વ્હાલા બાળકો,
આજે સેવાદિન છે. નિલોષા સેવાતીર્થ તેના ૨૯ વર્ષમાં પ્રવેશી રહ્યું છે. યોગાનુયોગ આજે જન્માષ્ટમી-કૃષ્ણ જયંતિ પણ છે. શ્રીકૃષ્ણ ભગવાન ‘સેવા’ના મૂર્તિમંત સ્વરૂપ હતા. માનવ સેવા માટે જ અને જીવસૃષ્ટિની સહાય અને સંવર્ધન માટે જ પરમાત્માએ શ્રીકૃષ્ણ સ્વરૂપે અવતાર ધારણ કર્યો હતો.
આજે આપણે સેવાના સ્વરૂપને પહેચાનીએ. સેવા કરવી એ માનવમાત્રનો ધર્મ છે, ફ૨જ છે. દરેક વ્યક્તિએ જીવનકાળ દરમિયાન પોતાની શક્તિ અનુસાર પરમની સૃષ્ટિના પ્રત્યેક જડ ચેતન સર્જનની તન, મન અને ધનથી યથાયોગ્ય સેવા કરવી જોઈએ. સેવા કાર્યમાં સ્વાર્થ, આસક્તિ કે અભિમાન ક્યારેય ભળી ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ, સતર્કતા કેળવવી જોઈએ.
સેવાને ઉપકાર કર્યાના ભાવમાં ક્યારેય ખપાવવી નહિ. સેવા લેનાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવી જોઈએ અને સેવા કરવા માટે પોતાની જાતને નિમિત્ત માત્ર જ ગણવી જોઈએ. સેવાની તક આપવા માટે પરમાત્માનો હૃદયપૂર્વક આભાર માનવો જોઈએ.
સેવા કરો, વળતરની-ફળની અપેક્ષા, પદ, પ્રતિષ્ઠા, માનની કે આભારની અપેક્ષા પણ ન રાખવી. સેવકના સ્વરૂપમાં ક્યારેય શેઠ બની ન જવાય, નાના-નાના સેવકોનો સમુદાય ઉભો કરી અહમ્ પોષાય તેવું વાતાવરણ કે પરિસ્થિતિ નિર્માણ ન થઈ જાય તેની સતત સાવચેતી રાખવી જોઈએ. સેવા કરવાનો સદવિચાર આપવા માટે અને સેવાની તક આપવા માટે પરમાત્માનો ઉપકાર માનીએ. સેવામાં સમર્પણ, સાવધાની અને વિવેકની આવશ્યકતા છે.
ગુરૂદેવ, સંતો, સજ્જનો અને સાધુ મહાત્માઓની સેવા સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી કરીએ. આ મહાન આત્માઓ, મહાનુભાવોની સેવા કરતી વખતે તેમના સ્વરૂપને, સિધ્ધાંતને, જીવન વ્યવહારને ધ્યાનમાં રાખીને જ સેવાની પ્રક્રિયા અપનાવીએ. ત્યાગી, વૈરાગી, સંતની સેવામાં રાજમુગટ, ભોગવિલાસના સાધનો અસ્થાને છે. સંતના વિશિષ્ટ સ્વરૂપની હાંસી થાય, તેમની વિતરાગ ઉપર કલંક લાગે, તેમની સાધના સંપત્તિનો ક્ષય થાય, તેમના ઉચ્ચ આસનથી તેમનું અધઃપતન થાય, અહિત થાય એવી કોઈપણ વેવલાઈભરી કુપ્રવૃત્તિથી હંમેશા દૂર રહેવું. સેવા કરવામાં પણ વિવેક દાખવવો જોઈએ. સંતના આદર્શ સ્વરૂપને ધ્યાનમાં રાખીને જ સેવકોએ, શિષ્યોએ તેમની સેવા કરવી જોઈએ. ઘણી વખતે વેવલા સેવકો, શિષ્યો, સંતના આદર્શોને છિન્ન – ભિન્ન કરીને સંતને વંદનીયમાંથી નીંદનીય બનાવી દે છે.
સંતની ગરિમા સચવાય તે રીતે જ તેમની સેવા સુશ્રુષા કરવી જોઈએ. બાણશૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહનું મસ્તક લટકતું હતું. હિતેચ્છુઓએ સુકોમળ તકિયા લાવીને તેમના મસ્તકને ટેકવવા પ્રયત્ન કર્યા પરંતુ પિતામહ મૂંઝાયા. તેમણે અર્જુનને બોલાવીને તેમના ઝૂલતા મસ્તકને ટેકવવા જણાવ્યું. ચતુર અર્જુન પિતામહના મનની વાત સમજી ગયા અને તેમની ગરિમાને શોભે તે રીતે ત્રણ બાણ મારીને વીરોચિત તકિયો બનાવી દીધો અને ઝૂલતા મસ્તકને બાણના તકિયા પર ટેકવી દીધું. ભીષ્મ પિતામહ વીર અર્જુન પ૨ ખુશ થઈ ગયા અને અંતરના આશીર્વાદ આપ્યા.
બાણશૈયા પર તકિયો પણ બાણનો જ શોભે ને ! રૂના સુવાળાં તકિયા ભીષ્મ પિતામહની શૂરવીરતાના રૂપમાં તેમનું અપમાન હતું. વીરતાની હાંસીરૂપ હતું. તેમની મહત્તાનું, પ્રતિષ્ઠાનું અન્ય સેવકોના મનમાં અજ્ઞાન હતું.
આપણા સગાં-સ્નેહી કે નિકટના સંબંધી કદાચ વ્રત, તપ, ત્યાગ આદિ કરવા પ્રેરાય, સંયમનો, ત્યાગનો માર્ગ અપનાવે તો મોહ મમતાના આશ્રય હેઠળ તેને સંયમના સાત્વિક માર્ગેથી ચલાયમાન કરી અસંયમના, અસાત્વિક માર્ગે દોરી જવાનો પ્રયત્ન કરવો જોઈએ નહિ. તેમના સાધનાના માર્ગમાં તેને સાનુકૂળ વાતાવરણ અને યોગ્ય સહકાર પૂરો પાડવાનો પ્રયત્ન કરીએ તે પણ એક મહાન સેવા છે.
દીન, હીન અને અસહાય બાળક પર જેમ માતાપિતાનો વધુ પ્યાર અને ધ્યાન હોય છે તેવી જ રીતે નિરાધાર, નિઃસહાય, અનાથ અને ગરીબ બાળકો પર જગતજનની મા ભગવતીનો પણ વિશેષ પ્રેમ હોય છે. જગતજનનીનો પ્યાર મેળવવો હોય તેના કૃપાશિષના અધિકારી બનવું હોય તો આવા નિરાધાર, જગતજનનીના બાળકો પર મમતાનો હાથ લંબાવીએ, વાત્સલ્યની વર્ષા કરીએ અને તન, મન, ધનથી અનાસક્ત ભાવે મદદ કરીએ.
આપણા હૃદયભંડારમાં ભરેલી ભાવનાનો ભંડાર એ જ આપણી સાચી સંપત્તિ છે. જીવનને સાદુ, સરળ, શ્રદ્ધામય, સેવા પરાયણ અને પ્રભુમય બનાવવાની કળાનો વિકાસ કરીએ તે જ પરમાત્માની સાચી સેવા છે.