્શ  સદાય અનુભવાતો રહે તેવું જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જીવનમાં વ્યાપેલા કે ઉમટતા અજ્ઞાનરૂપી અંધકારને જ્ઞાનના પ્રકાશથી વિદારવાનો અને જીવને શિવત્વમાં પરિવર્તિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. નિર્મળ જીવન વ્યવહારથી જ જીવ શિવનું સાયુજ્ય સાધી શકાય.

આજે લોકો ભગવાનને મનના ભ્રમની ભૂમિકા ઉપર ભજે છે. શું આવા ભ્રમથી શિવત્વનો સાચો પ્રસાર માનવમનમાં થતો હશે? આજે માનવમનમાં સાચી અનન્ય શ્રધ્ધાની ઉણપ વર્તાય છે. લોકો પરમાત્માના પ્રતિબિંબને પૂજે છે. પરમાત્માનું ચૈતન્યતત્વ તો અજ્ઞાન અને અંધશ્રધ્ધાના વાદળાં પાછળ અદ્રષ્ય જ રહે છે.

સાંપ્રત સમયમાં ધર્મના નામે સાંકડી સાંપ્રદાયિક વાડાબંધીમાં આપણે આપાણી શ્રધ્ધાના નીરને વહાવી રહ્યાં છીએ. સંપ્રદાયોની સાંકડી ગલીઓમાં જ આપણે ઘૂમી રહ્યાં છીએ. ધર્મના એક જ રાજમાર્ગ પર ચાલવાનું જ્યારે આપણે વિચારીશું અને અમલમાં મૂકીશું ત્યારે જ આપણે આધ્યાત્મિકતાના વિશાળ ફલકને માણી શકીશું.

આપણે આપણી જાતને જગાડવાની છે. સંપ્રદાયની સાંકડી શેરીમાંથી ધર્મના-માનવધર્મના રાજમાર્ગ પર ચાલવાની શરૂઆત કરવાની છે અને આગળ વધવાનું છે. આપણે જાગીશું તો જ જગતને જગાડી શકાશે. આપણા જીવનનો હેતુ શું છે તે આપણે સમજવાનું છે અને અપનાવવાનું છે. સત્યમ્ શિવમ્ સુંદરમથી સભર સાત્વિક જીવન જીવવાનું છે અને તે સંદેશો આપણા વાણી, વર્તન અને વ્યવહાર દ્વારા લોકો સુધી પહોંચાડવાનો છે.

દરેક વ્યક્તિના જીવનમાં દોષો તો રહેવાના જ છે, પરતું આપણે આપણા સદગુણો ઉપર જ મનને કેન્દ્રિત કરવાનું છે. સદગુણોના વિકાસ માટે, તેમાં અભિવૃધ્ધિ કરવા માટે સતત પ્રયત્ન કરતા રહેવાનું છે. દોષો, દુર્વૃત્તિઓ આપોઆપ હળવા થશે, નીકળવા લાગશે.

જો ભૂતકાળમાં આપણે કોઈ મોટો દોષ કે ગુનો કર્યો હોય તો તેને યાદ કરીને, મનથી કોચવાઈને વર્તમાનને કલુષિત કરવાની જરૂર નથી. પશ્ચાતાપના વારિથી દોષોને, ગુનાઓને ધોઈ નાખો. પાપના તાપથી દાઝયા કરવાની કે ગમગીન રહેવાની જરૂર નથી. સત્સંગની ભાગીરથીમાં દરરોજ સ્નાન કરી સદગુણોનો વિકાસ કરવામાં જ જીવનનું શ્રેય છે.

આપણી ઉપાસનાના માર્ગને અવરોધતા અંધકારરૂપી આળસ, નિંદ્રા,  કુટેવો, સાંસારિક વ્યવહારો, વ્યાવસાયિક ફરજોને ઓળખી લઈ તેને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઉપાસનામાં નિયમને શિસ્ત આ અવરોધોને વિદારવામાં-હટાવવામાં મદદ કરશે.

આપણે આપણા જીવનનું કેન્દ્રબિંદુ નક્કી કરીને પૂર્ણ વર્તુળ દોરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. કોઈપણ પરિસ્થિતિમાં જીવનનો સાત્વિક વિકાસ કરવાનો દ્રઢ સંકલ્પ કરવો જોઈએ.

દરરોજ નિયમિતપણે મનના માનસસરોવરમાં સ્નાન કરી, શુધ્ધ ભાવે સાત્વિકતાથી સભર, સમગ્ર અસ્તિત્વથી હૃદયસિંહાસન પર વિરાજીત શિવ પરમાત્માના દર્શન કરવા જોઈએ. દરરોજ શિવરાત્રી ઉત્સવ મનાવવો જોઈએ. જીવનયાત્રા દરમિયાન જીવ અને શિવનું સામંજસ્ય સદાય બની રહે, અદ્વૈતભાવ કેળવાયેલો રહે તેવા સાત્વિક, સત્સંગી વાતાવરણમાં રહેવાનો જ આગ્રહ રાખવો જોઈએ.

મારા આપ સર્વેને આશીર્વાદ છે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી