વ્હાલા બાળકો,
આજે મહાશિવરાત્રી છે. આમ તો દર મહિનાની વદ ચૌદસને શિવરાત્રી કહેવાય છે. ચૌદસ પછી અમાસ આવે. અમાસની રાત્રી અંધકાર રાત્રી છે. જીવનમાં અજ્ઞાન, અંધશ્રદ્ધા અને વિકારોનો અંધકાર જામે- વ્યાપી જાય ત્યારે શિવત્વને જાગ્રત કરી જીવાત્માને અકલ્યાણકારી વાતાવરણમાંથી ઉગારી લેવાનો સંકલ્પ દિવસ છે. જીવ અને શિવનું ઐકય સાધવાનું પાવનકારી મહાપર્વ શિવરાત્રી છે.
શિવજી સત્વ, રજસ અને તમસ ત્રણેય ગુણોના અધિષ્ઠાતા છે. માનવ શરીર પણ આ ત્રણ ગુણોની વધતી ઓછી માત્રાથી સભર છે. માનવ શરીરનું અણુએ અણુ શિવચૈતન્યથી સભર છે.
આપણા માનવ શરીરમાં શિવનો વાસ હૃદયમાં છે. જીવાત્મા વિકારોથી મુક્ત થઈ આજ્ઞાચક્રના પ્રવેશદ્વાર દ્વારા શિવતત્ત્વને પામી શકે. ધ્યાન કેન્દ્રિત કરતી વખતે અથવા ધ્યાનમાં હંમેશા આજ્ઞાચક્રમાં જ જ્યોતિસ્વરૂપ પરમાત્માના દર્શન થાય છે. આ પ્રકાશ પુંજના સહારે જીવ અંતરની યાત્રા આરંભે તો સમયાંતરે શિવ-જીવનું મિલન-ઐક્યતા શક્ય બને છે.
શિવજીને પ્રસન્ન કરવા માટે, આત્મીયતા કેળવવા માટે આપણે શિવજીના ગુણોને આત્મસાત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિવજી જેવા ભોળા, નિર્દોષ, કલ્યાણકારી ગુણો અપનાવવા જોઈએ.
ગંગાજીનું ધરતી પર અવતરણ કરાવવાના શુભ આશયથી ભગીરથ રાજાએ ભગીરથ તપ કરી, શિવજીને પ્રસન્ન કરી, ગંગાજીને ધરતી પર લાવ્યા. ભગીરથ રાજાએ પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કર્યો. સાથે સાથે સમષ્ટિના શ્રેયનું કલ્યાણકારી કાર્ય કર્યું.
આપણે પણ આપણી ક્ષમતા અનુસાર, પરમાત્માનું સતત સાનિધ્ય કેળવી, અજ્ઞાન, અંધશ્રદ્ધા અને દુષણોના આવરણથી મુક્ત થઈ સ્વ અને સમષ્ટિના શ્રેયનું કાર્ય નિ:સ્વાર્થભાવે કરવાનું વ્રત આજના શુભ પર્વે હોવું જોઈએ. સત્ સંકલ્પો, સત્ કાર્યો અને સેવાની સામગ્રીથી જ શિવજીની સેવા પૂજા કરી શકાય. આજના મહાપર્વનો ઉત્સાહ જીવનભર ટકાવી રાખીએ અને સમસ્ત અસ્તિત્વને શિવત્વમાં ઓગાળી દઈએ તેવી શક્તિ, સમજ અને સામર્થ્ય માટે પરમાત્માને પ્રાર્થના કરીએ.
આપનો શિવસંકલ્પ ચિરંજીવ રહે તેવા આશીર્વાદ.