હરિનો હિસ્સો

માનવ જીવનને અધ્યાત્મિતકતાથી સમૃદ્ધ કરવા માટે આપણે આપણા ઇષ્ટદેવ સાથે શ્રદ્ધા અને સમર્પણભાવથી જોડાયેલા રહેવું પડે. પરમની દરેક જડચેતન સૃષ્ટિમાં આપણો આત્મીયભાવ વર્તાવવો જોઈએ અને આત્મીયભાવ રાખવો જોઈએ.

માનવ યોનિમાં મન, બુદ્ધિ, હૃદયની સંવેદના, વિવેક જેવા પ્રાથમિક ભાવો જન્મની સાથે જ જોડાયેલા હોય છે.

માનવ જીવનને સાર્થક કરવા માટે આપણે આપણા દરેક કાર્યમાં દસ ટકા હિસ્સો સેવા, સત્કાર્ય, દાન, ઉપાસનામાં ફાળવવો જોઈએ જ.

પરમાત્માએ આપણને ચોવીસ કલાકનો સમય જીવન વ્યવહાર ચલાવવા માટે આપ્યો છે. તેમાંથી બે કલાક ચાલીસ મિનિટ સેવા, સત્કાર્ય, ઉપાસના માટે નિયમિત રીતે ફાળવવો જોઈએ.

આપણી અર્થોપાર્જનથી થતી આવકના દસ ટાકા ભાગ દાન પુણ્ય ગરીબો માટે અને જરૂરિયાતવાળી વ્યક્તિઓને અનાજ, કપડાં, વિદ્યા સહાય, સ્વાસ્થ્ય સહાય માટે ફાળવવા જોઈએ.

અપેક્ષા રહિત, અનાસક્ત ભાવે આત્મીયભાવથી કરાતી સહાય આપણું સાત્વિક પ્રારબ્ધ નિર્માણ કરે છે અને મનમાં આનંદ અને સંતોષનો ભાવ જન્માવે છે. આપણા તન, મન, ધનની સાત્વિક સમૃદ્ધિ નિર્માણ કરવા માટે, સાત્વિક પ્રારબ્ધ નિર્માણ કરવા માટે દાનનો પ્રવાહ વહેતો રાખવાથી પરમાત્માની કૃપા વર્ષા અવિરત પણે વહેતી રહે છે. આધ્યાત્મિકતામાં વૃધ્ધિ થતી રહે છે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી