જીવનના દરેક ક્ષેત્રમાં વિકાસ કરવો હોય, સિદ્ધિ મેળવવી હોય તો, પરિવર્તન લાવવું હોય તો, આત્મબળ, હિમ્મત અને મજબૂત મનોબળની આવશ્યકતા છે.
મનોવિજ્ઞાનનો નિયમ છે કે આપણે કોઈ રચનાત્મક કાર્યનું આયોજન કરીએ એટલે મન એની મર્કટતા ચાલુ કરી દે છે. મનોબળને નિર્બળ બનાવવા અનેક બહાના બતાવે છે, વચ્ચે અડચણો ઉભી કરે છે, રુકાવટ કરાવે છે.
કાર્ય સિદ્ધ કરવું હોય તો, નિશ્ચય બળ, સંકલ્પ બળ વધારવા મનના આવેગોનું નિયંત્રણ કરીએ. હિમ્મત,સાહસિકતા અને નિશ્ચયને ગાઢ સબંધ છે. સંકલ્પ શક્તિ જ આપણામાં હિમ્મત અને સાહસિકતા જન્માવે છે.
જીવનમાં મુસીબતો ઉદ્ભવે ત્યારે જ હિમ્મત,સાહસિકતા અને નિશ્ચય બળ મજબૂત બને છે. આળસ, બેદરકારી વિકાસને રૂંધે છે. જીવનના લક્ષને હાંસલ કરવું હોય, સ્વ અને સમાજમાં સાત્વિક, રચનાત્મક પરિવર્તન લાવવું હોય તો, સાત્વિક પ્રારબ્ધ નિર્માણ કરવું હોય તો સંકલ્પ શક્તિની સાથે સાથે પુરુષાર્થ, શ્રદ્ધા, સહયોગ અને રચનાત્મક અભિગમ કેળવવો જરૂરી છે.