ગાયત્રી માતાનાં વ્હાલા બાળકો,
નથી કહેવી, નથી કહેવી, આધ્યાત્મિકતાની વાતો,
નથી કહેવી, નથી કહેવી, સંસાર તણી વાતો,
કહેવી છે, બસ કહેવી છે,
મા – બાળ તણી વાતો.
આજ રોજ મારા દૈહિક જીવનનાં ૯૩ વર્ષ પસાર કરી, ૯૪ માં વર્ષમાં પ્રવેશ કરું છું, આધ્યાત્મિક જગતનાં ૫૦ માં વર્ષમાં પ્રવેશ કરું છું.
જન્મ થયો ને માતાજીએ મારું સુકાન સંભાળી લીધું. ક્યાં ગોધરાની ગલીઓમાં ફરતો નરેન્દ્ર અને ક્યાં અમદાવાદમાં આવી ચડ્યો. નરેન્દ્ર માંથી બન્યો “શાસ્ત્રીજી” અને માતાજીએ બનાવ્યો “રાજયોગી”.
(અહીં મારા સખા કૃષ્ણને યાદ કરી લઉં.) અહીં મારા સખા કૃષ્ણની વાત કરું તો ક્યાં ગોકુળની ગલીઓમાં ફરનારો, મહાભારતનાં યુદ્ધમાં ગીતાનો ગાનારો અને ક્યાં દ્વારિકાનો રાજા. (એ કઈ થી કઈ જતો રહ્યો.)
માતાજીએ મને ૪૪ વર્ષ સુધી તેમની જાણ થવા ન દીધી, પણ મારો સઘળો વહીવટ એમણે સંભાળી લીધો. ગોધરામાં મને બે વખત દર્શન આપ્યા હતા પરંતુ હું ઓળખી શક્યો ન હતો. (કારણ કે મને તે વખતે ખ્યાલ જ નહતો કશું.) તેમણે મને તેમની રીતે ઘડ્યો – તૈયાર કર્યો અને પછી સમગ્ર માનવ જાતને ભેટ તરીકે ધરી દીધો. (આપી દીધો.)
તેમણે મારી અનેક કસોટીઓ કરી છે, પરંતુ બે મહત્વની હું જણાવું છું. મને છેક ખીણમાં રહેવાસમાં ધકેલ્યો અને ત્યાં ત્રણ દિવસના ઉપવાસ કરાવ્યા. બીજું, કલેકટર સાથેની મારી મુલાકાત એ છેલ્લી મારી કસોટી હતી. આજે હું જેવો છું અને આપની સમક્ષ છું તે માતાજીની કૃપા છે અને માતાજી મારી જીવન નૈયાનાં સારથી છે.
માતાજીને મારા લાખ – લાખ વંદન. મારા આપ સર્વેને આશીર્વાદ છે.
તા.૭-૯-૨૦૨૫
રવિવાર, સાંજે
પૂજ્ય ગુરુદેવના સંસ્મરણો
આજના સવારના પ્રવર્ચનમાં મેં જણાવેલુ કે માતાજી બે વખત મારી પાસે ગોધરામાં આવીને ચાલ્યા ગયા, પણ મને જરાય અણસાર કે ખબર નહીં પડી. હવે આમ તો પાછળથી ખબર પડી પણ એમણે પહેલેથી જ દર વરસે વરસે મારો (એ કરી) સંપર્ક સાધી અને મને એમની ઈચ્છા અનુસાર જ મોટો કર્યો.
હવે પહેલો પ્રસંગ જે તેમનો છે, માતાજીનો, તે મારું અનુષ્ઠાન ચાલતું હતું, અને ઠંડક હતી એટલે હું બીજા (પાછળના) રૂમમાં સૂઈ જતો હતો, એક આગળનો રૂમ અને એક પાછળનો રૂમ. રાત્રે સાડાબાર એક વાગ્યે હું જાગી ગયો. સામે (બે રૂમની) વચ્ચે એક બારણું હતું. ત્યાં બારણા આગળ કોઈ બેન આમ હાથ કરી (બંને હાથ ખોલી) અને બિલકુલ સ્વરૂપવાન, દૈદીપ્યમાન અને મને બોલાવતા હોય એવી રીતનું એ દૃશ્ય હતું. પહેલી જ વાર, બીક તો નહીં લાગી મને, પણ મને એમ થયું કે હું જાગું છુ કે સ્વપ્ન જોઉં છું, કે શું છે આ ? એટલે મેં મારી જાતને ચૂંટણી ખણી જોઈ, તો ના.. હું તો જાગું જ છું. તો પછી મને એમ થયું કે હું જાગતો હોઉં તો મારે ઉભો થઈને જવું જોઈએ કે કોણ છે ત્યાં આગળ. બેઠો થયો, ચાલ્યું તો એ માતાજી પાછલા પગે પાછલા પગે ચાલતા ચાલતા ચાલે. હું આગળ ચાલુ એ પાછળ પાછળ ચાલે. બીજો રૂમ આવ્યો. એ રૂમનું બારણું બંધ હતું, એ બારણું ખૂલ્યું, એ બહાર ગયા. બારે ગેલેરી હતી, એ ગેલેરીમાં થઈને અદૃશ્ય થઈ ગયા, અને હું ત્યાં પહોંચ્યો.. કશું દેખાય નહીં ! પછી હું તો આવીને પાણી પીને સૂઈ ગયો. પાછળથી ખબર પડી, કે એ માતાજી આવીને મને દર્શન આપી ગયા.
બીજો એક પ્રસંગ,
મને વાંચવાનો શોખ તેથી ઘણા વખત મોડે સુધી વાંચુ. સાડાબાર એક નો ટાઈમ થયો હશે, ને કોઈ દૂરથી ચાલતું આવતું હોય એમ મને ફૂટ પ્રિન્ટ પટ પટ સંભળાયા. તો મને એમ થયું કે સાડાબાર વાગ્યા અત્યારે કોણ ચાલતું જતું હશે આ રોડ ઉપર ! એટલે હું મારી આ જ ખુરસી પર બેઠો હતો, [ખુરસી નથી અહીંયા અત્યારે.] એટલે હું ત્યાંથી ઊઠીને ગેલેરીમાં આવ્યો જોવા માટે. તો ત્યાંથી એક બેન, બિલકુલ તૈયાર થઈને માથે પાછો અંબોડો, મોગરાના ફૂલ લગાવેલ, ને ચાલીને ચાલતા ચાલતા ગયા. મને એમ થયું કે એકલા કંઈ જતા હશે અત્યારે રાત્રે ? પછી હું બે મિનિટ ઊભો રહ્યો કે પાછળ કોક માણસ એમનો આવતો હશે. પણ કોઈ દેખાયું નહીં એટલે મને એમ થયું કે મારે જવું જોઈએ તપાસ કરવા માટે કે કોણ ગયું છે. તો હું મારું બારણું ખોલી, નીચે ઉતરી, દાદર ઉતરી ને ચાલતો ચાલતો ગયો, સીધો રોડ છે, ને ત્યાં આગળ એક પોલીસ ચોકી આવતી હતી તે વખતે. પોલીસ વાળા તાપણું કરીને બેસતા તાપતા હતા. મેં જઈને પૂછ્યું એમને કે, “ઈધરસે કોઈ યુવતી ગુજર ચલી હૈ ?” મને કે છે, “ક્યાં ખ્વાબ દેખ કર આયે હો ? ઘર જાકે સો જાઓ.” હવે, એમને હું શું કહું કે મેં કોઈ જોયું હતું ને આવી રીતે હું આવ્યો હતો. પછી હું પાછો ફરી ગયો. આવીને પાછો હું તો સૂઈ ગયો. પરંતુ મને એ વખતે જરાભી એ અણસાર ન આવ્યો, કે આ માતાજી હશે, ને એવો વિચાર ભી નહીં મનમાં આવ્યો કે માતાજી હશે આ. એ વિચાર નહિ આવ્યો.
બીજો એક પ્રસંગ કે, લીમખેડા મારી બદલી થઇ હતી, અને ત્યાં હું અપ-ડાઉન કરતો હતો, તો સાંજના સમયે પાછા આવતા એક સુટ-બુટમાં સજ્જ, સજ્જન બેઠાં હતાં second class ના ડબ્બામાં. હું બેઠો, ને બધી વાતચીત થઇ, એમણે બધી આધ્યાત્મિક વાતો કરી, અમે વાતો કરતા હતાં. પછી છેલ્લો ગોધરા આવને ૧૦ મિનીટ વાર હતી ને એમાં કે છે, “હું તમને વાયુ મંડળમાં ઋષિ મુનિયોના આપ લે કરતા વિચાર કરતા તમને દાખલ કરી દઈશ.” મેં કહ્યું, “ના.. મહાશય મને દાખલ ના કરતા. હું તો સરકારી નોકરી કરું છું, અને ગમે ત્યારે ગમે ત્યાં જઈ ને રહું, એ મારું કામ નહિ માટે મને દાખલ મહેરબાની કરીને કરશો નહિ.” પણ એ જ વસ્તુ વર્ષો પછી પાછી બની, હકીકત બની ! પણ તે વખતે જરાય અણસાર ન આવ્યો. એટલે માતાજીએ ગુપ્ત રહી, પાછળ રહીને આ બધું કાર્યવાહી કરાવી એમણે.
બીજું.. મારું ગોધરા છોડવાનું..
હું કદાપી ગોધરા છોડું નહિ. કોઈ હિસાબે ના છોડું. હું well set હતો, હું લોકોમાં લાડલો હતો, લોકોને બહુ પ્રેમ હતો, સમુદાય મને બહુ પ્રેમ કરતા હતા. પણ એમણે એવી પરિસ્થિતિ ઉભી કરાવી, કે મારો કલેક્ટર સાથે, કોઈ ભી કારણ સર, કે ગમે તે રીતે પણ એમણે મારા વિરુદ્ધ જઈ ને મને એકદમ ધમકી આપી. ‘જેલ માં પૂરી દઈશ’ એમ ધમકી આપી. હવે એ મારા ઉપર એક ઘા હતો. કારણ કે મારું તો એવું કોઈ કાર્ય હતું જ નહિ. જો કે મેં તો એમને ઘણું સમજાવ્યું હતું કે તમે આં ક્યારે કરી શકો. પરંતુ એ જે બન્યું પણ ત્યાર પછી મારું દિલ ઉઠી ગયું કે મારે હવે ગોધરા રેવું જ નથી. ને એ હિસાબે પછી હું અમદાવાદ આવ્યો, ને માતાજી મને અમદાવાદ લઇ આવ્યા ને એ આવી ગયા અહિયાં ને પછી તો બધી માહિતી આપને ખબર છે.
હવે માતાજીએ આ મારી કસોટી કરી અને બીજી કસોટી હતી, મારી બદલી એવી જગ્યાએ કરી કે ખીણ, ખીણની વચ્ચે રહેવાનું અને ફક્ત, હવા-પાણી શુધ્ધ મળે, બાકી કોઈ જીવન જરૂરિયાતની ચીજ ના મળે. સરકારી મોટા મોટા મકાન ખરા, પણ કોઈ ચીજ ના મળે. ચીજ લેવાએ ૩૦ કિલોમીટર દુર જવું પડે તમારે. અને પણ સવારે ઉઠો, તો તમને અજંટા-ઈલોરા દેખાય. બધું સરસ, બહુ scenery સરસ દેખાતા. અને એ છ મહિના મેં ત્યાં પસાર કર્યા. પણ બહુ એ ભી આનંદથી કર્યા. (પસાર કર્યા) બહુ સરસ રીતે કર્યા.
એવીરીતે આ બે મારી મોટામાં મોટી કસોટી એમણે કરી, બીજી તો ઘણી કરી નાની-મોટી. પણ આ બે મારી મોટી મેં આજ બતાવી હતી તે કસોટીઓ એક વખત લીધી તી.
હવે, માતાજીએ પછી અહી મને લાવી, હવે (મને) શું કર્યું એ તો બધાને તમને ખબર જ છે બધી તો. મને એમની રીતે ઘડ્યો, મોટો કર્યો ને તૈયાર કરી ને પછી બધાને માટે ધરી દીધો.
જે હું મુક્ત પંખી હતો ગોધરા, હવે પીંજરમાં બંધાઈ ગયો હું, પિંજરમાં આવી ગયો હું. મુક્ત ના રહી શક્યો. એટલું બન્યું, બાકી આ બીજું બધું મારું કાર્ય તો એ જે કરતો હતો એજ કરું છું.
અને.. આજે જે કઈ હું છું અત્યારે, એ માતાજીને આભારી છું.. અને આટલે, આ ઉમરે, જે મારું સ્વાસ્થ્ય સારું રાખે છે, એ માતાજીને આભારી છે.. માતાજીને મારા લાખ લાખ વંદન. અને જ્યાં સુધી એમણે મારી સેવા કરાવી હોય, ત્યાં સુધી કરાવે. બાકી તો બધું એમના આધીન છે જે કરવું હોય તે કરે.
મેં હજુ સુધી એમની પાસે કોઈ માગણી નથી કરી, માતાજી પાસે. કશું જ માગ્યું નથી આત્યાર સુધી. કે મને આ આપો, કે આ આપો, કે આ આપો.. પણ, હવે એટલી વિનંતી કરું છું, કે જયારે ફરીથી જન્મ આપે તો મને એવી રીતે આપે કે આ જ કાર્ય હું કરી શકું અને પહેલેથી કરી શકું. મેં જે ૨૦-૨૨ વર્ષ ગુમાવ્યા મારા, એ હું ગુમાવી ના શકત હું. પણ, મને એમ થાય છે કે ૨૨ વર્ષ ગુમાવ્યા એમાં મને ઘડ્યો એમણે બધી રીતે. આખી દુનિયાદારીની રીતે, કે આ દુનિયાદારીમાં કેવું ચાલે છે, આ ચાલે છે એવી રીતે ઘડ્યો ને પછી મને ધરી દીધું.
પણ મારી વિનંતી કે મને ફરીથી ભી જયારે જન્મ આપે, તો આજ કાર્યો કરું અને આજ રીતે ચાલુ થાઉં.. અને પાછા આપણે બધા બીજા સ્વરૂપે એ રીતે ભી ભેગાં થઈએ પાછા. મારા આપ સર્વેને આશીર્વાદ છે.