વ્હાલા પ્રેમીજનો,
આજે સાતમી સપ્ટેમ્બર, મા-બાળનો દિવસ, આજે મારે કોઈ ઉપદેશો કે આદેશો આપવાના નથી. આજે તો બસ સર્વત્ર આઠે પ્રહર આનંદનો જ દિવસ. આજે બસ ‘મા’ મારી સાથે ઝુમ્યા જ કરે, ઝુમ્યા જ કરે ને તે આનંદમાં હું સ્નાન કર્યા જ કરૂં.
આજે એક વિચાર એવો છે કે ૭૧ ના આંકડા ને ઉલટાવી દઈએ તો !
“નિહાળું તમોને અમીમય આંખડીથી,
ધારણ કીધુ સ્થાન મુજનું તમ હૃદય મંદિરમાં ”
“જ્યમ ભ્રમર બિડાયે કમળ માંહિ,
હું બિડાવું તમ હૃદયમાં”
જોઈ લો રામ, કૃષ્ણને, આજે હજુ પણ કરોડો લોકોના હૃદયમાં તેઓનું સ્થાન અકબંધ છે.
આજે તો ખરેખર માતના પ્રેમનું પ્રેમાક્રમણ ચારે દિશાએથી થઈ રહ્યું છે, તે હું અનુભવી રહ્યો છું.
આજે માતાજી મારી પાસે અગોચર રૂપે ૧૯૫૫ અને ૧૯૫૮ માં આવી ગયાં તે પ્રસંગ અત્રે રજૂ કરૂં છું. આ બંને પ્રસંગો “વેદ જનની સ્મૃતિથી સાક્ષાત્કાર” પુસ્તકમાં આવી ગયા છે.
ઉપરોક્ત પ્રસંગો પરથી ફલિત થાય છે કે, માતાજી સદેહે મારી પાસે આવી ગયાં પરંતુ મને તેનો જરા પણ ખ્યાલ આવવા દીધો નહિં.
માતાજીએ મારી કસોટી પણ ઘણી કરી છે, તેમાંય તેમની અમી દ્રષ્ટિથી જ તે પાર કરી શક્યો હોઇશ, પરંતુ મેં કદીપણ માતાજીને ફરિયાદ કરી નથી, કારણ કે માણસે કરેલાં કર્મો તો ભોગવવાં પડે ને ?
મારા આખા જીવનનું સરવૈયું કાઢીએ તો જન્મથી અત્યાર સુધીમાં માતાજી મારી સતત દેખરેખ રાખી રહ્યાં છે, માર્ગદર્શન આપી રહ્યાં છે. અત્યારે હું જે કાર્યો કરી રહ્યો છું તે કાર્ય ખરેખર મારાથી થઈ શકે તેમ ન હતું કારણ કે બાવીસ વર્ષની સરકારી નોકરીમાં સત્તા હતી, જ્યારે આ કાર્યમાં સેવા છે. આ બંને વિરોધાભાસી કાર્યો છે પરંતુ માતાજીએ સાથે રહીને માર્ગદર્શન આપી આ સેવાના કાર્યો પાર પડાવતાં રહે છે. આ માતાજીની મહાન કૃપા જ છે. મારા માતાજીને લાખ લાખ વંદન.
હજુ પણ માતાજી નવા નવા સેવાનાં સોપાનો સર કરાવતાં જાય છે અને મોટી જવાબદારીઓ અદા કરાવતાં જાય છે. બાળક બાલ્યાવસ્થામાંથી યુવાન અવસ્થામાં પ્રવેશે ત્યારે તેના પર વધારે જવાબદારી આવી પડે છે. આજે આધ્યાત્મિક જગતમાં મારે સત્તાવીસ વર્ષ થયાં એટલે માતાજી વધારે પડતી જવાબદારી અદા કરાવે છે. એવું મારું માનવું છે. આજે પણ હું માતાજીને એટલી વિનંતી કરૂં કે જેટલાં કાર્યો કરાવવાં હોય તેટલાં કરાવજે પરંતુ તું સાથે રહીને કરાવજે. અંતમાં,
“તુમ સબકો ગલે લગાલું,
તુમ્હારા દિલમાંહિ બસ જાઉં”
આનંદ આનંદ આનંદ
મારા આપ સર્વેને આશીર્વાદ છે.