તીર્થભૂમિ નિલોષા

આજે આપણે નિલોષા સેવાતીર્થની તેત્રીસમી જન્મજયંતી ઉજવી રહ્યા છીએ. સેવાદિન અને માનવતાદિન વચ્ચે બે દિવસનું જ અંતર છે તો સેવા + માનવતાનું અદ્વૈત મનાવીએ. માનવતાનો ભાવ હૃદયમાં હશે તો જ સેવાની સરવાણી ફૂટશે ને !

ચાર સપ્ટેમ્બર ૧૯૭૯ ના પાવન દિવસે માતાજીએ વાત્સલ્ય વર્ષાવ્યું અને નિલોષા ભૂમિનું આધ્યાત્મિક પ્રાગટ્ય કર્યું. માતાપિતાની અનન્યભાવે સેવા કરીને નિલોષા દંપત્તિ શ્રી નલિનકુમાર અને શ્રીમતી ઉષાબેને આ ભૂમિમાં સેવાના સાથીયા તો પૂરી જ દીધા હતા. માતાજીએ નિલોષા ભૂમિને સેવાતીર્થની મહોર મારી, સેવાનો સાગર રચવાનો એંધાણ આપી દીધા.

રાજયોગી નરેન્દ્રજીના માધ્યમ દ્વારા આધિ, વ્યાધિ, ઉપાધિથી ત્રસ્ત વ્યક્તિઓને અહિયાં નિ:શુલ્ક આધ્યાત્મિક ઓસડિયાં મળે છે. દુઃખની પોટલી મૂકીને, સુખની સંદુક લઈને વ્યક્તિ જ્યારે નિલોષામાંથી વિદાય થાય છે ત્યારે તેની ચાલ, તેના હાવભાવમાં હળવાશ વર્તાય છે. હાસ્યની લકીર મુખ પર ઉપસી આવે છે.

આ પાવનભૂમિ માતાજી દ્વારા નિર્દેશ કરેલી અને રાજયોગીજી દ્વારા પ્રવૃત્ત થયેલી આધ્યાત્મિક કર્મભૂમિ છે. આ ભૂમિમાં માતાજીના પાવન પગલાં પડ્યાં છે. પ્રેમ વરસાવ્યો છે અને પ્રસાદ આરોગ્યો છે.

માતાજીની સૂક્ષ્મ હાજરીમાંથી નીતરતા વાત્સલ્યની અનુભૂતિ શ્રદ્ધાળુ ભક્તોને થતી રહે છે.

મંત્રજાપ, સત્સંગ અને સેવાના તપથી આ ભૂમિના કણકણને તપાવવાના છે. અહીંના વાયુમંડળમાંથી સાત્વિક સુવાસ અને ૐ મા ૐ નો મંત્રધ્વનિ અવિરતપણે વહેતો રહેશે, ગુંજતો રહેશે.

નિલોષા શાશ્વત સેવાતીર્થ બની રહેશે. મારા આપ સર્વેને આશીર્વાદ છે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી