માનવતાનો મહાયજ્ઞ

વ્હાલા આત્મીયજનો,

આજે માનવતાદિન છે. મારી જીવનયાત્રા બ્યાંશી (૮૨) વર્ષ પૂર્ણ કરી ત્યાંશીમા (૮૩) વર્ષમાં આજે પ્રવેશી રહી છે. મારું તન દવે પરિવારનું છે પરંતુ મન અને આત્માનું અસ્તિત્વ દિવ્ય મા ભગવતીની અમાનત છે. પ્રસવની પીડા પૂજ્ય પરસનબાએ સહી અને સંસ્કાર સિંચન કર્યું. મારા સમસ્ત અસ્તિત્વનું ઘડતર માતાજીએ કર્યું છે.

મારા જીવનના એકતાલીસ વર્ષ મારા બા-બાપુજીએ પોતાની મમતા વાત્સલ્ય વરસાવી મારી અને મારા પરિવાર (સંસાર)ની જવાબદારી નિભાવી. મને આદર્શ પુત્ર, ભાઈ, પતિ, પિતા, મિત્ર, સેવકના વિવિધ ક્ષેત્રોમાં સહાય, માર્ગદર્શન આપી એક આદર્શ નાગરિક તરીકે મારા જીવનને સંવાર્યું.

દિવ્ય મા ભગવતીએ તો મારા જન્મની સાથે જ મારા સંવર્ધનની જવાબદારી સ્વીકારી લીધી. ભવિષ્યમાં પરમશક્તિ મા ભગવતીની મરજી અનુસાર-આયોજન અનુસાર યોજાનાર માનવતાના મહાયજ્ઞમાં મને સેનાપતિ બનાવવાનું ચણતર, ઘડતર માતાજીએ શરૂ કરી દીધું. મારામાં દિવ્ય શક્તિનો સંચાર કરવા સાત દિવસ સુધી પયપાન કરાવ્યું અને તે પણ મારા પ્રિય સખા રણછોડજીના સાનિધ્યમાં. માતાજી અપ્રગટરૂપે અને અન્ય સંબંધીના સ્વરૂપે, અન્ય હિતૈષીના સ્વરૂપે મારું સંવર્ધન, સંરક્ષણ અને સુસ્વાસ્થ્યનું આયોજન કરતા રહ્યાં.

યજ્ઞોપવિત સંસ્કાર લીધા પછી નિયમિત ગાયત્રી મંત્રનો નિયમ જળવાઈ રહ્યો છે. તેવીસમાં વર્ષે ૧૯૫૫માં મેં ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કર્યું ત્યારે એક મધરાતે માતાજી સ્વયમ્ પ્રગટ થઈ મને દર્શન આપ્યાં અને હસ્ત લંબાવી મને નિજ અસ્તિત્વમાં સમાવી લેવાનો સંકેત આપ્યો. સંસારની ખાટીમીઠી માણી જીવનના ચાલીસ (૪૦) વર્ષ ગોધરામાં સંતોના અને મંદિરોના સાત્વિક ભક્તિસભર વાતાવરણમાં વિતાવ્યાં.

ઑફિસમાં અસહકાર-રાગદ્વેષનું નિમિત્ત બનાવી માતાજીએ મારા જીવનને નવો વળાંક આપ્યો. બીજી સપ્ટેમ્બર ૧૯૭૧ના શુભ દિવસે બસમાં ગોધરાથી અમદાવાદ આવ્યો. જાજરમાન યુવતીના સ્વરૂપે માતાજી મારી સાથે જ બસમાં હતાં. માતાજીએ વાતોવાતોમાં લાલચો આપી મારી શ્રદ્ધાની, મારી નિષ્ઠાની ચકાસણી કરી પરંતુ ‘અમદાવાદ જવાની તૈયારી કર’ એવા સ્વપ્નના આદેશને હું કેવી રીતે અવગણું ?

સીવીલ હોસ્પિટલમાં મેટ્રન તરીકે ફરજ બજાવતાં બહેનજીના ક્વાર્ટર્સમાં માતાજીએ મને સ્થાપિત કર્યો.

માનવતાના મહાયજ્ઞનો આરંભ તારીખ ૧૩-૨-૭૫ ગુરુવારથી શરૂ થયો. માતાજીએ પ્રત્યક્ષતાના અનુભવો કરાવ્યા. કંકુ, ફુલ, પ્રસાદી, આભૂષણો સુવાસિત વાતાવરણનો અનુભવ કરાવ્યો. મને અગોચર દૃષ્ટિ પ્રદાન કરી છત્રયોગ (રાજયોગ)નો સંકેત આપ્યો.

૧૩-૩-૭૫ ગુરુવારે મહાશિવરાત્રીના દિવસે સેવા-પૂજા-રૂદ્રપાઠ કરીને ઉઠ્યા પછી મારા ગળામાં મોતીની માળા આવી ગઈ. માતાજીએ સેવાયજ્ઞ અને માનવતાના મહાયજ્ઞનો આદેશ આપી દીધો. સત્યઘટનાના પ્રસંગો અને અગોચર મનની અજાયબીના લેખોની સંદેશની હારમાળાએ સેવાયજ્ઞનો માહોલ બનાવી દીધો.

૫-૯-૭૬ રવિવારે મધરાતે માતાજીએ પ્રત્યક્ષ પ્રગટ થઈ મને સાક્ષાત્કાર કરાવ્યો. વાત્સલ્ય અને મમતાની મીઠાશ માણતાં માણતાં માતાજીએ મને વરદાન માંગવાનું કહ્યું. માનવબંધુઓની સેવા માટે મેં માતાજીને વિનંતી કરી – પ્રાર્થના કરી. માતાજીએ તથાસ્તુ કહી મારી પીઠ થાબડી. મોક્ષ માટે મને લલચાવ્યો પરંતુ મારા સેવાયજ્ઞના નિર્ણયને સ્વીકારી, નોકરીની ચિંતા ન કરવા જણાવી, માતાજી અંતર્ધ્યાન થઈ ગયાં.

૬-૯-૧૯૭૬થી ઑફીશીયલી માનવતાના મહાયજ્ઞનો બંસીધર ભંગલે, કાંકરિયા મણિનગરમાં પ્રારંભ થયો.

૪-૯-૧૯૭૯થી નિલોષામાં સેવાયજ્ઞ શરૂ થયો. આધિ-વ્યાધિ-ઉપાધિથી ત્રસ્ત વ્યક્તિઓની વ્યક્તિગત મુલાકાત, માર્ગદર્શન, જીવનજળ, શક્તિપ્રદાન સારવાર વિગેરે સેવાઓ માતાજીની પ્રેરણા આદેશ અને માર્ગદર્શન અનુસાર થવા લાગી.

સેવાનું સ્થળ, આયોજન, કાર્યકર્તાઓની સ્વૈચ્છિક સેવાઓ સ્વયં સંચાલિત ચાલવા લાગ્યું. વ્યક્તિગત સેવાઓનું ક્ષેત્ર જુદા જુદા શહેરોમાં, ગામડાંઓમાં તેમજ વિદેશોમાં આયોજીત થવા લાગ્યું.

સેવાની ક્ષિતિજો વિસ્તરતી ગઈ અને ફલકો બદલાતા ગયાં. હવે વ્યક્તિગત સેવાના ક્ષેત્રની સાથે સાથે વૈશ્વિક સેવાઓની જરૂરિયાત વધતી ગઈ. માનવસર્જિત અને પ્રકૃતિસર્જિત સમસ્યાઓ વધતી ગઈ.

દેશના રક્ષણ માટે, સીમાઓની સુરક્ષા કરવાની, ધાર્મિક સ્થળોને અસામાજિક તત્વોથી સુરક્ષિત કરવા, માનવસર્જિત અને કુદરત સર્જિત સમસ્યાઓના નિરાકરણ, સલામતી માટે માતાજીએ વિવિધ મંત્રો દર્શાવી, શક્તિ આપી, માર્ગદર્શન, પ્રેરણા આપી સમસ્યાઓને સુલઝાવી અને નિવારી દીધી.

પ્રેતાત્મા શાંતિ મુક્તિ યજ્ઞ દ્વારા માનવો અને પશુઓની સેવા, અકસ્માત નિવારણ વિધિ, સીમા સુરક્ષા દ્વારા દેશની રક્ષાની સેવા, મંદિર અને ધાર્મિક સ્થળોની સુરક્ષાની સેવા, ધરતીકંપ, સુનામી, વાયુનો પ્રકોપને શાંત કરવાની સેવા.

માનવજીવનમાં સાત્વિક સંસ્કારોના સિંચન માટે નવસિદ્ધાંતોના આચરણનું માર્ગદર્શન, અંધશ્રદ્ધાથી અટવાતા માનવમનને શ્રદ્ધાસભર પ્રેમભક્તિ યુક્ત સાત્વિક આચરણનો આદર્શ બતાવ્યો. માનવતાના મહાયજ્ઞમાં સાત્વિક, આચાર, વિચાર અને વિશ્વબંધુત્વની ભાવનારૂપી ઘીની આહૂતિ આપતા રહીએ. માનવતાને મહેંકાવતા રહીએ, સાત્વિક સંસ્કારી ભાવિ પેઢીનું નિર્માણ કરતા રહીએ તેવી શુભભાવના સહ

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી