ગાયત્રી માતાના વ્હાલા બાળકો,
નિલોષા આજે ૩૩ વર્ષ પૂરાં કરીને ૩૪ માં વર્ષમાં પ્રવેશી રહ્યું છે. તેત્રીસ વર્ષ સુધી એકધારી એક બેઠકે સેવા કરવી સહેલી નથી. માત્ર માતાજીની કૃપા હોય, તો જ આ થઈ શકે. આપણા પંચમહાભૂતથી બનેલા આ શરીર માટે આવો સેવાયજ્ઞ શક્ય નથી. આ તો માતાજી જ કરે છે. હું તો માત્ર નિમિત્ત છું. સેવા કરવી સહેલી નથી. હનુમાનજીએ તો માત્ર રામની સેવા કરી જ્યારે નિલોષામાંથી માતાજીએ વિશ્વકલ્યાણ અર્થે સેવા કરાવી. આ ખૂબ વિકટ કામ છે. માતાજીની શક્તિ ન હોય તો આ થાય નહીં. વિકટ પરિસ્થિતિઓમાં માતાજી જ સહાય કરે છે, માર્ગદર્શન આપે છે. હું જે કાંઈ કરું છું તે માતાજીની ઈચ્છાથી જ થાય છે.
આ નિલોષા પર આજ સુધી અનેક લોકો આવ્યા હશે. કેટલાય દેવમાનવો પણ જુદા જુદા રૂપે પધાર્યા હશે. નિલોષાની ચરણરજ માથે ચઢાવવી પડે કારણ એમાં પરમાત્માના અલૌકિક રૂપની રજ સમાયેલ છે. આવી વ્યક્તિઓ અલગ અલગ રૂપ લઈને આવે, બતાવે નહીં પણ આવ્યા જ હશે. ખુદ માતાજી અહીં પધાર્યાં છે અને તેથી જ નિલોષા આજે પવિત્રધામ અને સેવાતીર્થ બની ગયું છે અને સેવાતીર્થ જ રહેશે.
મારા આપ સર્વેને આશીર્વાદ છે.