ગાયત્રી માતાજીના વ્હાલા બાળકો,
મારા વ્હાલા ચાહકો – પ્રેમીઓ,
આજે માનવતા દિન છે. રાજયોગીજી ભૌતિક જીવનના એંશીમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. માતાજીનું વાત્સલ્ય અને આપ સર્વેના પ્રેમવારિથી મારા જીવનની વસંત મહેંકી રહી છે.
છ (૬) સપ્ટેમ્બર ૧૯૭૬ના દિવસે મારા ભૌતિક જીવનના ચુંવાળીસમાં વર્ષે મારી જીવનયાત્રાની દિશા બદલાઈ. દિવ્ય માતાજીનો ભેટો થઈ ગયો. માતાજીએ મારા આધ્યાત્મિક જીવનનું પ્રાગટ્ય કર્યું. મારી જીવનયાત્રાને સેવાના પ્રવાહમાં વહેતી કરી. સેવા, સમર્પણ અને સુશ્રુષાનો ત્રિવેણી સંગમ રચાયો.
વ્યક્તિગત અને વૈશ્વિક સેવાની ક્ષિતિજો વિસ્તરતી ગઈ. માતાજીના પ્રત્યક્ષ અને પરોક્ષ માર્ગદર્શન, પ્રેરણા મળતા રહ્યાં છે. નિઃશુલ્ક સેવાયજ્ઞની જ્યોતને જલતી રાખવાની મારી ઈચ્છા છે.
માનવતાની મહેંકને વ્યક્તિના જીવનમાં અને વિશ્વના વાયુમંડળમાં પ્રસરાવવાનો મારો પ્રયત્ન તો ચાલુ જ છે. મારામાં વિશ્વાસ ધરાવતા મારા માનવબંધુઓમાં, મારા ચાહકોમાં માનવતાની ભાવના જાગે તેવો પ્રયત્ન હું છેલ્લા પાંત્રીસ વર્ષથી કરતો જ રહું છું.
મારા વહાલા ચાહકો સ્વાશ્રયી બને, આત્મશ્રધ્ધા કેળવે, આધ્યાત્મિક શક્તિ સંપાદન કરે, સત્યને સમજે, વિવેકને વિકસાવે અને સાત્વિક સૃષ્ટિ નિર્માણના કાર્યોમાં પોતાનું યોગદાન આપે તેવી મારી ઈચ્છા છે.
માનવતાની સાંકળ મજબૂત બને, સદાય વિકસતી રહે, લંબાતી રહે, વ્યક્તિગત અને વૈશ્વિક પર્યાવરણ સ્વચ્છ, સ્વસ્થ અને સાત્વિક બને તે માટે આપ સર્વેએ આપનાં સમય, શક્તિ અને બુધ્ધિનું યોગદાન આપવું પડશે. આપની આત્મિક અને આધ્યાત્મિક શક્તિને સુદૃઢ બનાવવા માટે મારા આદેશો અને આદર્શોને અપનાવતા રહેજો, રાજવાણીને વાગોળતા રહેજો.
વિવેક, વિનય, વિનમ્રતા, સેવા, શિસ્ત, સંયમ અને સાત્વિકતાના આભૂષણોથી આપના ચારિત્ર્યને સદાય શણગારેલું રાખજો. ઉપાસનાના રક્ષા કવચથી તમારા અસ્તિત્વને સદાય સુરક્ષિત રાખજો. સાત્વિક આહાર, વિહાર અને વ્યવહારને જીવનમાં અપનાવજો.
મારા સંકલ્પનો, મારા ચિંતનનો માતાજીએ દીક્ષામાં દીધેલ સેવાનો, માનવતાનો વારસો મારા ભાવિકો, ચાહકો પોતાની શક્તિ અને ક્ષમતા અનુસાર અપનાવે, અને સ્વ અને સમષ્ટિના કલ્યાણ અર્થે તેનો વિનિયોગ કરે તેવી મારી ઈચ્છા આજના માનવતાદિને હું પ્રગટ કરું છું.
આપના પુરુષાર્થમાં મા-બાળના આશીર્વાદ સદાય ભળતા રહેશે.