માનવતાનો મહાયજ્ઞ

વ્હાલા આત્મીયજનો,
આજે માનવતા દિવસ છે. રાજયોગીજીની જીવનયાત્રા આજે ૮૮ વર્ષ પૂર્ણ કરી ૮૯મા વર્ષમાં પ્રવેશી રહી છે. માતાજીની પ્રેરણા, માર્ગદર્શન અને આદેશથી પાંચ સપ્ટેમ્બર ૧૯૭૬ મધ્યરાત્રિનો પ્રથમ સાક્ષાત્કાર વેળાએ માતાજી પાસે વિનમ્ર ભાવે મે માગ્યું હતું


“તારી ભક્તિ
માનવબંધુની સેવા”


પ્રસન્નતાથી મેળવેલ માતાજીનાં આશીર્વાદથી જ માનવતાના મહાયજ્ઞમાં મે મારૂ જીવન સમર્પિત કરી દીધું છે.

૧૯૭૬ ૬ સેપ્ટેમ્બરથી સેવા યજ્ઞની સરિતા દેશ વિદેશના ભાવિકોની શ્રધ્ધામાં વહી રહી છે.

સમર્પણમાં પરમમાં પૂર્ણ શ્રધ્ધા પાયાની જરૂરિયાત છે. સેવા, ભક્તિ અને સ્મરણનો ત્રિવેણી સંગમ રચાય ત્યારે જ સમર્પણનો ભાવ જાગે.

માનવબંધુની નિ:સ્વાર્થ સેવા માટે માનવતાના મૂલ્યોને આત્મસાત કરવા પડે. માનવતાના પ્રેરક બાળો છે દયા, ક્ષમા, ઉદારતા, કરુણા, પરોપકાર, ધીરજ, સહિષ્ણુતા. બધાંજ દિવ્યગુણોનો સરવાળો જ વ્યક્તિના જીવનમાં માનવતાનો મહાયજ્ઞ રચી શકે.

જો પોતાના માટેજ જીવન જીવાતું હોયે તો તે છે પશુતા.

બીજાના માટે જીવન જીવાય, બીજાને મદદ કરવા માટે તન, મન, ધનનો સદ્ઉપયોગ થાય તો તે છે માનવતા.

જેઓ બીજાનું ઝુંટવી લઈને, ત્રાસ આપીને પોતે મઝા માણે તે છે દાનવતા.

બીજાના માટે જીવનાર જ સાચો મનુષ્ય છે. તેજ માનવતાનો સાચો ઉપાસક ગણાય. જેઓ માનવતાના મૂલ્યોને જીવનમાં અપનાવે છે તેઓ પરમતમના પયગંબરો બની માનવ જાતિના ઉધ્ધારક બની શકે. માનવતાના આદર્શોનું પાલન તેઓને દિવ્યતામાં પ્રસ્થાપિત, પ્રતિષ્ઠિત કરી દે છે.

મે માતાજીની ભક્તિ પણ માગી છે. પરમાત્માના પ્યારા બાળક, બંધુ, સખા બની શકાય, હૃદયના ભાવથી આવો આત્મીય સબંધ સ્થાપી શકાય ત્યારે જ પરમ સાથે અનુસંધાન સાધી શકાય. પ્યારા આજ્ઞાંકિત ભક્ત, શિષ્ય ઉપાસક બનવા માટે પરમના આદર્શો, આદેશોને જીવનમાં આત્મસાત કરવા પડે.

નિયમિત, ભક્તિ, મંત્રજાપ, નામસ્મરણ, સ્વાધ્યાય, સેવા, સત્સંગથી તન, મન અને સમસ્ત અસ્તિત્વને નિખારવું પડે.
પરમાત્મા પ્રેમ સ્વરૂપ, આનંદસ્વરૂપ છે. પ્રેમથી આપણે પરમના પ્યારા માનવ બનીએ.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી