સેવાદિન – ૨૦૨૩

વ્હાલા આત્મીયજનો,

સેવાધામ નિલોષાની સેવાયજ્ઞ શિખાનું પ્રાગટ્ય થયે આજે તા. ૪-૯-૨૦૨૩ ના રોજ ચુંમાલીસ વર્ષ પુરા થયા અને પિસ્તાલીસમાં વર્ષમાં પ્રવેશ થઇ રહ્યો છે.

માતાજીના વરદાન અને આશીર્વાદથી તા. ૬-૯-૧૯૭૬ થી બંસીધર બંગલો – મણીનગર સેવાયજ્ઞની જ્યોત જલાવી હતી. તા. ૪-૯-૧૯૭૯ થી સેવાયજ્ઞની જ્યોત નિલોષા ધામમાં સ્થાપિત થઈ છે.

પ્રેમ, પૂજા અને પરિશ્રમની સમિધાથી આ સેવાયજ્ઞની જ્યોતની સુવાસ વિશ્વભરમાં પ્રસરી રહી છે, માનવતાને મહેકાવી રહી છે. સાત્વિક સંસ્કાર સિંચન કરતી રહી છે.

મારા નવ સિદ્ધાંતો, ચાર માસ્ટર કી – પ્રેમ માર્ગ, જ્ઞાન માર્ગ, સહન માર્ગ, ક્ષમા માર્ગ, રાજગીતા વિગેરે સેવાયજ્ઞની શિખાઓ જ છે. જે જીવનને આધ્યાત્મિકતાના રંગથી રંગી દે છે.

વ્હાલા બાળકો, આપે નિઃસ્વાર્થ, નિઃશુલ્ક સેવાના ફળ અનુભવ્યા જ હશે. નિષ્કામ સેવા-કર્મયોગની ચાવી છે. આપણા કર્મને દિપાવવા માટે પ્રેમ, પુરૂષાર્થ, નમ્રતા, નૈતિકતા અને સાત્વિકતાથી સમૃદ્ધ બનાવતા રહેજો.

નિઃસ્વાર્થ સેવાના પરમ પવિત્ર અને ઉચ્ચતમ આદર્શના પાયા પર જ સાત્વિક જીવનનું ચણતર અને ધડતર કરી શકાય.

મારા આપ સર્વેને આશીર્વાદ છે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી