રામનવમી – 2020

રાજસેનાના વ્હાલા આત્મીયજનો,

         રામનવમીના પાવન પ્રસંગે આપ સર્વેનું જીવન રામ-રાજના આદેશ અને આદર્શોથી હર્યું ભર્યું બની રહે તેવા મારા આશીર્વાદ છે.

         સાંપ્રત સમયની સમસ્યાને નિયંત્રિત કરવાં, કેન્દ્ર-રાજ સરકારના આદેશોને રામ આજ્ઞા સમજીને પૂર્ણ સહકાર સાથે આ કોરોના અસુરને નેસ્તનાબુદ કરવાનો છે.

         આજના રામનવમીના પ્રસંગે મારા મનમાં ઉદભવતા કેટલાક પ્રશ્નો આપની સાથે તાજા કરું છું.

શ્રી રામ

૧)      મંથરાથકી રામ પામ્યા વનવાસ,

          લક્ષ્મણ થકી ઉર્મિલાને પતિનો વનવાસ,

         વિધિની વક્રતા જુઓ, રાજકુમારો હાજર છે.

         પાદુકા રાજ્ય કરે, સિંહાસનને વનવાસ.

૨)      હું પૂછું છું રામને-

         શાસનની ધુરા યાદ આવી સીતાત્યાગ પ્રસંગે !

         શાસનની ધુરા યાદ ન આવી વનવાસ તણા પ્રસંગે ?

         શ્રીરામ કહે છે –

         દુનિયા તણાં સિક્કાની બે બાજુ,

         નજર-નજરમાં ભેદ છે.

         દુનિયા તણાં કાયદાઓ, પોથીઓ,

         સિક્કા તણી બે બાજુ.

૩)      રાજપાટ છોડી સ્વીકાર્યો વનવાસ,

         અરણ્યમાં શું મોહ, કંચનની કંચૂકીનો ?

         શું રામને નહોતી ખબર, કંચન તણા મૃગની ?

         શીખ આપી હોત સીતાને, સમજી જાત.

         કરામત વિધિની,  ભાગ્ય મિથ્યા ન થાય.

         શ્રી રામ જેવા રામને ભાગ્ય તણા ચક્રમાં ફરવું પડે,

         સંસારના માનવીનું શું ગજું,  કર્મની ગતિમાં ખોવાય.

૪)      નિ:સ્વાર્થ પ્રેમ અને સેવાના પ્રતિબિંબને નિહાળીને,

         પ્રવેશ અર્પ્યો શ્રીરામે એંઠા બોરને મુખ મહીં,

         બુધ્ધિના જ્ઞાન તણો લક્ષ્મણ,

         સ્ફટિક જેવા સત્યને ન સમજી શક્યો,

         શ્રીરામે ખુદ આપેલા બોર,

         રાજ તણા આવરણથી, હડસેલી દીધાં,

         દિવસો ફરતા ફરી, કાળચક્ર ચાલ્યા કરે,

         લક્ષ્મણ મૂર્છા વેળાએ,

         હડસાયેલાં બોરની વનસ્પતિ થકી,

         લક્ષ્મણ હોશમાં દાખલ થાય,

         જગત તણા વ્યવહારોમાં,

         ઉપેક્ષા જડ-ચેતનની ન થાય.

૫)      આ કિનારે શ્રીરામ,  સામા કિનારે પુત્રો,

         ઓળખ માગી,  પ્રમાણપત્ર પુત્રો પાસ,

         શું ઉધઈ રાજ તણી ગુપ્તચર સંસ્થાને !

         ઓળખી ન શક્યા રવિ તણો પ્રકાશ,

         દૂર રહ્યા હોત અવડી પ્રક્રિયાથી,

         ધરતી તણી સફરે સીતા માત ન જાત,

         શીખ એટલી બંધુઓને,

         પહેલી બુધ્ધિ, બીજો નિર્ણય.

૬)      રાજ્ય છોડી નીકળ્યા શ્રીરામ, સીતાના સંગમાં,

         આદેશ કશો આપી ન શક્યા સીતાને.

         લક્ષ્મણ બંધુ સાથમાં સેવા થકી,

         હું પુછું છું, શું કરવાં ઉર્મિલાને અન્યાય ?

૭)      મૂકી ફરતી લક્ષ્મણરેખા રક્ષણ કાજે,

         આપ્યો ખ્યાલ સીતામાતાને હદ કાજે,

         દોટ મૂકી લક્ષ્મણે બંદુ તણા સ્નેહ કાજે,

         અરણ્યમાં હતો રાજવૈભવ,  ધર્મ કાજે ?

૮)      પામી ગયાં લવ-કુશને, હનુમાનજી બુધ્ધિ થકી,

         જાણ ન કરી રામને,

         આ સૂર્યવંશી ના અંશની,

         અણસાર હોત શ્રીરામને,

ચિત્ર બીજું હોત કંઈક,

         અંશ હતો શ્રી રામ તણો,

         દિગ્વિજય અશ્વમેઘ યજ્ઞ તણો.

૯)      સૂર્યવંશી હતા પરાક્રમી બાહુબળથી,

         શિવ તણા ધનુષ્યને શ્રીરામે નાથ્યું,

         આજ છે કોઈ સૂર્યવંશી પરાક્રમી ?

         જેની યશગાથા ઘેર ઘેર ગવાય ?         

મારા આપ સર્વેને આશીર્વાદ છે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી